અત્તર કહો છો જેને એ ફૂલોનું લોહી છે,
એ કારણે હું લેતો નથી છાંટવાનું નામ.
અમર પાલનપુરી

સાવ ખુલ્લું બારણું – હરેશ તથાગત

એકલો તારીખનાં પાનાં ગણું,
મહેલ ઇચ્છાનો ચણું, તોડું, ચણું !

આ બધા સંજોગ વચ્ચે જિંદગી,
પોષની વચ્ચે ઠરેલું તાપણું.

તેં મને બહુ આકરી દીધી સજા,
ધુમ્મસે તો કેમ કિરણોને વણું ?

મૃત્યુ મારામાં પ્રવેશે, નીકળે,
હું હવે છું સાવ ખુલ્લું બારણું.

– હરેશ તથાગત

જ્યારે જ્યારે કોઈ સિદ્ધહસ્ત દુર્બોધ કવિ ગઝલના કાવ્યત્ત્વ સામે વિવાદ કે વિખવાદ ઊભો કરે ત્યારે ત્યારે આવી ગઝલ એમના લમણે ચોંટાડવાનું મન થાય ! પાનાંઓ ભરીને લખાયેલા અછાંદસમાં ક્યારેક કવિતાનો ‘ક’ શોધવો એ ઘાસની ગંજીમાં સોય શોધવા જેવું ખપુષ્પવત્ કામ બની રહે છે એવામાં આ એક જ ગઝલમાં ચાર-ચાર કવિતાઓ એકસાથે મળી આવે એ કેવો સુખદ સંજોગ કહેવાય !

19 Comments »

  1. હેમંત પુણેકર said,

    August 27, 2010 @ 1:25 AM

    સુંદર!!!

  2. Gunvant Thakkar said,

    August 27, 2010 @ 1:26 AM

    ચાર શેરોના પાયાપર સજાવેલી એકલતા અને ખાલીપાની કોઇ પાલખી હો જાણે,

  3. ડૉ.મહેશ રાવલ said,

    August 27, 2010 @ 1:32 AM

    કવિ મિત્રશ્રી હરેશ લાલની કલમમાં કેળવાયેલો કસબ છે,ગઝલના બાહ્ય અને ભીતરી સૌંદર્યને નિખાર આપી શકે એટલી સશક્ત અને સુંવાળી માવજત એમને હાથવગી છે…..અને એના દ્રષ્ટાંત માટે મારા મતમુજબ, પ્રસ્તુત ગઝલનો અંતિમ શેર કાફી છે.
    સુંદર ગઝલ…અને એવુંજ સુંદર સ-રસ અને સજ્જડ શ્રી વિવેકભાઈનું ગઝલરસદર્શન…
    બન્નેને અભિનંદન.

  4. ધવલ said,

    August 27, 2010 @ 7:52 AM

    મૃત્યુ મારામાં પ્રવેશે, નીકળે,
    હું હવે છું સાવ ખુલ્લું બારણું.

    – સરસ !

  5. સુનીલ શાહ said,

    August 27, 2010 @ 8:01 AM

    વાહ..વાહ..સુંદર..!

  6. pragnaju said,

    August 27, 2010 @ 8:03 AM

    સરસ ગઝલનો
    આ શેર વધુ ગમ્યો
    મૃત્યુ મારામાં પ્રવેશે, નીકળે,
    હું હવે છું સાવ ખુલ્લું બારણું.
    અંતકાળ સુધી માનવીને ઇરછાઓ પૂરેપૂરી વળગેલી હોય એટલે મૃત્યુ પછી આત્મામાં જીવભાવ રહે. બધા જ ભાવો, જે સ્વભાવ સાથે જડાયેલા હોય એને એ સાથે લઇને જાય. અધૂરી ઇરછાઓ-ઝંખનાઓ, અધૂરું વહાલ… પોતાનાં સ્વજનોનું સાચું સ્વરૂપ દેખાય, કેમ કે આત્માને પાર્થિવ શરીરની સીમાઓ નથી નડતી. એ ભાવો અનુભવે પણ સ્થૂળ દેહ વગર એ કંઇ કરી ન શકે… એ કેવી ગુંગળાવનારી, પીડાદાયક સ્થિતિ બને! શું આ જ ગતિ કે અગતિ હશે? શું આ જ સ્વર્ગ કે નરક હશે? શું આટલા માટે જ જીવનને ધીમે ધીમે વિતરાગ, અનાસકિતની અવસ્થાએ પહોંચાડવાનું ગીતામાં કહ્યું હશે?…
    ઘરમાં જ ક્રીટીકલ,સીરીયસ અને ‘ફેર છે’ વચ્ચે ત્રણ મહીનાથી પીડાતાને હોસપીસ સારવાર મૂકતા જ આવા ભાવનો અનુભવ થયો હતો!

  7. અનામી said,

    August 27, 2010 @ 8:52 AM

    ખુબ જ સુંદર ગઝલ….

  8. Bharat Trivedi said,

    August 27, 2010 @ 9:43 AM

    કોઈ પણ કાવ્ય અંગે ભાવકનો પ્રતિસાદ ભાવકની સજ્જતા, કેળવેલી રસ-રુચિ કે પછી તેના ગમા-આણગમાનો આખરે તો સરવાળો જ હોય છે ને? મને કયાં કવિતા દેખાય કે ક્યાં ના દેખાય તે બધું વ્યક્તિગત રીતે સારું પરંતુ તેની જીદ લઈને તો ના જ બેસાય.

    હરેશની ગઝલ માટે મને હંમેશાં પક્ષપાત રહ્યો છે. ક્યારેક કવિતા અને ગઝલ વચેની સરહદો -મેકમોહન રેખા ભુંસાઈ જતી હોય છે ને ગઝલનું સ્વરુપ એવું તો નિખરી આવતું જોવા મળે કે વાહ, વાહ થઈ જાય! ધવલે આજ નોધ્યું છે પણ જરા જૂદી રીતે.

    કોઈ વેદીયો તો કદાચ એવુંય કહેશે કે અહી તો કેવળ ચાર જ શેર છે તો આને ગઝલ કહેવાય ખરી? બોલો, તેને આપણે શું કહીશું? મને આ આખરી શેર અસર કરી ગયોઃ

    મૃત્યુ મારામાં પ્રવેશે, નીકળે,
    હું હવે છું સાવ ખુલ્લું બારણું.

    -ભરત ત્રિવેદી

  9. kishoremodi said,

    August 27, 2010 @ 1:47 PM

    ખૂબ જ સુંદર હરેશભાઇ. છેલ્લા શેરે મને હરખપદુડો બનાવ્યો છે.આપણી છેલ્લી મુલાકાત હજી તાજી જ છે.

  10. dhrutimodi said,

    August 27, 2010 @ 2:45 PM

    દિલને સ્પર્શ કરી જતી ગઝલ.
    છેલ્લો શે’ર કવિના ભાવવિશ્વ્ને છતું કરે છે.

  11. priyjan said,

    August 27, 2010 @ 3:32 PM

    ખૂબ જ સુંદર ઘઝલ નો ખૂબ જ સુંદર આસ્વાદ……..

    આભાર

  12. Girish Parikh said,

    August 27, 2010 @ 5:54 PM

    સાહિત્યના ગઝલ-સ્વરૂપ માટે સૂગ ધરાવતા સાહિત્યકારો કેમ આવી ગઝલો માટે અહીં ‘બેએક વાતો’ લખતા નથી?

  13. Ruchir Pandya said,

    August 27, 2010 @ 7:44 PM

    વિવેકભાઈ,
    ખૂબ ખૂબ આભાર,
    આવી સુંદર રચના મૂકવા બદલ . આ જ કવિતાનું સામર્થ્ય છે. મારું જ્ઞાન પ્રદર્શિત નથી કરતો પણ આવી એક ગઝલ આખા વૈરાગ્ય -શતક બરાબર છે. પ્રથમ શેર માં જ કવિ નો intrapersonal Conflict અને અનિર્ણાયક દશા ,મનોજગત ને સુંદર રીતે રજુ કરી છે. બીજા શેર માં જીવન ની નિરર્થકતા પોષ માં ઠરેલ તાપણાના પ્રતિક દ્વારા સમજાવી છે. ત્રીજા શેર માં માણસ દ્વારા વારંવાર અનુભવતી અસહાયતા vulnerability છે. અને છેલ્લા શેર પર પર તો વારી જ જવાશે. The status of Indifference હરેશ ભાઈ સતત મંથન કરતા, વિચારતા શાયેર છે. રાજકોટ માં થી મુંબઈ સ્થાયી થયા છે. તેમને વાંચી આનંદ. કહીશ
    ગઝલ તેમની છેલી વાંચી થતું
    તથાગત છે હવે ભીનીષ્ક્રમણ ને આરે …..રુચિર પંડ્યા

  14. himanshu patel said,

    August 27, 2010 @ 8:28 PM

    હરેશ તથાગતની આ ગઝલનો હું મારી વેબ પર આસ્વાદ કરાવીશ એ લાલચનું એલાન રોકી શક્યો
    નથી તેટલી ગંમી છે… પણ વિવેકભાઈ “કોઈ સિદ્ધહસ્ત દુર્બોધ કવિ” સિતાંશુભાઈ માટે!!!! અને
    “એમના લમણે ચોંટાડવાનું મન થાય ! ” આ દુર્વાસા શબ્દો-સિતાંશુને ગઝલ નથી ગમતી તે માટે કે
    વિવેચક સિતાંશુને ગુજરાતી સાહિત્યમાં કાવ્યાતિરેકથી ‘કવિતા’નો મૃત્યુઘંટ વાગતો દેખાયો હશે તે માટે ?
    કોઈ સિધ્ધહસ્ત દ્ર્ષ્ટા એના સાહિત્યનો હ્રાસ થતો જુએ તો લાલઝંડી ઉંચી પણ કરે-ટી એસ એલિયટે
    ટ્રેડિશન એન્ડ ઇન્ડીવિડ્યુઅલ ટેલન્ટ નિબંધથી, એઝરાપાઊન્ડે ‘મેક ઇટ ન્યુ ” એવો આદેશ આપીને
    કે પછી’ ચિલ્ડ્રન ઓફ માયર્સ’માં ઓકટાવિઓ પાઝ આ કામ કરે છે(અનેક ટંચણો અપાય તેમ છે. )
    આપણે ત્યાં સાહિત્યમાં નાવિન્ય લાવવા પૂર્વેના સર્જકોને ઊતારી પાડવાની વિવેચનાત્મક પરંપરા સુરેશ જોષીથી શરુ થઈ, સિતાંશુભાઈ થોડા ફંટાયા છે મગન કાવ્યોથી તેમણે ખિલ્લી ઉડાડવાની રીત અપનાવી જે લય્સ્તરો પરના કાવ્ય સુધી આવી છે.સર્કસમાં કે ભવાઈ નાટકમાં મશ્કરો જે કામ કરે છે તે કામ ગુજરાતી સાહિત્યમાં સિતાંશુભાઈ કરે છે, તેવા અવસરે તંદુરસ્ત વિચારણા કરવાને બદલે
    ગિરીશ પરીખ જેવી ‘સોગિયા’ વિભાવના કે પ્રિતમ લખલાણી જેવી ‘ અનર્થતા’ ઉભી કરવાથી કાવ્ય ક્ષેત્રની પ્રાપ્તિ શું????
    મારા પર તૂટી પડવાની દરેકને છૂટ છે,પણ માત્ર વિભાવના અર્થે જ…..આભાર હિમાન્શુ પટેલ @

  15. sudhir patel said,

    August 27, 2010 @ 10:26 PM

    આ ગઝલ તો સુંદર છે જ, પણ એ નિમિત્તે વિવેકભાઈએ કહેલી બે વાત પણ સચોટ અને સમયસરની છે.
    આ જ તો ગઝલની તાકાત છે. એના માત્ર બે પંક્તિના શે’રમાં જ આખો ને આખો દરિયો ઊછાળવાની ગુંજાઈશ છે. પગથી માથા સુધી ઝણઝણાટી પ્રસરાવી દેવાની શક્તિ છે!!
    સુધીર પટેલ.

  16. Girish Parikh said,

    August 27, 2010 @ 11:32 PM

    હું પણ વિભાવનાની જ વાત કરી રહ્યો છું. ગઝલ સાહિત્ય પ્રકાર જેમને પસંદ ન હોય એ આ કે આવી ગઝલના આસ્વાદ (કે બેસ્વાદ) કરાવતી ‘બેએક’ વાતો લખશે? ગઝલ માટેના એમના પૂર્વગ્રહને ખંખેરીને તટસ્થ ભાવે લખશે તો કદાચ એ પણ આવી ગઝલોના આશિક બની જશે ! ઉમેરું છું કે સાહિત્યનો કોઈ પણ પ્રકાર નીચો નથી. દરેક સાહિત્ય પ્રકારમાં સર્જકની સાધના અને ક્ષમતા અનુસાર ઉચ્ચ સાહિત્ય સર્જાય છે તો નીચલી કક્ષાનું પણ સર્જાય છે.

  17. Pinki said,

    August 28, 2010 @ 4:31 AM

    વાહ્.. સરસ !
    હરેશભાઇની ગઝલોમાં સંવેદના, તાજગી અને આધ્યત્મિકતા મળે જ !

  18. Dr. J. K. Nanavati said,

    August 29, 2010 @ 4:09 AM

    કાશ પેલે પાર પણ કોઈ હશે
    રાહ જોતું, ને સજાવી આંગણું

    મક્તા પુરો કરૂં છું

    ક્ષમા સાથે અભિનંદન

  19. Kirtikant Purohit said,

    August 29, 2010 @ 11:20 AM

    ઉત્તમ ગઝલ અને વિભાવનાઓની ચર્ચા જ્ગાડતી મનોસૃષ્ટિ. બસ વાહ કહી અટ્કુઁ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment