તમારી આંખડી કાજળ તણો શણગાર માગે છે
આ કેવી રોશની છે કે જે સદા અંધકાર માગે છે
– અમર પાલનપુરી

અંગત અંગત : ૧૫ : વાચકોની કલમે – ૧૧

લયસ્તરો.કોમની છઠ્ઠી વર્ષગાંઠ અને બે હજારથી વધુ કવિતાઓની ઉજવણી લગભગ બે અઠવાડિયાથી આપણે કરી રહ્યાં છીએ…  જીવનમાં અગત્યનો ભાગ ભજવી ગયેલી કવિતાઓ વિશે અમારી સાથોસાથ આપે ઘણા બધા વાચકોની કેફિયત પણ માણી અને સાઇટ-મીટર અને પ્રતિભાવોની સંખ્યા અમને કહી રહ્યાં છે કે આ ઉજવણીને અમારી ધારણા કરતાં પણ ખૂબ વધારે સારો અને હૂંફાળો પ્રતિભાવ સાંપડ્યો છે… આ યાત્રામાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે જોડાનાર સહુ દોસ્તોનો અંતઃકરણપૂર્વકનો આભાર… કેટલાક મિત્રોની કેફિયત અમે સહિયારા નિર્ણયથી સમાવી શક્યા નથી એ બદલ દિલગીર છીએ…

છેલ્લે છેલ્લે, બે-એક મિત્રોની વાત માણી લઈએ…

*

જ્યારે જ્યારે જીવનમાં મુશ્કેલીઓ પડતી અનુભવાય ત્યારે ત્યારે પ્રકૃતિના ખોળે બેસી બાલાશંકર કંથારિયાની “ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે” હૈયે આવીને બેસી જાય અને મન શાંત થઇ જાય. તો વળી જીવનમાં ખુશી સાંપડે તો સુંદરમનું પેલું અદભુત કાવ્ય “વિરાટની પગલી”અને “મારે આતમને આવાસ પ્રભુ તારી પગલી પડે, મારે અંતર આંગણ માંહ્ય મગન કેરી આંધી ચડે” હોઠ ગણગણવા લાગે. મને યાદ છે દીકરાના જન્મ વખતે, પૌત્ર-પૌત્રીના આગમન ટાણે, પ્રથમ પૂસ્તકના સર્જન સમયે કે આનંદના દરેક અવસરે એ કાવ્ય મનને માંડવડે અચૂક આવીને શોભી ઉઠે.

– દેવિકા ધ્રુવ

*

… દસેક વર્ષ પૂર્વે કાવ્ય  લખવાની  મારી  શરૂઆત  હતી.  કાવ્ય  સ્વરૂપોનો ખાસ ખ્યાલ નહોતો. એવામાં મુંબઈના  સાન્તાક્રુઝ પરામાં   નિયમિત  ભરાતી  સાહિત્ય  સંસદમાં  જવાનું  થયું.   એ દિવસના  વક્તા  આવ્યા  નહોતા, એ દરમ્યાન   નીતાબેન  રામૈયાએ  મને  મારી  કોઈ  રચના   સંભળાવવાનું   કહ્યું. મેં એક રચના  સંભળાવી. તરત જ  શ્રોતાઓમાં   બેઠેલા   નીતિનભાઈ મહેતાએ કહ્યું, અરે ! આ તો  કટાવ  છે. અનાયાસે   આવેલા  કટાવ  છંદ  વિષે  પછી  તો  મેં  સંશોધન  આદર્યું.  આખરે શ્રી રા. વિ. પાઠક સાહેબના   બૃહત પિંગળમાંથી  મને માહિતી  મળી. શબ્દ સાથેનો  નાતો  વધુ  ઘેરો   થયો. પિંગળના વધુ અભ્યાસે મને અનેક દેશી  છંદોનો પરિચય  કરાવ્યો.

– જ્યોતિ હિરાણી

*

સંજોગોએ મને એવો ઘેરી લીધો કે અંતે પદ્ય રચનાઓ લખ્યા વિના રહેવાયું નહી… પહેલો સંજોગ, જુનાગઢમાં જન્મ. કવિ પ્રફુલ્લ નાણાવટી સાથે કાકા હોવાને નાતે સંયુક્ત કુટુંબમાં રહેવું એ બીજો સંજોગ. કાકાને ત્યાં દર મંગળવારે કવિગોષ્ઠી થતી ત્યારે ખૂણામાં બેસી પ્રતિષ્ઠિત કવિઓ જેવા કે મનોજ ખંડેરિયા, શ્યામ સાધુ, રાજેન્દ્ર શુક્લ, પ્રફલ્લ નાણાવટી,
બરબાદ જુનાગઢી, દરબાર સાહેબ (રૂસવા મઝલૂમિ), ગોવિંદ ગઢવી વગેરેને ખૂબ સાંભળ્યા, ખૂબ માણ્યા અને કદાચ અજાણતાજ ઉરમાં ઉતાર્યા, એ સંજોગ ત્રીજો ! મારા ખાસ મિત્ર અને રાહબર કવિ ડો, ઉર્વીશ વસાવડાના પ્રથમ સંગ્રહ ‘પીંછાનું ઘર’ ના વિમોચન પ્રસંગે મુશાયરાના માહોલ વખતે કદાચ નાનપણની સંઘરાયેલી ઊર્મિઓ સળવળી અને અંતે મારે પણ કંઈક લખવું એ નિર્ધાર સાથે લખવું શરૂ કર્યુ, એ સંજોગ ચોથો!

– ડૉ. જગદીપ નાણાવટી

*
કેફિયત મોકલનાર તમામ મિત્રોનો અંતઃકરણપૂર્વક આભાર…

13 Comments »

  1. Dr.J.K.Nanavati said,

    December 19, 2010 @ 1:50 AM

    કેફિયતની પૂર્તિ કરી દઉં..??

    સાવ રે ખંડેર સરખા મન મહી
    ઈન્દ્રરાજે શ્યામની વાતો કહી

    મન પ્રફુલ્લિત થઈ અને બોલી ઉઠ્યું
    લઉં ગઝલ કરતાલ, બીજું કંઈ નહી

    ઊરમાથી વિષ સઘળું નીકળ્યું
    ચોતરફ ગોવિંદની ગાથા ચહી

    સહેજમાં બરબાદ થાતો રહી ગયો
    છંદ ઝુલણે આજ પણ જીવું અહીં

    કુંડ દામોદર થકી બોળી કલમ
    જ્યાં લખું, નરસિંહના પગલાં ત્યહીં

  2. વિવેક said,

    December 19, 2010 @ 4:56 AM

    સુંદર ગઝલ, નાણાવટીસાહેબ… ઝુલણા છંદ અને નરસિંહની વાતો કરી છે તો ગઝલ પણ રમલ છંદના બદલે ઝુલણામાં હોત તો વધુ જામત…

  3. devika dhruva said,

    December 19, 2010 @ 8:32 AM

    વિવેકભાઈ, ઉંચી કક્ષાના આ “લયસ્તરો” અને કવિ તથા કાવ્યોની જીવનમાં અસર સંબંધી મારી અનુભૂતિને સમાવવા બદલ તમારા આખા ગ્રુપનો ખુબ આભાર.

  4. Pancham Shukla said,

    December 19, 2010 @ 9:04 AM

    ઉજવણી નિમિત્તે લયસ્તરોના કેટલાક ઉત્તમ ભાવકો અને જાણીતા કવિઓની કૃતિઓ અને કેફિયત મનભરીને માણ્યા. ૬ઠ્ઠી પૂર્તિથી ષષ્ઠીપૂર્તિ તરફનું સંક્રમણ સ્વસ્થ રીતે ગતિશીલ રહે એવી લયસ્તરો ટીમ (ધવલ, વિવેક, ઊર્મિ, તીર્થેશ)ને શુભેચ્છાઓ.

    અંગત રીતે જીવનના આ તબક્કે કવિશ્રી મુકુલ ચોકસીને પ્રભાવિત કરતી કૃતિ અને એ સાથે એમની ટિપ્પ્ણીનો અંશઃ ‘આ કવિતાએ કવિતા અંગેના મારા નાનકડા વિઝનને ખૂબ ખૂબ મોટું અને વિશાળ કરી નાંખ્યું’ તેમજ કવિશ્રી ચંદ્રકાત શાહનું ગીત ‘બાકી મૂળ અમે ના કહીંના’ સવિશેષ સ્પર્શી ગયાં.

  5. pragnaju said,

    December 19, 2010 @ 10:07 AM

    અનેક મહાકવિ ઓની કેફીયતનો આનંદ માણ્યો હતો.ભારવિએ માત્ર એક જ મહાકાવ્ય લખ્યું, ‘કીરાતાર્જુનીયમ’. છતાં તે એટલું પ્રભાવી છે, કે એ મહાકાવ્યના સર્જનને કારણે ભારવિને ‘મહાકવિ’ની પદવી મળી. તેઓ ધનથી દરિદ્ર વિદ્વાન હતા. બુભુક્ષિતે કાવ્યરસૌ ન પીયતે. તેઓની પત્ની કવિને રાજા પાસે જઈને પોતાની દરિદ્રતાનું વર્ણન કરવાનું કહેતી અને એ રીતે કવિને હેરાન કરતી. કંટાળીને એક વાર કવિ રાજાને મળવા ચાલ્યા. રસ્તામાં થાકીને તેઓ એક સરોવર કાંઠે બેઠા અને કમલપત્ર પર એક શ્લોક લખ્યો:
    સહસા વિદધીત ન ક્રિયામ
    અવિવેક: પરમ: પદાંપદમ
    વૃણુતે હિ વિમૃશ્યકારિણં
    ગુણલુબ્ધા: સ્વયમેવ સંપદ:…પણ ન કેવળ સાંપ્રત કવિઓ પણ તેમના વાંચકોના પ્રતિભાવની વાત!
    લયસ્તરોની ટીમને ધન્યવાદ

  6. Girish Parikh said,

    December 19, 2010 @ 7:49 PM

    ‘વાચકોની કલમે’ વિભાગ ખૂબ જ રસપ્રદ રહ્યો. આ વિભાગના શ્રી ગણેશ કરવા બદલ ‘ટીમ લયસ્તરો’ને ધન્યવાદ. ‘વાચકોની કલમે’ વિભાગમાં જેમનાં જીવન પરિવર્તન લાવનાર કાવ્યો અને એમની કેફિયતો પોસ્ટ થઈ છે એ સૌને પણ શબ્દપૂર્વક, હૃદયપૂર્વક અભિનંદન.
    – – ગિરીશ પરીખ

  7. હેમંત પુણેકર said,

    December 20, 2010 @ 4:54 AM

    આખી શ્રેણી ખૂબ સુંદર રહી, મજા આવી. લયસ્તરોના સંચાલકોને ફરી એકવાર અભિનંદન!

  8. Girish Parikh said,

    December 20, 2010 @ 10:44 AM

    આજે ‘મારા જીવનમાં પરિવર્તન લાવનાર કાવ્ય’ લખાણ http://www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ કર્યું છે. વાંચવા વિનંતી.
    –ગિરીશ પરીખ

  9. deepak said,

    December 21, 2010 @ 1:57 AM

    લયસ્તરોના સંચાલકોને ખુબ ખુબ અભિનંદન!!!

  10. prabha chavda said,

    December 21, 2010 @ 11:16 PM

    મજા આવી.અભિનંદન!

  11. prabha chavda said,

    December 21, 2010 @ 11:19 PM

    મજા આવી.અભિનંદન!…………..

  12. prabhat chavda said,

    December 21, 2010 @ 11:21 PM

    સંચાલકોને ફરી એકવાર અભિનંદન!

  13. jyoti hirani said,

    December 28, 2010 @ 7:33 PM

    લયસ્તરો મા મારિ અનુભુતિ ને સમાવવા બદલ ખુબ ખુબ આભાર્ તેમજ અન્ય કાવ્ય કૃતિઓ અને અનુભુતિઓ વાચવાની પણ ખુબ મજા આવિ. લયસ્તરો ને અભિનન્દન. જ્યોતિ હિરાણી.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment