દરિયાના મોજા કૈં, રેતીને પૂછે ;
તને ભીંજાવું ગમશે કે કેમ ?
એમ પૂછી ને થાય નહીં પ્રેમ !
તુષાર શુક્લ

ઉમાશંકર વિશેષ :૧૨: ચાલને, ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ – ઉમાશંકર જોશી

UJ

(પ્રવચન કરતાં ઉમાશંકર જોશી સાથે બચુભાઈ રાવત, સ્નેહરશ્મિ, નગીનદાસ પારેખ, વિ.)

ચાલને ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ.
લહરી ઢળકી જતી,
વનવનોની કુસુમસૌરભે મત્ત છલકી જતી,
દઈ નિમંત્રણ અમસ્તી જ મલકી જતી,
સ્વૈર પથ એહનો ઝાલીએ,
ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ,
ચાલને !

વિરહસંત્રપ્ત ઉર પર સરે મિલનનો
સ્પર્શ સુકુમાર, એવો ઝરે નભ થકી ચંદ્રનો
કૌમુદીરસ અહો !
અવનિના ગ્રીષ્મહૈયા પરે પ્રસરી કેવો રહ્યો !
ચંદ્રશાળા ભરી ઊછળે,
આંગણામાં ઢળે,
પેલી કેડી પરે લલિત વનદેવીસેંથા સમો ઝગમગે,
દૂર સરવર પટે મંદ જળના તરંગો પરે તગતગે.
અધિક ઉજ્જવળ કરંતો જ તુજ ભાલને, ગાલને.
સોમ એ હ્રદયભર પી ઘડી મ્હાલીએ,
ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ,
ચાલને !

-ઉમાશંકર જોશી

ચાંદનીના સથવારે ચાલવાની વાતમાં જીવનરસને જીવ ભરીને પી લેવાની ઈચ્છા વણાયેલી છે. ચાલવું … મ્હાલવું… છલકવું… ભળવું… બે મટી એક થવું…  અનંત થવું !

2 Comments »

  1. Girish Parikh said,

    July 27, 2010 @ 7:17 PM

    ‘ચાલને ચૈત્રની ચાંદની રાત…’ના કાવ્યમાં ચાલીએ !
    કવિશ્રી ઉમાશંકર જોશીના કાવ્યનું મોટેથી પઠન કરશો તો અનેરો આનંદ આવશે – – જાણે તમે ચૈત્રની ચાંદની રાતમાં ચાલી રહ્યા છો !
    ઉમાશંકર જોશી, બચુભાઈ રાવત, સ્નેહરશ્મિ, તથા નગીનદાસ પારેખ — એ ચારેયને નજરે જોયા છે એ મારાં સદભાગ્ય. એ સ્મરણો સદાય માનસપટ રહેશે.
    – -ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા

  2. Kalpana said,

    July 28, 2010 @ 3:15 AM

    અતિ સુન્દર પ્રકૃતિ કાવ્ય. ચાઁદનીનુ તાદ્ર્શ વર્ણન. વનદેવીના સેઁથા સમી કેડી અને જલતરઁગો સમા
    કેશ ભાલને ઉજ્જવલ કરે. મિલનનો સુકુમાર સ્પર્શ અને કૌમુદી રસ ઝરે એ સોમરસને હ્રદય ભરીને પી લઇએ તૃપ્ત થઇએ અતૃપ્ત હૈયાને તૃપ્ત કરે તૃપ્ત હૈયાને સ્ઁતૃપ્ત કરે એવુઁ સુન્દર કાવ્ય. કવિનુ હૈયુ પણ શીતળ ચાઁદની સમ ચોખ્ખુઁ વઁચાય છે.
    ખુબ ખુબ આભાર ધવલભાઈ.
    કલ્પના

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment