ગમ્મે તેવું મોટું હો પણ,
નામ વગરની હોય નનામી.
અંકિત ત્રિવેદી

અંગત અંગત : ૦૧ : સ્વપ્નાના ભાગીદારોનું ઋણ

ચાની દુકાનમાં

લંડનમાં છે છેલ્લી બેંચનો ડરપોક પરિમલ,
રથિન હવે સાહિત્યક્ષેત્રે એક પરમહંસ.
સાંભળ્યું છે કે દીપુએ તો કાગળનું મોટું કારખાનું ખોલ્યું છે
અને પાંચ ચાના બગીચામાં દસ આની ભાગ છે
એ ઉપરાંત સમય મળે ત્યારે થાય છે દેશસેવક;
અઢી ડઝન વાંદા છૂટ્ટા મૂકી ક્લાસ વેરવિખેર કરી
નાખ્યો તો ગાંડિયા અમલે
તે આજે થયો છે મઝાનો અધ્યાપક.
કેવો ગોરો ગોરો હતો સત્યશરણ
એળે શું કામ પોતાનું ગળું કાપ્યું ચકચકિત છરાથી-
હજીયે એ દ્રશ્ય આવતાં જ કમકમાં આવે છે
દૂર જતો રહેશે એ ખબર હતી, તો પણ આટલો બધો દૂર!
ગલીની ચાની દુકાનમાં હવે બીજું કોઈ નથી
એક વખત અહીંયા અમે બધાં સ્વપ્નોમાં જાગ્યા હતા
એક છોકરીના પ્રેમમાં ડૂબ્યા હતા એકસાથે મળી પાંચેય જણા
આજ તો એ છોકરીનું નામ સુધ્ધાં યાદ નથી.

-સુનીલ ગંગોપાધ્યાય
(અનુ. નલિની માડગાંવકર)

બીજું કાંઈ કહું એ પહેલા મારે કહેવું જોઈએ કે ઈશ્વરે દોસ્તોની બાબતમાં મને હંમેશા માલામાલ રાખ્યો છે. મને મળ્યા એવા દોસ્તો તો કિસ્મતના ધની માણસને જ મળે.

આમ તો આ કાવ્ય ભારતમાં હતો ત્યારે પણ વાંચતો. પણ આજથી તેર વર્ષ પહેલા માતૃભૂમિની સાથેસાથે દોસ્તો પણ છૂટી ગયા ત્યારે આ કવિતા તો ખરો અર્થ સમજાયો. જીંદગીના રસ્તા પર અવળા વળાંકો આવ્યા ત્યારે સમજાયું કે  દોસ્તો અને દોસ્તી એટલે શું. દેશ છૂટી જાય એમાં તો દુ:ખ છે જ પણ મને ખરેખરું દુ:ખ  તો દોસ્તો છૂટી જવાનું છે. દોસ્તી એટલે સારા-ખરાબ પ્રસંગે એકબીજાની સાથે ઊભા રહેવાનો અતૂટ વાયદો. પણ હજારો માઈલ દૂરથી આ વાયદો પાળવો કોઈના માટે શક્ય રહેતો નથી. આડા વખતે પોતાના દોસ્તોના ખભે હાથ ન મૂકી શકાય એનો ભાર દીલ પર લઈને ફરવું બહુ અઘરું કામ છે. આ કવિતામાં આવે છે એવી ‘ચાની દુકાન’માં (એટલે કે કેંટીનમાં કે પાળી પર બેસીને) બહુ સપના સેવ્યા હતા. આજે તો હવે એ સ્વપ્નાના ભાગીદારોનું ઋણ લઈને ફરું છું. મારા અંગત લોકો કહે છે કે, હું મારા દોસ્તોની હાજરીમાં જેવું મોકળા મને હસુ છું એવું હવે બીજે ક્યારે ય નથી હસતો – એનાથી વધારે તો શું કહું ?

આડવાતમાં, દોસ્તો અને દોસ્તીને ગુજરાતી કવિતાએ (અને ખાસ તો ગઝલે) ખૂબ અન્યાય કર્યો છે. હેમેન શાહના શેર, ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે,જુલિયસ સિઝરની પીઠનું ખંજર તપાસ કર અને સૈફસાહેબના શેર જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી, બહુ ઓછાં પાનાં જોઈ શક્યો – બહુ અંગત-અંગત નામ હતાં – જેવા અનેક શેર ગુજરાતી કવિતામાં છે. પણ દોસ્તી વિષે હકારાત્મક લખાણ ખૂબ ઓછું છે એ વાત દીલને ખૂબ નડે છે.

10 Comments »

 1. Girish Parikh said,

  December 5, 2010 @ 9:34 pm

  દોસ્તી વિશેનું હકારાત્મક એક કાવ્ય આ રહ્યુઃ
  http://girishparikh.wordpress.com/2010/06/03/%E0%AA%86%E0%AA%B5%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A6%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8B/
  –ગિરીશ પરીખ

 2. tirthesh said,

  December 6, 2010 @ 1:29 am

  correct !!!! bravo !!!! સાવ સાચી વાત ! દોસ્તોને ગાળો દેવાનો ચેપી રોગ લગભગ બધી જ ભાષાના કવિઓને એકસરખો લાગેલો છે. એક આંગળી સામાંને ચિંધનાર પોતાના તરફ તકાયેલી ત્રણ આંગળીઓ ભૂલી જાય છે-આ વાત સામાન્ય લોકોના સંદર્ભમાં એકવાર અવગણી પણ શકાય,પરંતુ કવિની જવાબદારી કંઈક વિશેષ હોય છે. આવી loose talk કવિને શોભે ખરી ? વળી હાસ્યાસ્પદ વાત એ છે કે કોઈપણ કવિના કાવ્યસંગ્રહની પ્રસ્તાવનામાં પોતાના અમૂલ્ય મિત્રોના દિલ ફાડીને વખાણ કરેલા હોય છે !!!!! ઘણીવાર મને એમ મન થતું હોય છે કે જે મિત્રોની કવિ દ્વારા બદબોઈ કરવામાં આવી હોય છે, તે મિત્રોના તે કવિ વિષેના નિખાલસ અને નિર્ભીક અભિપ્રાય જો પ્રગટ કરવામાં આવે તો મજા આવી જાય…….

 3. વિવેક said,

  December 6, 2010 @ 2:23 am

  ખૂબ જ સુંદર કવિતા… અને સાથેની કેફિઅત વાંચીને તો આંખો ભીની થઈ ગઈ, દોસ્ત ! પણ ક્યારેક દૂર રહીને જે સૌંદર્ય પામી શકાય છે, એ વધુ નજીક અને સતત સાથે રહેવામાં આવે તો ઓઝપાઈ પણ જતું હોય છે… બહુધા કવિતા મનુષ્યના અંગત અનુભવોમાંથી જ આવતી હોય છે અને કળા કોઈ પણ હોય, એને જીવનનો ‘ડાર્ક શેડ’ જ હંમેશા વધુ માફક આવ્યો છે… ખુશીના ગીતો હંમેશા ઓછાં જ હોવાનાં અને દુઃખના નાલા હંમેશા વધારે જ રહેવાના…

 4. Pinki said,

  December 6, 2010 @ 2:56 am

  એક વખત અહીંયા અમે બધાં સ્વપ્નોમાં જાગ્યા હતા …. વાહ !!

  ગલીની ચાની દુકાનમાં હવે બીજું કોઈ નથી… ???

  એ જ વાસ્તવિકતા !

  ધવલભાઇની વાત મહ્દ અંશે સાચી છે,
  મિત્રોની બેવફાઇ વિશે વધુ લખાયું છે.

  પણ હાલ નવા ચલણમાં આવું પણ લખાય છે.

  હોય સદ્.ભાગ્ય હષૅ તો જ મળે,
  ખૂબ સહેલાઈથી સરળ મિત્રો.

  – હર્ષ બ્રહ્મભટ્ટ

  “ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે,
  જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે;
  મિલાવ હાથ ભલે સાવ મેલોઘેલો છે,
  હ્રદયથી આદમી પવિત્ર હોય પૂરતું છે.”

  – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

  ગમે ત્યાં ને ગમે ત્યારે ફસાવી દે, હજી થોડાંક એવા મિત્ર છે,
  ઉદાસી ફૂંક મારીને ઊડાવી દે, હજી થોડાંક એવા મિત્ર છે.

  મને પૂછ્યા વગર લઈ જાય બાઇક મારી ને આખો દિવસ એ ફેરવે,
  ખૂટે પેટ્રોલ ત્યારે માંડ ચાવી દે, હજી થોડાંક એવા મિત્ર છે.

  – અનિલ ચાવડા

 5. pragnaju said,

  December 6, 2010 @ 10:34 am

  ખૂબ સરસ કાવ્ય અને દોસ્તની મઝાની વાત
  ‘દોસ્તી વિષે હકારાત્મક લખાણ ખૂબ ઓછું છે એ વાત દીલને ખૂબ નડે છે.’
  દેખીતી રીતે દિલમા દુઃખ થાય તે વાતમા જે દોસ્તી જ ન હતી તેને દોસ્તી માની! ‘યારી હૈ ઈમાન મેરા યાર મેરી જિંદગી ;કે ‘ યે દોસ્તી હમ નહીં તોડેંગે જેવા આદરણિય પીન્કીબેને બતાવેલા કાવ્યો છે જ .દોસ્તી’ એક આત્મા અને બે શરીર છે.મિત્રતા હોય તેવા કેટલાક સુમેળભર્યા સંબંધોમાં ખટાશ આવે તે દોસ્તી જ નથી. દોસ્તીમાં થતી પરીક્ષાઓમાંથી પાર ઉતરતા સંબંધો કાયમી ટકી રહે છે અને વ્યવસાયિક કે અંગત સ્વાર્થ જેમાં ભળેલો હોય તેવા સંબંધોનું આયુષ્ય લાંબુ નથી હોતું. વસુધૈવ કુટુમ્બકમના મૈત્રી ભાવને છોડીને સંકુચિત વૃત્તિનો ગુલામ બન્યો. પરિણામ,
  ‘એક વખત અહીંયા અમે બધાં સ્વપ્નોમાં જાગ્યા હતા
  એક છોકરીના પ્રેમમાં ડૂબ્યા હતા એકસાથે મળી પાંચેય જણા
  આજ તો એ છોકરીનું નામ સુધ્ધાં યાદ નથી.’
  મેં લેપટોપના પ્રશ્ન અંગે મદદ માંગી ત્યારે અનેક બ્લોગ મિત્રો કાંઈ ન કરી શક્યા અને મિત્ર ભાવે તમે હીસ્ટ્રી અને બીજો કચરો સાફ કરાવ્યો,લેપટોપ અને પોસ્ટના ચાર ઓપશનનુ માર્ગદર્શન આપ્યું અને સ્પામમા શોધ કરી …અને પ્રશ્ન હલ થઈ ગયો! આવી વાતના તમે કેવી પંક્તીઓ લખો ?
  મને યાદ
  દરિયા સાથે દોસ્તી મારી, નદીઓ સાથે નાતો,
  છલાંગ મારતા ઝરણા સાથે, હું તો ગીતો ગાતો..
  હું તો ગીતો ગાતો.. દરિયા સાથે દોસ્તી મારી

 6. dHRUTI MODI said,

  December 6, 2010 @ 3:41 pm

  ખૂબ સરસ કાવ્ય.

 7. Taha Mansuri said,

  December 7, 2010 @ 10:02 pm

  દોસ્તીની વાતો સાંભળી આંખો ભીની છે ને આગળ કંઇક લખવા શબ્દો જડતા નથી.

 8. ઊર્મિ said,

  December 8, 2010 @ 8:39 am

  દોસ્તી અને દોસ્તને દિલથી સલામ…

 9. kalpana said,

  December 8, 2010 @ 6:03 pm

  એક છોકરીના પ્રેમ્મા પડ્યા હતા, એનુ નામેય યાદ નથી! આ જ આજ છે. વાસ્તવિકતા છે.
  લન્ડનના ઉનાળામા બગીચાના બાઁકડે બેસીને યાદ કરવાની મઝા જ ઔર છે.
  આભાર

 10. કિરણસિંહ ચૌહાણ said,

  December 10, 2010 @ 10:27 pm

  બહુ સરસ.
  મારો એક શેર કહેવાની રજા લઉં છું–
  ‘મિત્રો જો શત્રુ નહિ બને તો એ કરેય શું?
  દુશ્મન ઉપર તમારું વધુ ધ્યાન હોય છે!’

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment