આંખમાંથી કેટલું ભૂંસવું પડે -
આંખ પંખીની પછી દેખાય છે.
નીતિન વડગામા

પળનું પરબીડિયું… – ગૌરવ ગટોરવાળા (ભાગ -૧)

કાનજીભાઈ દેસાઈ સમાજ શિક્ષણ ભવન હૉલ, સુરત ખાતે આજે સવારે શ્રી કિરણસિંહ ચૌહાણના ‘સાંનિધ્ય પ્રકાશન’ના શ્રીગણેશ પ્રજ્ઞાચક્ષુ ગૌરવ ગટોરવાળાના પ્રથમ ગઝલ સંગ્રહના વિમોચન સાથે થયા હતા. આ પ્રસંગે કિરણસિંહ ચૌહાણે પોતાની સંસ્થાની કેફિયત આપી હતી. રઈશ મનીઆરે કવિપ્રતિભાનો પરિચય અને બે ગઝલોનું પઠન કર્યું હતું અને ગૌરવે પોતાની જીવનયાત્રા અને ગઝલયાત્રાને મંત્રમુગ્ધ કરી દેતી શૈલીમાં વ્યક્ત કરી હતી.  આ પ્રસંગે મેં સંગ્રહની સમીક્ષા કરી હતી જે અક્ષરશઃ નીચે સમાવિષ્ટ છે:

P5166019_thumb
(ગૌરવ ગટોરવાળાની કથા અને વ્યથા એમના જ મુખે)

*

પળનું પરબીડિયું – સમીક્ષા: વિવેક ટેલર

P5166004
(સંગ્રહની મીમાંસા….                                  …વિવેક મનહર ટેલર)

ગઝલના ગામમાં મારી પોતાની કોઈ ઓળખ છે કે નહીં હજી તો એય હું જાણતો નથી અને ગૌરવના ગઝલસંગ્રહ વિશે ટિપ્પણી આપવા જેવું કામ માથે આવી પડ્યું. પણ મિત્ર કિરણસિંહના અનુરોધની અવગણના પણ શી રીતે કરી શકું? ગૌરવને આ પૂર્વે એક જ વાર એક કવિસંમેલનમાં સાંભળવાનું થયું છે પણ રૂબરૂ મુલાકાત કદી થઈ નથી એટલે આ કવિને હું પહેલવહેલીવાર એની ગઝલોની ગલીઓમાં મળી રહ્યો છું એમ કહું તો અતિશયોક્તિ નથી.

સંગ્રહની ચોપ્પન ગઝલોમાંથી આ ટિપ્પણીના બહાને અવારનવાર પસાર થવાનું થયું અને સાચું કહું તો મજા આવી. આ કવિ માત્ર સ્પર્શ અને શ્રુતિના સહારે આ વિશ્વને જુએ છે. એ અવાજને અડી શકે છે અને રંગોને જોઈ શકે છે એની પ્રતીતિ આ સંગ્રહના પાનેપાને થતી રહે છે. એની આંખોની સામે અંધારું છે પણ એના દિલમાં ઊર્મિઓનું અજવાળું છે. એના પગ નીચેનો રસ્તો રણમાં દિશાહીન થઈ જનારા મુસાફર જેવો વિકટ છે પણ એની પાસે સંવેદનાના ઊંટ છે જે એને કવિતાના રણદ્વીપ સુધી ખેંચી લાવ્યા છે. સરવાળે આ સંગ્રહમાંથી પસાર થઈએ ત્યારે કવિ આપણને ગઝલિયતના સમ્યક્ દર્શન કરાવવામાં સફળ રહે છે.

ગૌરવની ગઝલોનો આ પહેલો આલેખ છે. બાળક જ્યારે પ્રથમવાર ચાલવાની કોશિશ કરે ત્યારે એ પડે-આથડે જરૂર છે, ગૌરવની ગઝલોમાં પણ બાળકના પહેલા પગલા જેવી અસ્થિરતા કવચિત્ નજરે ચડે છે પણ જે મુખ્ય વસ્તુ એની ગઝલોમાં નજરે ચડે છે એ છે એની સૌંદર્ય-દૃષ્ટિ. એની ગઝલોમાં પરંપરાના પ્રતીકો છે પણ એ પ્રતીકોને નવો જ ઓપ આપતા કલ્પનોની તાજગી છે. એની ગઝલોમાં હવે પછીના પગલાંમાં આવનારી મક્કમતા નજરે ચડે છે.

આ કવિ પોતાની હદોથી વાકેફ છે. એટલે જ કહે છે:

હદને વટાવવાનો તો પ્રશ્ન જ થતો નથી,
મારી હદોનું થાય જુઓ વિસ્તરણ સતત.

કવિ પ્રજ્ઞાચક્ષુથી કામ લે છે. પ્ર એટલે વિશેષ અને જ્ઞા એટલે જાણવું. પ્રજ્ઞાચક્ષુ એટલે બુદ્ધિરૂપી કે જ્ઞાનરૂપી નેત્રથી જોનાર. આ માણસ કેવો પ્રજ્ઞાચક્ષુ છે એ એના આ શેરો પરથી જાણી શકાય છે :

ફૂલની સૌરભને ‘ગૌરવ’ સ્પર્શવા,
આંગળીના ટેરવાંનું કામ શું ?

જુઓ, ગઝલના શેરોમાં એની દૃષ્ટિ કેવી ખુલી છે!:

ખંજન ભરેલા ગાલના આ કેનવાસ પર,
આંસુનું ચિત્ર દોરતા પહેલાં વિચાર કર.

આંખો અને સ્વપ્નોને લગતા કેટલાક શેર માણીએ:

સ્વપ્ન થઈને આવ યા આંસુ થઈને આવ તું,
કોઈપણ રીતે ભરી જા મારી આંખો ખાલીખમ.

ઊંઘ વચ્ચે જ તૂટી ગઈ એટલે,
સ્વપ્ન મારા ફરીથી અધૂરા રહ્યા.

તારી પાંપણનો નરમ તકિયો કરી,
તારી આંખોમાં જ ઊંઘી લેવું છે.

કેટલાયે તૂટી ગયા શમણાં
તોય આંખો હજી ક્યાં ખૂલી છે ?

– આ કવિ જેમ આંખના શેર વધુ કહે છે એમ જ આંસુ પણ એની ગઝલોમાં અવારનવાર નજરે ચડે છે:

ધોઈ લઉં છું રોજ આંસુથી ખૂણાઓ આંખના,
તે છતાં અવશેષ ખંડિત સ્વપ્નનાં રહી જાય છે.

આંખને પણ થાક લાગ્યો પણ અલગ રીતે જરા,
તેથી પરસેવાને બદલે આંસુના ટીપા પડ્યા.

ખરખરો કરવાને આવ્યા આંસુઓ,
કોઈ ઇચ્છા પામી લાગે છે મરણ.

ક્યાંક નવસર્જન થયું આંસુ થકી,
ક્યાંક સર્જાયેલું ભૂંસાઈ ગયું.

આંસુ અટક્યું છે નયનના ઉંબરે કેમ?
એને નક્કી કોઈ મર્યાદા નડે છે.

ગૌરવ નવયુવાન કવિ છે, અપરિણિત છે અને ગઝલ જેવા પ્રણયોર્મિના સાગરને અડે છે એટલે સાહજિક પ્રણયોદ્ગાર પણ એમની ગઝલોમાં આવવાનો જ. પ્રેમની નજાકતના કેટલાક અશ્આર જોઈએ:

જ્યારથી મોતી જડાયું છે તમારા નામનું,
ત્યારથી આ જિંદગીનો હાર ઝગમગ થાય છે.

મેં મને મારામાં શોધ્યો બહુ વખત,
પણ પછી જાણ્યું હું તારામાં હતો.

મહેકી ઊઠ્યું છે આજ બગીચાનું રોમ-રોમ,
લાગે છે કોઈ ફૂલને ચૂમી ગયો પવન.

તેં ટકોરા કર્યા તો જાણ્યું કે
દિલને પણ હોય બારણાં જેવું.

અને પ્રણયરસથી તરબતર આ શેર જુઓ, એનું કલ્પન જુઓ, એની તાજગી અને કવિની મસ્તી જુઓ:

તારી અદામાં ઊઠતા વમળોને જોઈને,
ક્યારેક થાય છે કે તને હું નદી કહું.

એક બીજો પ્રણયરસનો શેર:

જાણ પણ ના થઈ મને કે કોઈ પર,
આટલો અધિકાર મારો થઈ ગયો.

રેતીઓ થઈ ગઈ કમળ ને થઈ ગયું મૃગજળ તળાવ,
દિલના ઉજ્જડ રણમાં જ્યારે આપના પગલા પડ્યા.

અને દોસ્તો, જ્યાં પ્રણય આવે ત્યાં પ્રણયભંગ પણ આવે. મિલન આવે ત્યાં જુદાઈ પણ આવે. વસ્લની પાછળ પાછળ સ્મરણ પણ આવે જ. અને પ્રણયપ્રચૂર શેર કરતાં પ્રણયભગ્ન હૈયાને ચીસો હંમેશા વધુ આસ્વાદ્ય જ હોવાની. કેટલાક શેર જોઈએ:

તારા પર મારો ભલે કંઈ હક્ક નથી,
પણ હજી પણ મારું છે તારું સ્મરણ.

પ્રતીક્ષા ઉપર ગાલિબની કક્ષાનો કહી શકાય એવો આ શેર જુઓ:

જિંદગી પૂરી થવા આવી હવે,
ક્યાં છે તારી યાદનો છેડો ? બતાવ.

કોઈ પર્વત જેવું ભારેખમ નથી તારું સ્મરણ,
તોય ભારણ દિલ ઉપર વર્તાય છે એકાંતમાં.

(બાકીની સમીક્ષા આવતા શનિવારે…..)

***

P5166014_thumb
(કવિપ્રતિભાનો પરિચય…                           …રઈશ મનીઆર)

*

P5165980
(‘સાંનિધ્ય પ્રકાશન’ના શ્રીગણેશ…                 …કિરણસિંહ ચૌહાણ)

*

P5166011
(પળનું પરબીડિયું…..                                 ….વિમોચન વિધિની પળો)

25 Comments »

 1. yogesh pandya said,

  May 16, 2010 @ 6:07 am

  સરસ

 2. yogesh pandya said,

  May 16, 2010 @ 6:10 am

  જાણ પણ ના થઈ મને કે કોઈ પર,
  આટલો અધિકાર મારો થઈ ગયો
  ધોઈ લઉં છું રોજ આંસુથી ખૂણાઓ આંખના,
  તે છતાં અવશેષ ખંડિત સ્વપ્નનાં રહી જાય છે.

  આ બે શેર ખુબ ગમ્યા

 3. arif jafri said,

  May 16, 2010 @ 7:49 am

  I also want to sbmit my creation(gujarati kavita)please suggest me where should I post it

 4. ચાંદ સૂરજ said,

  May 16, 2010 @ 9:39 am

  અભિનંદન બંધુશ્રી ગૌરવભાઈ ગટોરવાળાને તેમજ બંધુશ્રી કિરણસિંહ ચૌહાણને એમના ગઝલ સંગ્રહોના વિમોચન પ્રસંગે અને આભાર બંધુશ્રી વિવેકભાઈનો સુંદર આલોચના કાજે.

 5. mahesh dalal said,

  May 16, 2010 @ 9:45 am

  ઉર્મિપ્રધાન શેર .. ખુબ સરસ ભાવ્ ભિના કરિમુકે.કવિને. અનેક શુ ભ ઇચ્ચાહ સહ્..

 6. PRADIP SHETH BHAVNAGAR said,

  May 16, 2010 @ 10:54 am

  ખૂબ ખુબ. અભિનંદન………

 7. હેમંત પુણેકર said,

  May 16, 2010 @ 11:12 am

  સુંદર સમીક્ષા વિવેકભાઈ! આગળના ભાગની ઈંતેજારી રહેશે.

  તમે રજૂ કરેલા બધા શેર વાંચવાની મજા પડી પણ આ બે શેરની તો મજા જ કંઈ ઓર છેઃ

  તારા પર મારો ભલે કંઈ હક્ક નથી,
  પણ હજી પણ મારું છે તારું સ્મરણ.

  જિંદગી પૂરી થવા આવી હવે,
  ક્યાં છે તારી યાદનો છેડો ? બતાવ.

  ગૌરવભાઈને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ!

 8. Harikrishna said,

  May 16, 2010 @ 11:30 am

  Vivekbhai,
  Very good indeed for this. Please pass my heartfelt congratulation to Shri Gauravbhai on his excellence writing.
  Harikrishna (London)

 9. Pinki said,

  May 16, 2010 @ 12:45 pm

  કિરણભાઈ અને ગૌરવભાઈને હાર્દિક અભિનંદન… !

  હદને વટાવવાનો તો પ્રશ્ન જ થતો નથી,
  મારી હદોનું થાય જુઓ વિસ્તરણ સતત.

  જિંદગી પૂરી થવા આવી હવે,
  ક્યાં છે તારી યાદનો છેડો ? બતાવ…. બહુત ખૂબ !

 10. ડૉ. મહેશ રાવલ said,

  May 16, 2010 @ 1:18 pm

  પ્રથમ તો કવિશ્રી ગૌરવભાઈની પ્ર અને જ્ઞા દ્રષ્ટિને સો સો સલામ.
  શ્રી વિવેકભાઈ જેવા સક્ષમ કવિની નિખાલસતા સાથે શરૂ થયેલું કવિશ્રીની ગઝલોનું રસપાન અનેકરીતે પ્રેરક અને ભાવપૂર્ણ રહ્યું.
  દેખતા પણ જે સ્તરને આંબવા ઊણા ઉતરે એ હદે આ કવિએ સંવેદનાઓને અત્યંત પ્રભાવી શૈલીમાં કાગળ પર કંડારી એક અનન્યતા વહેતી મૂકી છે.
  કેવળ આંખ હોવી એ દેખતા સાબિત થવા પૂરતું નથી જરૂરી છે દ્રષ્ટિ કેળવવાની અને મને લાગે છે કે કુદરતે રાખેલી મણા ને પડકારી કવિએ એ સાબિત કરી બતાવ્યું છે.
  કવિ મિત્રશ્રી કિરણભાઈને એમના સાહસ, સાંનિધ્ય પ્રકાશનની ઉત્તરોત્તર પ્રગતિની શુભેચ્છાઓ સાથે કવિશ્રી ગૌરાંગભાઈએ એમની ગઝલો દ્વારા આપણા સુધી પહોંચાડેલ પળનું પરબીડિયું સાદર સર આંખો પર.

 11. ડૉ. મહેશ રાવલ said,

  May 16, 2010 @ 1:44 pm

  ક્ષમાયાચનાઃ
  મારી ટિપ્પણીના અંતિમ ચરણમાં શરતચૂકથી કવિનું નામ ગૌરવભાઈ ને બદલે ગૌરાંગભાઈ લખાયું છે …! ત્યાં સુધારીને વાંચવા વિનંતિ.
  (શ્રી વિવેકભાઈ નામમાં મારી ક્ષતિને સુધારી આભારી કરશો.)

 12. sudhir patel said,

  May 16, 2010 @ 4:22 pm

  કવિશ્રી ગૌરવભાઈને એમના પ્રથમ ગઝલ-સંગ્રહના પ્રકાશન પર્વ પર હાર્દિક શુભેચ્છાઓ!
  કવિશ્રી કિરણસિંહ ચૌહાણને પણ આ ગઝલ-સંગ્રહથી ‘સાનિધ્ય પ્રકાશન’ ના શ્રીગણેશ કરવા બદલ અભિનંદન અને સફળતા માટેની મબલખ શુભેચ્છાઓ!
  સંગ્રહનો રસાસ્વાદ કરાવવા બદલ વિવેક્ભાઈનો પણ આભાર!
  સુધીર પટેલ.

 13. Girish Parikh said,

  May 16, 2010 @ 8:30 pm

  શ્રી વિવેકભાઈને પુસ્તકનું વાંચ્યા જ કરીએ એવું રસદર્શન કરાવવા બદલ અભિનંદન. તમારા શબ્દો દ્વારા અને તમે પસંદ કરેલા શેરો દ્વારા કવિ શ્રી ગૌરવભાઈનો સુંદર પરિચય થયો. એમને અભિનંદન પાથવું છું.
  શ્રી કિરણસિંહભાઈ ચૌહાણને સાંનિધ્ય પ્રકાશનના શ્રીગણેશ કરવા બદલ અભિનંદન.
  ભાગ ૨ ની રાહ જોઉં છું. એમાં શ્રી રઈશભાઈ, શ્રી કિરણસિંહભાઈ ચૌહાણ, તથા શ્રી ગૌરવભાઈના વક્તવ્યોનો સાર આપો તો સરસ. બને તો આખા કાર્યક્રમનો વિડિયો LayaStaro.com પર મૂકવા વિનંતી કરું છું.
  – – ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા E-mail: girish116@yahoo.com

 14. Just 4 You said,

  May 17, 2010 @ 12:06 am

  AWESOME…..

  હદને વટાવવાનો તો પ્રશ્ન જ થતો નથી,
  મારી હદોનું થાય જુઓ વિસ્તરણ સતત.

  સ્વપ્ન થઈને આવ યા આંસુ થઈને આવ તું,
  કોઈપણ રીતે ભરી જા મારી આંખો ખાલીખમ.

  ઊંઘ વચ્ચે જ તૂટી ગઈ એટલે,
  સ્વપ્ન મારા ફરીથી અધૂરા રહ્યા.

  જિંદગી પૂરી થવા આવી હવે,
  ક્યાં છે તારી યાદનો છેડો ? બતાવ.

  કોઈ પર્વત જેવું ભારેખમ નથી તારું સ્મરણ,
  તોય ભારણ દિલ ઉપર વર્તાય છે એકાંતમાં.

 15. "માનવ" said,

  May 17, 2010 @ 12:48 am

  રઈશ અંકલ અને બાકી સૌને Congratulation

 16. વિહંગ વ્યાસ said,

  May 17, 2010 @ 2:27 am

  સુંદર સંકલન તેમજ રસદર્શન. ગૌરવભાઇ તથા કિરણસિંહ ને હાર્દિક અભિનંદન. આભાર વિવેકભાઇ.

 17. મીત said,

  May 17, 2010 @ 2:44 am

  ખંજન ભરેલા ગાલના આ કેનવાસ પર,
  આંસુનું ચિત્ર દોરતા પહેલાં વિચાર કર
  અદભુત પંકિતઓ..!
  ભાઈ ગૌરવ ખુબ ખુબ શુભેચ્છાઓ…!

 18. સુનીલ શાહ said,

  May 17, 2010 @ 3:28 am

  ગૌરવભાઈને હૃદયથી શુભેચ્છાઓ.
  વિવેકભાઈ, ગઝલસંગ્રહ વિશે તથા ગૌરવભાઈ વિશે રસપ્રદ વાતો કહી. ગમ્યું.

 19. pragnaju said,

  May 17, 2010 @ 8:53 am

  ધન્યવાદ અને શુભેચ્છાઓ શ્રી ગૌરવભાઈ ગટોરવાળાને ,શ્રી કિરણસિંહ ચૌહાણને એમના ગઝલ સંગ્રહોના વિમોચન પ્રસંગે અને વિવેકને મઝાની આલોચના માટે.

  આ શેરો વધુ ગમ્યા
  મહેકી ઊઠ્યું છે આજ બગીચાનું રોમ-રોમ,
  લાગે છે કોઈ ફૂલને ચૂમી ગયો પવન.

  તેં ટકોરા કર્યા તો જાણ્યું કે
  દિલને પણ હોય બારણાં જેવું.

  તારી અદામાં ઊઠતા વમળોને જોઈને,
  ક્યારેક થાય છે કે તને હું નદી કહું.

  જાણ પણ ના થઈ મને કે કોઈ પર,
  આટલો અધિકાર મારો થઈ ગયો.

  રેતીઓ થઈ ગઈ કમળ ને થઈ ગયું મૃગજળ તળાવ,
  દિલના ઉજ્જડ રણમાં જ્યારે આપના પગલા પડ્યા

 20. રાજની ટાંક said,

  May 17, 2010 @ 10:33 am

  ખૂબ ખૂબ અભિનંદન અને આટલો સુંદર મજાનું વિમોચન પ્રસાદ અમોને પિરસવા બદલ આભાર

 21. urvashi parekh said,

  May 17, 2010 @ 10:58 am

  અભીનન્દન..ખુબ ખુબ અભીનન્દન..
  ખરખરો કરવાને આવ્યા આંસુઓ,
  કોઈ ઇચ્છા પામી લાગે છે મરણ.
  સરસ..વીમોચન પણ સુન્દર અને સરસ.

 22. jigar joshi prem said,

  May 18, 2010 @ 10:10 am

  મારી લખવાની શરૂઆતના દિવસોમાં એટલે કે જુન ૨૦૦૬માં હું અને ગૌરવ એક શિબિરમાં શિબિરાર્થી તરીકે એક અઠવાડિયુ સાથે રહ્યા એનો આનંદ છે. એ સ્પર્શનો કવિ છે…રંગ, ઊર્મિ, ભાવનાઓ, લાગણી આમ તમામને એ સ્પર્શી અને પોતીકી કરી શકે એવી એનામાં તાકાત છે. પ્રથમ સંગ્રહ બદલ આકાશ ભરીને શુભેચ્છાઓ પાઠવું છું…

 23. કિરણસિંહ ચૌહાણ said,

  May 19, 2010 @ 12:10 am

  દોસ્તો, આપ સૌને ગૌરવની ગઝલો ગમી અને મારા પગલાને પણ આપ સૌએ બિરદાવ્યું એ માટે આપ સૌનો આભાર. વિવેકભાઇએ આ સોનેરી પ્રસંગને ‘લયસ્તરો’ પર રમતો મૂકીને અમારી અને અમારા કાર્યની જે ઇજજત અને લિજજત વધારી છે એ ચિરસ્મરણીય બની રહેશે. આ જ રીતે યુવાન સર્જકોના પુસ્તકો પ્રકાશિત કરવા છે. વળી ઘણા એવા વડીલ સર્જકો પણ છે જેઓ ખૂબ સારું લખે છે પણ હજી સુધી એમના પુસ્તકો થયાં નથી એમનાંય પુસ્તકો કરવા છે. આપની શુભેચ્છાઓ અને આશીર્વાદ આ જ રીતે વરસાવતા રહેજો.

 24. ઊર્મિ said,

  May 20, 2010 @ 10:50 pm

  ફરીથી… કિરણભાઈને ‘સાંનિધ્ય પ્રકાશન’ ના પ્રથમ અદભૂત પગલાં માટે મબલખ હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ…

  ગૌરવભાઈને પ્રથમ કાવ્યસંગ્રહ માટે આભલે આભલે અભિનંદન… અને સાહિત્ય જગતમાં સોનેરી ભવિષ્ય માટે અઢળક હાર્દિક શુભકામનાઓ.

  વિવેકની સમીક્ષા વાંચવાની ખરે જ મજા આવી… ભાગ-૨ની રાહ જોવાશે, દોસ્ત.

  ગૌરવભાઈની ગઝલોનાં શેરોની ઝલક માણવી ખૂબ જ ગમી… આખી ગઝલો પણ જલ્દી માણવા મળે એની રાહ જોવાશે.

  મને જરા વધુ ગમી ગયેલા થોડા શે’ર..

  હદને વટાવવાનો તો પ્રશ્ન જ થતો નથી,
  મારી હદોનું થાય જુઓ વિસ્તરણ સતત.

  ફૂલની સૌરભને ‘ગૌરવ’ સ્પર્શવા,
  આંગળીના ટેરવાંનું કામ શું ?

  મેં મને મારામાં શોધ્યો બહુ વખત,
  પણ પછી જાણ્યું હું તારામાં હતો.

  તેં ટકોરા કર્યા તો જાણ્યું કે
  દિલને પણ હોય બારણાં જેવું.

  જાણ પણ ના થઈ મને કે કોઈ પર,
  આટલો અધિકાર મારો થઈ ગયો.

  તારા પર મારો ભલે કંઈ હક્ક નથી,
  પણ હજી પણ મારું છે તારું સ્મરણ.

  જિંદગી પૂરી થવા આવી હવે,
  ક્યાં છે તારી યાદનો છેડો ? બતાવ.

  કોઈ પર્વત જેવું ભારેખમ નથી તારું સ્મરણ,
  તોય ભારણ દિલ ઉપર વર્તાય છે એકાંતમાં.

  વળી, આ શે’ર વાંચીને…………..

  મેં મને મારામાં શોધ્યો બહુ વખત,
  પણ પછી જાણ્યું હું તારામાં હતો.

  ………. તો મને (છંદ શિખ્યા પૂર્વે લખેલું) મારું એક મુક્તક યાદ આવ્યું:

  કેટલે સુધી ગયો હશે તું ગયો જ્યારે મારી અંદર?
  એ શોધવા ગઇ હું પણ તારી પાછળ મારી અંદર,
  કેમ કશુંયે ભાળ્યું નહીં મેં મારું તો કાંઇ મારી અંદર?
  ભરમાઇ ગઇ… શું હતી હું મારી કે પછી તારી અંદર?! 🙂

 25. Pancham Shukla said,

  May 21, 2010 @ 5:08 am

  સરસ પોસ્ટ વિવેકભાઈ. આમેય તમે કાવ્ય/કાવ્યસંગ્રહમાંઠી દિલથી અને પ્રામાણિક રીતે પસાર થાવ છો.
  કિરણસિંહના નવા સાહસને સલામ

  યુવાકવિને અભિનંદન. આ કવિ પાસેથી સુંદર રચનાઓ મળતી રહે એવી શુભેચ્છાઓ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment