કરચલી પથારીની રાત આખી જાગી,
કે બટકેલી ઈચ્છાઓ પડખામાં વાગી.
વિવેક મનહર ટેલર

આંસુ – ઉશનસ્

(વસંતતિલકા)

આંસુ લઘુતમ સ્વરૂપ સમુદ્ર કેરું :
લાવણ્ય એવું, વડવાગ્નિય કૈંક એવો;
એને રહ્યા મથી યુગોથી અસુર-દેવો;
પામી શક્યા ન તળિયું હજી એનું ઘેરું !

નાનું ટીપું જ, તટ જેવું કશું ન એને,
તોયે ન પાર હજી કોઈ ગયેલ, જાણું;
આ તો નરી જ મઝધાર બધે ! પ્રમાણું,
ઘૂંટાયલી ભરતીનું રૂપ માત્ર જેને;

ના ટેરવું પણ શકે ડૂબી આંગળીનું,
તેમાં ગયાં સકલ વ્હાણ ડૂબી મહારાં;
તેમાં થયાં વિલીન ક્ષુબ્ધ તુફાન સારાં;
ના કો નિશાની શમણાંની ડૂબી તરીનું !
એવું અબોલ ઘન મૌન મુખે ધરીને
બેઠું, યથા શબ્દકોશ પૂરો ગળીને !

– ઉશનસ્

આંસુ ઉપર લખાયેલી કદાચ સર્વશ્રેષ્ઠ ગુજરાતી કવિતા !!

આંસુ જાણે કે સમુદ્રનું જ નાનકડું સ્વરૂપ છે, એ જ સૌંદર્ય અને એ જ એની ભીતરમાં ભારેલો અગ્નિ.. અને સમુદ્ર પણ કેવો! યુગોથી એનું તળિયું કોઈ પામી શક્યું નથી. એને કોઈ કિનારો નથી પણ તોય એવો કોઈ ભડવીર જાણમાં છે જે એને પાર તરી શક્યો હોય? જેમાં આંગળીનું તેરવુંય ન ડૂબે એમાં આખા જ્ન્મારાનાં વહાણ અને તોફાન અને સ્વપ્નાંઓ ડૂબી જાય છે પણ ક્યાંય કોઈ નિશાની જડતી નથી… આંસુ ભલે મૌન હોય પણ એના પેટમાં જાણે કે જીવતરની આખી ભાષા ભરી પડી છે…

17 Comments »

 1. રાકેશ ઠક્કર, વાપી said,

  June 25, 2010 @ 12:51 am

  ખરેખર સાચું જ લખ્યું છે.
  આંસુ ઉપર લખાયેલી કદાચ સર્વશ્રેષ્ઠ ગુજરાતી કવિતા !!

  નાનું ટીપું જ, તટ જેવું કશું ન એને,
  તોયે ન પાર હજી કોઈ ગયેલ, જાણું;

  સલામ ઉશનસ્ સાહેબ !

 2. Mousami Makwana said,

  June 25, 2010 @ 2:02 am

  આંસુ ઉપર લખાયેલી કદાચ સર્વશ્રેષ્ઠ ગુજરાતી કવિતા !!
  તદ્દ્ન સાચી વાત છે આપની……!!!

  એક બુન્દ માં ડુબી ગયું મારું સમગ્ર અસ્તિત્વ ,
  આંસુ રુપે સાંપડ્યું છે જીવનમાં અણમોલ રત્ન….!!!

 3. minesh shah said,

  June 25, 2010 @ 2:43 am

  TEARS HEAL…..
  LET IT FLOW…..

 4. dr bharat said,

  June 25, 2010 @ 4:48 am

  આંગળીનું ટેરવુંય ન ડૂબે તેવા નાના આંસુમાં જિંદગીના વહાણ,તોફાન અને સ્વપ્નાંઓ ડૂબી જાય છે પણ ક્યાંય કોઈ નિશાની રહેતી પણ નથી પછી કેવું મૌન ધરીને બેસેછે? જાણે પુરો શબ્દકોશ પૂરો ગળીને!

  વિવેકભાઈ ! આ કવિ એ કહેવામાં શું બાકી રાખ્યું? જ્યાં રવિ ન પહોચે ત્યાં પહોંચે કવિ.. નું આ તાદ્સ્ય ઉદાહરણ છે!

 5. Pushpakant Talati said,

  June 25, 2010 @ 5:23 am

  વાહ રે ભાઈ વાહ ! શુ મઝેદાર અભિવ્યક્તિ છે ?

  ” આંસુ લઘુતમ સ્વરૂપ સમુદ્ર કેરું” – એમ કવિ કહે છે પણ છતા પણ મારુ તો માનવુ એવુ છે કે તે સમુદ્રથી પણ ઘણુ જ ગહન હોય છે. સમુદ્ર તો કદાચ આજના અધ્યતન અને અર્વાચિન સાધનો તથા APPLIANCES ની મદદથી માપી શકાય અને તાગ મેળવી શકાય પણ આંસુ નો તાગ મેળવવો કે તેના ઊન્ડાણને માપવુ શક્ય છે ? :

 6. Pancham Shukla said,

  June 25, 2010 @ 5:50 am

  લુપ્ત થતા જતા આ કાવ્ય પ્રકારને ખેડનાર સાંપ્રત કવિઓમાં શૈલશૃંગ શા કવિશ્રી ઉશનસનું સુંદર વૈચારિક સૉનેટ.

  ના કો નિશાની શમણાંની ડૂબી તરીનું ! (તરીને ?)- ટાઈપો જરા જોઈ લેશો વિવેકભાઈ?

 7. Rekha Sindhal said,

  June 25, 2010 @ 6:35 am

  ખરે જ આસુઁ વિશે આટલુ સુઁદર કાવ્ય મળવુઁ મુશ્કેલ છે. આભાર !

 8. pragnaju said,

  June 25, 2010 @ 7:37 am

  ખૂબ સુંદર સૉનૅટ
  નાનું ટીપું જ, તટ જેવું કશું ન એને,
  તોયે ન પાર હજી કોઈ ગયેલ, જાણું;
  આ તો નરી જ મઝધાર બધે ! પ્રમાણું,
  ઘૂંટાયલી ભરતીનું રૂપ માત્ર જેને;
  અ દ ભૂ ત

 9. વિવેક said,

  June 25, 2010 @ 8:52 am

  પ્રિય પંચમભાઈ,

  શબ્દસૃષ્ટિના જૂન 2010ના અંકમાં આ જ પ્રમાણે છપાયેલું છે..
  ના કો નિશાની શમણાંની ડૂબી તરીનું !

  તરીનો એક અર્થ વહાણ કે હોડી પણ થાય છે…

 10. Bharat Trivedi said,

  June 25, 2010 @ 11:14 am

  ના ટેરવું પણ શકે ડૂબી આંગળીનું,
  તેમાં ગયાં સકલ વ્હાણ ડૂબી મહારાં;

  આ વાચી ઍક બીજી વાત પણ યાદ આવી ગઇ ! ઉસનસની કવિતા હોઇ વિશેષ કહેવાનુ ના જ હોય. ખૂબ સુંદર સૉનૅટ

 11. રાજની said,

  June 25, 2010 @ 11:31 am

  અદભુત સોનેટ કાવ્ય

 12. urvashi parekh said,

  June 25, 2010 @ 8:20 pm

  આંસુ વીશે સરસ અને સુન્દર કાવ્ય.

 13. Bharat Trivedi said,

  June 26, 2010 @ 10:04 am

  આસુ પર કેવુ કેવુ અદાભુત લખયુ છે! ટાઈપોની તકલિફ નડે છે નહી તો લખવાનુ મન તો ઘણુ જ થાય છે.

  આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
  ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.

 14. kanchankumari. p.parmar said,

  June 26, 2010 @ 10:42 am

  ઝિલ્યુ છે પ્રતિબિંબ આપનુ આ આંસુઓ ના તોરણે ;દેવુ વહેવડાવિ હવે તમે જ કહો કેમ પાલવે ?….

 15. sudhir patel said,

  June 26, 2010 @ 10:55 am

  ખૂબ પ્રભાવક સોનેટ!
  સુધીર પટેલ.

 16. વિહંગ વ્યાસ said,

  June 27, 2010 @ 5:57 am

  સુંદર…..

 17. વિવેક said,

  March 8, 2011 @ 1:45 am

  રવિવારે વલસાડ ખાતે કવિશ્રી ઉશનસને એમના ઘરે મળ્યો. એમની સાથે એમના આ આંસુ સૉનેટની વાત થઈ. એમણે કહ્યું કે કોઈક કવિએ આ સૉનેટને આંસુ ઉપર લખાયેલ શ્રેષ્ઠ કવિતા લેખાવ્યું છે. મેં કહ્યું જ્યારે આ કવિતા મેં લયસ્તરો પર પોસ્ટ કરી હતી ત્યારે મેં પણ આ કવિતાને આંસુ ઉપર લખાયેલ સર્વશ્રેષ્ઠ કાવ્ય ગણાવ્યું હતું…

  બીજા દિવસે મેં કવિશ્રી જયન્ત પાઠકની આંસુ ઉપર લખેલી કવિતા (http://layastaro.com/?p=4696) આના ઉપલક્ષમાં રજૂ કરી ત્યારે લખ્યું હતું કે એક જ પદાર્થને બે અલગ અલગ માણસો કેવી સંવેદનાથી આળખે છે એ સરખાવવા જેવું છે.

  પણ આશ્ચર્ય ત્યારે થયું જ્યારે કવિશ્રી ઉશનસે જણાવ્યું કે જયન્ત પાઠક એમના સગા મસિયાઈ ભાઈ છે…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment