ભીતરે એકલા જવું પડશે,
બ્હાર બીજે અનેક લૈ જાશે !
સુધીર પટેલ

ઉમાશંકર વિશેષ :૦૭: કવિની ઇચ્છા

Dhumketu
(ધૂમકેતુ અને ઉમાશંકર જોશી)

*

વર્તમાન જયારે મારા આ ધ્રૂજતા આયખા પર આગળા ભીડી દે,
અને ફાલ્ગુન માસ હરિયાળા ખુશહાલ પાંદડાં ફફડાવી રહે
નવા કાંતેલ રેશમ શી નાજુક-જાળિયાળી પાંખો શાં, ત્યારે
પડોશીઓ કહેશે વારુ કે
‘એ હતો માનવી, આવી વસ્તુઓ જોવાની અચૂક ટેવ હતી જેને’ ?
બને કે સાંજુકી વેળા,જેમ નીરવ પડે પલક આંખની
તેમ ઊતરી આવે ઝાકળ-ઘડીએ બાજ, છાયાઓ પાર,જંપવા જરી
ઉપલાણે પવન-અમળાયેલ કાંટ્ય પર; એ બધું જોઈ રહેલા ત્યારે
થશે કો માનવીને શું : ‘એને તો ખસૂસ આ દ્રશ્ય પરિચિત
હશે જ હશે’?
હું કોઈ ફૂદાં-ભરેલી ઉષ્માભરી શ્યામલતામાં વિચરું રાત્રિલોકની,
જયારે ઘાસ પર પથ કાપતો શેળો ફરુરર કરતો જાય સરકી,
કોઈ કહેય તે : ‘આવા નિર્દોષ પ્રાણીને ન ઈજા કશી થવા
પામે તે માટે તે મથ્યો,
પણ તે જૂજ જ કાંઈ કરી શખ્યો તેઓ કાજે;અને હવે તો તે ગત થયો.’
જો સૌ ઊભે મુજ દ્વારે,અંતે હું શમી ગયો – એ સમાચારે,
પૂર્ણનક્ષત્રમય નભ ન્યાળીને – જે શિયાળાને જ જોવા મળે.
મારો ચહેરો નીરખવાના નથી જે,મનમાં તેઓના ઊગશે શું
વિચાર આ કે
‘તે હતો એવો,જેને નજર હતીસ્તો આવીક રહસ્યમયતાઓ
માટે’ ?
મારી ચિર વિદાયની ઘંટા જયારે રણકી ઊઠે અંધકારે
અને વાયુલહર આડી ફરી એના તરંગપ્રવાહને કાપે ક્ષણ માટે,
થંભેલા સ્વર ફરી પાછા ઊભરે,થયો હો ઘંટરવ નવો જાણે ના !
કહેશે ત્યારે તેઓ શું : ‘નથી આ સુણતો એ,પણ આવું આવું
હમેશ ધ્યાનમાં આવતું એના’ ?

– ટોમસ હાર્ડી
(અનુ. ઉમાશંકર જોશી, તા ૨૭-૧૧-૧૯૭૧)

કવિશ્રી ઉમાશંકરે આ કાવ્યનો આસ્વાદ પણ કરાવ્યો છે જેનો ટૂંક સાર આ પ્રમાણે છે-
‘ એક પછી એક પાંચ ચિત્રો થકી કવિ પોતાના વિષે પોતાના દેહાવસાન બાદ શું શું કહેવાશે તેની કલ્પના રજૂ કરે છે….-કવિને ઓળખનારા તેની પાંચ લાક્ષણિકતાઓને વાગોળશે-

૧- વસંતવૈભવમાં કુદરતની સૂક્ષ્મ કારીગરી જોઈ શકનારી સૌન્દર્યદ્રષ્ટિ
૨- આતતાયી એવા બાજ પક્ષી માટે પણ તે કુદરતના ચક્રનું એક અભિન્ન અંગ છે તેવી વહાલભરી સમદ્રષ્ટિ.
૩- કરુણાવૃત્તિ
૪- આકાશ ભરી દેતા નક્ષત્રલોકથી ચિત્તમાં ઉદબુદ્ધ થતી રહસ્યદર્શિતા
૫- સૌંદર્ય તેમ જ જીવનની ધારાવાહિતામાં વચમાં ભંગ થાય અને અને નવીનતાનો ભાસ ઊપજે તેને લીધે એકસાથે નવીનતા અને એકસૂત્રતા – બંનેનો અનુભવ કરતી દ્રષ્ટિની અખિલાઈ.

અહી કવિનું સૂક્ષ્મ સૂચન એ છે કે કોઈપણ કવિમાં આ લાક્ષણિકતાઓ સામાન્ય હોય છે-અહી કવિ સાથે અસંમત થઇ શકાય પરંતુ કાવ્યવિષય વ્યક્તિગત નથી જ નથી. આખી કૃતિ ઉચ્ચ કક્ષાની સર્જકતાની પ્રતીતિ કરાવતા કલ્પનો અને ચિત્રણોથી માતબર છે પરંતુ ઉત્તમ ચિત્રણ અને મૌલિકતાની પરાકાષ્ઠા છેલ્લી કડીમાં નિષ્પન્ન થાય છે- ઘંટાનાદનો પ્રવાહ વાયુની લહેર આડી આવતા ક્ષણભર માટે કપાય છે – અને ક્ષણાર્ધમાં પાછો સંધાઈ જાય છે….ઘંટારવ ફરી સંભળાય છે -જાણે નવો જ ન થયો હોય ! ‘

5 Comments »

  1. રાજની said,

    July 25, 2010 @ 11:28 AM

    લયસ્તરો ખૂબ ખૂબ આભાર…શ્રી ઉમાશંકર જોશી વિશે સુંદર જાણકારીઓ મળી..ધૂમકેતુ અને ઉમાશંકર જોશી સાહેબનો ફોટો એક સાથે પહેલી વખત જોયો..

  2. Kalpana said,

    July 26, 2010 @ 10:02 AM

    આટલુઁ સુન્દર સર હાર્ડી લખતા? આભાર કવિવર ઉમાશઁકર જોશીનો જેમણે આસ્વાદ કરાવ્યો આટલો હૃદયઁગમ. આભાર વિશ્વ-કવિતાના અઁગૂલિ નિર્દેશન માટે. સમજૂતિનો સરલ સરસ થાળ પીરસવા બદલ આભાર.
    કલ્પના

  3. વિવેક said,

    July 28, 2010 @ 8:51 AM

    પહેલી નજરે લાંબું લાગતું આ કાવ્ય ધીરજપૂર્વક વાંચ્યું… ફરીથી વાંચ્યું.. ફરીથી વાંચ્યું… દર વખતે અંદર કંઈક ખુલતું જતું હોય એવો અહેસાસ થયો…

  4. અનામી said,

    July 29, 2010 @ 12:40 PM

    Ya…this is the first pome i have readen by the creator of Wessex- THE THOMAS HARDY….

  5. Naresh Kapadia said,

    July 20, 2022 @ 2:22 PM

    આતો પશ્ચિમ અને પૂર્વનો સુમેળ ! માનવીની પ્રાથમિક લાગણીઓમાં તો કોઈ ભિન્નતા નથી. સુંદર કાવ્યનો સુંદર અનુવાદ !
    આભાર લયસ્તરો..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment