‘અઠે દ્વારિકા!’ કહીને બેસી જવાયું,
હતો કંઈક એવો ઉતારાનો જાદુ.
પારુલ ખખ્ખર

(મારું દુઃખ) – રાવજી પટેલ

મારું દુઃખ ચકલીઓ મૂંગી છે તે છે.
આગલી કવિતામાં
મારા જીવનનાં
દસ વર્ષ વહી ગયાં; અને
હું આંસુમાં,ઓગળી ગયેલી ચકલીઓ જેવો
ફરીવાર થઈ ગયો.
મારા હાથ
બોબડાની જીભ જેવા.
ભીંત પર હલ્યા કરતા પડછાયા જેવો
ઘરમાં વસું
એના કરતા મંદિરનો ઘંટ હોત તોય સારું,
કેટલાય કાનને હું જગાડત…..

– રાવજી પટેલ

આ કવિ માટે મને ખાસ પક્ષપાત છે. એની કોઈપણ કવિતા દિલમાં જડાઈ જાય છે.

પ્રથમ વાંચને સરળ લગતી આ કવિતામાં ઈંગિતોની ભરમાર છે. કવિના ચિત્કારો બહેરા કાનોએ અથડાય છે. કવિ તરીકેનું અસ્તિત્વ નિરર્થક ભાસે છે. જીવનનાં દસ વર્ષોનો નીચોડ એક કવિતામાં ઠાલવ્યા પછીની કવિની સ્થિતિ ઘેરી નિરાશાની દ્યોતક છે . છેલ્લા પંક્તિઓમાં માનવજાત પ્રત્યેની નિરાશા છલકે છે – કહે છે -‘ ….કેટલાય કાનોને હું જગાડત….’ – કમ સે કમ કાનોને તો જગાડી શકતે ! માંહ્યલાને જગાડવો તો અસંભવ ભાસે છે ! આ જ ચિત્કાર દુષ્યંતકુમારની કવિતાઓમાં ઠેર ઠેર સાંપડે છે.

8 Comments »

  1. Bharat Trivedi said,

    August 22, 2010 @ 8:10 AM

    કેટલીક કવિતા જન્મ લેતાં જ દમ તોડી દેતી હોય છે, તો કેટલીક સમય સામે છાતી કાઢીને ઊભી રહેવા સર્જાયેલ હોય તેમ લાગે છે. ઉલ્લાસ હોય કે વેદના એ પરિસ્થિતી વ્યક્તિગત ના રહેતાં વૈષ્વિક બને તો જ કવિતાનો કોઈ અર્થ સરતો હોય છે રાવજીની કવિતામાં એ બધું અનાયાસ જ બન્યું હોવાનું મને હંમેશાં લાગ્યુ છે. સુન્દર કવિતાની પસંદગી માટે ધન્યવાદ.

    -ભરત ત્રિવેદી

  2. pragnaju said,

    August 22, 2010 @ 10:01 AM

    ઘરમાં વસું
    એના કરતા મંદિરનો ઘંટ હોત તોય સારું,
    કેટલાય કાનને હું જગાડત

    ચૈતન્ય તત્વના એક અંશ તરીકે,
    જીવને કોઇ નવું સર્જન સ્વરૂપ
    પામવાની એક અજાણ વેદના

  3. Nikita said,

    August 22, 2010 @ 11:20 AM

    આ કવિતાના પુસ્તકની પ્રાપ્તિની વિગતો આપી શકાય તેમ હોય તો વિનંતી છે.

  4. ધવલ said,

    August 22, 2010 @ 7:48 PM

    કરુણ અને ચોટદાર .. દિલને વાગે એવી કવિતા

  5. વિહંગ વ્યાસ said,

    August 22, 2010 @ 9:37 PM

    દેહમાં પુરાયેલું અસ્તિત્વ આ ગમતું નથી. મને કોઇ રાવજીથી ઓળખે એય હવે ગમતું નથી.

  6. Ramesh Patel said,

    August 22, 2010 @ 10:30 PM

    કવિની લાગણીયો શબ્દમાં ઘૂંટાઈ દર્દને ઉભરાવી દે છે.
    રમેશ પટેલ(આકાશદીપ)

  7. tirthesh said,

    August 23, 2010 @ 1:11 AM

    આ કૃતિ જે પુસ્તિકામાંથી લીધી છે તે – ‘ કાવ્યવિશેષ:રાવજી પટેલ’ – સંપાદક -શ્રી સુરેશ દલાલ – ઈમેજ પબ્લિકેશન્સ
    કવિના સ્વતંત્ર સંગ્રહ સરળતાથી ઉપલબ્ધ નથી.

  8. વિવેક said,

    August 23, 2010 @ 1:28 AM

    તીર્થેશ,

    કવિનો કાવ્ય સંગ્રહ ‘અંગત’ થોડા સમય પૂર્વેજ પુનઃ પ્રકાશિત થયો હોવાથી એ મળવામાં વધુ મુશ્કેલી ન થવી જોઈએ એમ મારું માનવું છે…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment