નથી આજ સુધી ડરી હારથી હું,
છતાં પણ બની ના શકી સારથી હું.
– રેખા જોશી

શબ્દોત્સવ – ૧: ગઝલ: આજથી પત્રોને બદલે લખજે નક્ષત્રો સજનવા – મુકુલ ચોકસી

શબ્દને શોભે નહીં આ કાગઝી વસ્ત્રો સજનવા
આજથી પત્રોને બદલે લખજે નક્ષત્રો સજનવા

હાથમાં પકડ્યો તમારો હાથ તો લાગ્યું સજનવા
મન પ્રથમ વાર જ ઊઘાડી પોપચાં જાગ્યું સજનવા

હાથમાં રાખ્યા જીવનભર પેન ને પોથી સજનવા
પણ લખી અંતે જીવનની જોડણી ખોટી સજનવા

કોરા અંતરપટના કંઈ ઓછા નથી કામણ સજનવા
આપણે નાહક ઉપર શાં કરવાં ચિતરામણ સજનવા

સૂર્ય સામે એક આછું સ્મિત કર એવું સજનવા
થઈ પડે મુશ્કેલ એને ત્યાં ટકી રહેવુ સજનવા

સાવ અલગ રીતે મુહબ્બતને છતી કરીએ સજનવા
આપને મળવાની સઘળી તક જતી કરીએ સજનવા

હાથમાં દરિયાઓ રાખીને દઈશ દસ્તક સજનવા
ના મળે ઉત્તર તો ચાલ્યો જઈશ નતમસ્તક સજનવા

ખાલી કૂવાના અને કોરી પરબનાં છે સજનવા
આ બધાં સપનાં રાબેતા મુજબના છે સજનવા

ટેરવાં માગે છે તમને આટલું પૂછવા સજનવા
આંસુઓ સાથે અવાજો કઈ રીતે લૂછવા સજનવા

– મુકુલ ચોકસી

સૌથી મોઘાં વાઈનની બાટલી લોકો વર્ષો સુધી સંઘરી રાખે છે. અને કોઈ ખાસ અવસરના દિવસે જ એને ખોલે છે. આ ગઝલનું મારાં માટે એવું છે. મુકુલ ચોકસીની આ ગઝલ મારા માટે ખૂબ ખાસ છે. અમે આ ગઝલ સ્કૂલકાળમાં મહિનાઓ સુધી રોજ થોડી થોડી માણતા. દોસ્તો આના શેર અવારનવાર ટાંકતા. એ રીતે અમારા દોસ્તોમાં બધાની ખાસ ગઝલ થઈ ગયેલી. એના એક એક શેર સાથે કેટલીય યાદો સંકળાયેલી છે. મૂળ ગઝલ તો લગભગ પચ્ચીસ પાના લાંબી છે. એમાં ગહનચિંતનથી માંડીને તદ્દન રમતિયાળ એવા બધા પ્રકારના શેર છે. અહીં તો માત્ર થોડા શેર ટાંકુ છું. આ ગઝલ, એ દિવસોની યાદમાં જ્યારે ગઝલ એ વાંચવાની નહીં પણ જીવવાની ચીજ હતી !

6 Comments »

 1. મીના છેડા said,

  December 5, 2006 @ 8:05 am

  પ્રિય મિત્ર ધવલ,

  ફરી એકવાર ગઝલ જીવવાનું મન થઈ જાય એવું વાતાવરણ ઊભું થઈ ગયું.
  આભાર.

  સ્નેહ

  મીના

 2. ઊર્મિસાગર said,

  December 5, 2006 @ 12:05 pm

  ટેરવાં માગે છે તમને આટલું પૂછવા સજનવા
  આંસુઓ સાથે અવાજો કઈ રીતે લૂછવા સજનવા

  વાહ… ખુબ જ સરસ ગઝલ છે!

 3. GAURANG THAKER said,

  February 1, 2008 @ 12:43 am

  What shoud I write for this gazal i do not know But I can say this gazal is everything for me to understand what is GAZAL.? Really great gazal.

 4. લયસ્તરો » આપણી યાદગાર ગઝલો : ૨૦ : સજનવા - મુકુલ ચોક્સી said,

  December 14, 2008 @ 4:52 pm

  […] લયસ્તરો પર આગળ મૂકેલાં આ જ ગઝલનાં થોડા અલગ શેર પણ તમે અહીં માણી શકો છો… ધવલભાઈનાં કોલેજનાં સ્મરણો સાથે. […]

 5. Angel Dholakia said,

  May 21, 2009 @ 5:49 am

  સજનવા નિ આખિ series કયારે માણવા આપો છો?

 6. ami said,

  September 9, 2010 @ 2:15 am

  ખુબ સરસ ! બધાને ભાવવિભોર કરે તેવુ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment