હું ઉદાસીના કૂવે ડૂબ્યો છું મિત્ર,
નાખ તારી હાજરીનું દોરડું.
ભાવિન ગોપાણી

નિર્દોષ ને નિર્મળ આંખ તારી

નિર્દોષ ને નિર્મળ આંખ તારી
હતી હજી યૌવનથી અજાણ,
કીધો હજી સાસરવાસ કાલે,
શૃંગાર તેં પૂર્ણ ચિતામહીં કર્યો.!

કૂંળી હજી દેહલતા ન પાંગરી,
કૌમાર આછું ઊઘડ્યું ન ઊઘડ્યું,
પ્હેરી રહે જીવનચૂંદડી જરી,
સરી પડી ત્યાં તુજ અંગથી એ !

સંસારના સાગરને કિનારે
ઊભાં રહી અંજલિ એક લીધી,
ખારું મીઠું એ સમજી શકે ત્યાં
સરી પડ્યો પાય સમુદ્રની મહીં !

છો કાળ આવે, શિશિરોય આવે,
ને પુષ્પ કૂંળાં દવમાં પ્રજાળે;
સુકોમળી દેહકળી અરે અરે
વસંતની ફૂંક મહીં ખરી પડી !

– હરીશ્ચન્દ્ર ભટ્ટ

મરણ સ્મરણ બનીને રહી જાય છે… બહેનના ભરયુવાનીમાં થયેલ અકાળ અવસાન નિમિત્તે લખાયેલ આ કાવ્યમાં મૃત્યુ સામે કોઈ જાતનો ડંખ નજરે ચડતો નથી એ જન્મ અને મરણની અવસ્થાને સમાનભાવથી આવકારવાની સાધુસહજ અવસ્થા દર્શાવે છે.

પ્રથમ ત્રણ બંધમાં કવિ નાયિકાની કાચી વય અને મૃત્યુ વચ્ચેની વિસંગતતા અલગ અલગ પ્રતીકો વડે વ્યક્ત કરે છે પણ ક્યાંય કોઈ આક્રોશ નથી.  જે આંખોએ હજી સપનાં જોવાનુંય શરૂ નહોતું કર્યું, જે કાયાએ હજી યૌવનની ચુંદડી ડિલે ઓઢીય નહોતી, જે કૂમળી કન્યાએ હજી સંસારસાગરનું આચમનેય લીધું નહોતું એના જીવનનો અકાળે અંત અને કવિની ઋજુ વાણી ભાવકના મનમાં મૃત્યુ માટે તિરસ્કાર નથી જન્માવતી, દુઃખ પણ નથી પહોંચાડતી પણ સ્મશાનવત્ શાંતિનો અહેસાસ કરાવે છે…

ખરવું પુષ્પની નિયતિ છે પણ કળીનું શું? અને કાલઝાળ ઉનાળે કે હિમાળા શિયાળે પુષ્પ ખરે એ સમજી શકાય પણ વસંતમાં ? અને ખુદ વસંતની ફૂંકથી ?

8 Comments »

 1. kanchankumari. p.parmar said,

  July 10, 2010 @ 4:46 am

  નવલખ મુલ નિ ચુંદડિ યે સાજન મન મોહ્યા નઇ…..ઝગમગ ઝગમગ તારલિયા ના ઓઢણે ઝગશુ સારિ રાત જિ……

 2. pragnaju said,

  July 10, 2010 @ 4:56 am

  છો કાળ આવે, શિશિરોય આવે,
  ને પુષ્પ કૂંળાં દવમાં પ્રજાળે;
  સુકોમળી દેહકળી અરે અરે
  વસંતની ફૂંક મહીં ખરી પડી !
  કેટલી કરુણ વાત –
  કર્મ ફળમાં માની પણ સાંત્વન ન મળે
  યાદ આવ્યું
  નથી સગા, નથી સહોદર, નથી મા-બાપ, આ ત્રાસવાદને,
  નથી સંસારનાં જીવોનાં જાનની કિંમત, આ ત્રાસવાદને.

  સુંદર નયન રમ્ય સ્વર્ગ સમી, દીસતી દિવ્ય વસુંધરા,
  દાનવોની પાસવી સંહારલીલામાં, સાણસે સપડાય વસુંધરા.

  જેણે આપ્યું સર્વ સજીવ સૃષ્ટિને, અર્પ્યું પોતીકું ગણી,
  જે સનાતન સકળ સૃષ્ટિનાં, વિશ્વકર્મા તું ધણી.

 3. Pushpakant Talati said,

  July 10, 2010 @ 6:03 am

  મારી પણ એક કઝીન સીસ્ટર બરાબર એકવીસમા જન્મદિને આ સંસાર અને આ ફાની-દુનિયા ત્વજીને ચાલી ગઈ હતી તેની યાદ આવી ગઈ અને મારા નયનોમા ખારા પાણી ભરી ગઈ. This is very much TOUCHY poem / geet for me. I must congratulate for this sensitive creation.

  મને આ ક્રુતિ અતિસય પસન્દ પડી – આપણે ઘણી વખત એવા સન્જોગોમાથી પસાર થઈએ છીએ કે તેની કળ વળે ન વળે તે પહેલા તો કેટલી યે પળ વીતી જાય છે તેનો ખ્યાલ પણ નથી રહેતો.

  આ રચના જો મરી હોય તો હુ મારી “શુશી” ને અર્પણ કરુઁ.

  અભિનન્દન to શ્રી હરીશ્ચન્દ્ર ભટ્ટ & LAYADTARO too.

 4. sapana said,

  July 10, 2010 @ 8:01 am

  આહ!ખૂબ ઉદાસ!!
  સપના

 5. pandya yogesh said,

  July 10, 2010 @ 8:13 am

  ખરવું પુષ્પની નિયતિ છે પણ કળીનું શું?

  વાહ ભઇ વાહ

 6. ધવલ said,

  July 10, 2010 @ 9:40 am

  પહેલી જ પંક્તિથી વિષાદનો ઘેરો રંગ પૂરો ઘેરી વળે છે. ભણવામાં આવતી ત્યારે વારંવાર વાંચેલી. (અને, એનું પ્રતિકાવ્ય બનાવવાનો ગુનો પણ કરેલો 🙁 )

 7. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

  July 10, 2010 @ 10:16 am

  વ્હાલી બાબા સ્મરણ કરવું એય છે એક લ્હાણું.
  માણ્યું તેનું સ્મરણ કરવું એય છે એક લ્હાણું.

  ==કલાપી==

 8. DR Bharat Makwana said,

  July 11, 2010 @ 4:33 am

  ‘સુકોમળી દેહકળી અરે અરે
  વસંતની ફૂંક મહીં ખરી પડી !’
  અકાળે આવતા કાળ ચક્ર ની કુદરતી લીલા નું વેધક શબ્દો મા આલેખન!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment