આંસુથી રાખ કે પછી દરિયાથી રાખ તું,
ડુબાડી દેશે કોઈ દિવસ જળની મિત્રતા.
મનોજ ખંડેરિયા

એ તે કેવો ગુજરાતી – -ઉમાશંકર જોશી

એ તે કેવો ગુજરાતી
જે હો કેવળ ગુજરાતી ?
હિંદભૂમિના નામે જેની ઊછળે ના છાતી ?
મહારાષ્ટ્ર દ્રવિડ બંગાળ બિહાર – બધે અનુકૂલ.
જ્યાં પગ મૂકે ત્યાંનો થઈને રોપાયે દૃઢમૂલ.
સેવાસુવાસ જેની ખ્યાતિ;
તે જ બસ નખશિખ ગુજરાતી.

ના, ના, તે નહિ ગુજરાતી,
જે હો કેવળ ગુજરાતી.
એ તે કેવો ગુજરાતી,
જે હો કેવળ ગુજરાતી,
ભારતભક્તિ દેશવિદેશ ન જેની ઊભરાતી ?

સાગરપાર આફ્રિકા એડન લંકા સિંગાપુર
મોરિશ્યસ ફિકી ન્યૂઝીલૅન્ડ જાપાન બ્રિટન અતિ દૂર.
કાર્યકૌશલ-આતિથ્ય સુહાતી
બધે ઉર-મઢૂલીઓ ગુજરાતી.

તે નહિ નહીં જ ગુજરાતી,
જે હો કેવળ ગુજરાતી.

એ તે કેવો ગુજરાતી,
હિંદભૂમિના નામે જેની ઊછળે ના છાતી ?
ભારતભક્તિ દેશવિદેશ મ જેની ઊભરાતી,
એ તે કેવો ગુજરાતી ?

– ઉમાશંકર જોશી
(૨૯-૦૪-૧૯૬૦)

અલગ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ એના બે દિવસ પૂર્વે ઉમાશંકર જોશીએ લખેલું કાવ્ય આજે પણ એટલું જ પ્રસ્તુત લાગે છે.  ગુજરાત સ્થપાયું એ પહેલાંથી કવિને વિશ્વગુર્જરીની વ્યાખ્યા અભિપ્રેત હતી. જે કેવળ ગુજરાતી હો એ તે વળી કેવો ગુજરાતી? ખરો ગુજરાતી તો ન કેવળ ભારત પણ વિદેશમાંય ક્યાંય જઈ વસે તો ત્યાંય અનુકૂલન સાધીને દૃઢમૂલતાથી રહી શકે. ખરો ગુજરાતી તો એ જ જેના હૃદયની મઢૂલીઓ કાર્યકુશળતા અને આતિથ્યભાવથી જ શોભતી હોય. સાચો ગુજરાતી તો એ જ જેની છાતી દેશપ્રેમથી છલકાતી હોય…

આજે ગુજરાત સ્થાપના દિને વિશ્વભરના ગુજરાતીઓને એમનું ગુજરાતીપણું વધુ ને વધુ વિસ્તરતું રહે એવી શુભકામનાઓ…

16 Comments »

 1. Jayshree said,

  May 1, 2010 @ 12:57 am

  તે નહિ નહીં જ ગુજરાતી,
  જે હો કેવળ ગુજરાતી.

  વાહ..

  વિશ્વગુર્જરીને ગુજરાત રાજયની સુવર્ણજયંતિ નિમિત્તે ખોબલે ખોબલે શુભેચ્છાઓ..!!

 2. Pushpakant Talati said,

  May 1, 2010 @ 5:18 am

  આજ “ગુજરાત” નો Birth day છે. અને ત્યારે જ આ “ગુજરાતી” ની છાતી ખરેખર ગજ-ગજ ફૂલાવી દે તેવી રચના જોઈ સાચુકલા જ દિલ ડોલી ઉઠ્યુ .

  ગુજરાત ના ખરા વતનીઓએ ક્યારેય ફ્ક્ત ગુજરાતને જ મહત્વ આપેલ નથી પણ તેમને મન તો – સારા જગ ગુજરાત – હોય છે. – અને વળી તે પણ ગુજરાતીની એક ખાસીયત છે કે તે જ્યા પણ જાય છે તે જગ્યાએ ગુજરાતનુ નિર્માણ તેની મેળે જ – અપને આપ – થઈ જ જાયછે.

  જ્ય એક વસે ગુજરાતી ત્યા સદાકાળ ગુજરાત. સમગ્ર વિશ્વના સમગ્ર ગુજરાતી જનગણને તેમજ જે લોકોએ ગુજરાતને અપનાવ્યુ છે તેવા દરેક માનવને મારા અભિનન્દન તથા હ્રદય પૂર્વકના જય જય ગરવી ગુજરાત.

  આજની આ શ્રી ઉમાશંકર જોશી(જી) ની રચના પ્રસ્તુત કરવા બદલ પણ લયસ્તરો નો આભાર તેમજ ધન્યવાદ .

 3. Rajani Tank said,

  May 1, 2010 @ 5:43 am

  કોઈક દિ ભૂલા પડો ગુજરાતની ધરતી પર,તમારા એવા કરુ સન્માન,તમને સ્વર્ગ ભૂલવી દઉં શામળા…

  વેકેશનો સદપયોગ કરવાના નિર્યાર્થે લયસ્તરોમાં બેઠક જામાવી છે..

  ઉમાશકર જોશીનું દેશભક્તિથી છલકતુ ગીત

  સ્વર્ણિમ ગુજરાતની હાર્દિક શુભકામનાઓ

 4. pragnaju said,

  May 1, 2010 @ 6:49 am

  સાગરપાર આફ્રિકા એડન લંકા સિંગાપુર
  મોરિશ્યસ ફિકી ન્યૂઝીલૅન્ડ જાપાન બ્રિટન અતિ દૂર.
  કાર્યકૌશલ-આતિથ્ય સુહાતી
  બધે ઉર-મઢૂલીઓ ગુજરાતી.
  ગુજરાત અને ભારતનાં અન્ય રાજ્યો તથા પાકિસ્તાન ઉપરાંત વિશ્વનાં અનેક દેશોમાં ગુજરાતી ભાષા બોલતા લોકો વસે છે, જેમાં મહદ્ અંશે, અમેરિકા, યુ.કે., કેન્યા તથા દક્ષિણ આફ્રિકા સહિત આફ્રિકાનાં અન્ય દેશો, કેનેડા, ઓસ્ટ્રેલિયા, વિગેરેનો સમાવેશ કરી શકાય.ગુજરાતીઓની વિશિષ્ટતા એ છે કે તેઓ કોઈપણ વાનગીનું ગુજરાતીકરણ કરી નાંખે છે. ઓરીજનલ ચાઈનીઝ સમોસા, પાસ્તા કે પછી પંજાબી વાનગીઓ પણ આપણી જીભનાં સ્વાદ અનુસાર બનાવી દેવાય છે.
  ગુજરાત રાજયની સુવર્ણજયંતિ નિમિત્તે શુભેચ્છાઓ

 5. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

  May 1, 2010 @ 7:48 am

  દરેક ગુજરાતીએ કંઠસ્થ કરવા જેવું સાચું ભારતીય ભક્તિગીત.
  જે ન કરે હૃદયસ્થ તેને કેમ કહું સાચો ગુજરાતી, હે મુજ મિત?
  એ ભલે રહેતો હોય ઈંગ્લેંડ,અમેરિકા,આફ્રિકા કે હો કેનેડા સ્થિત.
  એ પહેલો ભારતવાસી,પછી ગુજરાતી ને અંતે વિશ્વનિવાસિત.

 6. ગાગરમાં સાગર » Blog Archive » ગુજરાત મોરી મોરી રે - ઉમાશંકર જોશી said,

  May 1, 2010 @ 12:34 pm

  […] * લયસ્તરો પર માણો, શ્રી ઉમાશંકર જોશીનું એક બીજું ગુર્જર-ગીત – એ તે કેવો ગુજરાતી […]

 7. Girish Parikh said,

  May 1, 2010 @ 1:00 pm

  ગુજરાતી, ભારતીય અમેરિકન, તથા વિશ્વનાગરિક હોવાનું મને ગૌરવ છે.
  જનની, જન્મભૂમિ અને માતૃભાષા માટે મને અનહદ પ્રેમ છે.
  આજે મે ૧, ૨૦૧૦. ગુજરાત રાજ્યની સુર્વણ જયંતી.
  યાદ આવે છે મે ૧, ૨૦૫૦ નો દિવસ. એ તારીખના ‘બાલમિત્ર’ માસિકમાં મારી ગુજરાતી રચનાનું પ્રથમ પ્રકાશન થયું હતું. એ હતું બાળ ગીત ‘એ તો સૌને ગમે’. (આ વિશે વધુ વાંચો http://www.girishparikh.wordpress.com બ્લોગ પર).
  મે ૧, ૧૯૬૦ ના રોજ આપણા મહાન સંત પૂજ્ય રવિશંકર મહારાજે ગુજરાત રાજ્યના શ્રી ગણેશ કર્યા હતા. એ સમારંભમાં હું હાજર હતો એવું આછું સ્મરણ છે!

  વર્ષો પહેલાં અમદાવાદની એલ. ડી. એન્જિનિયરીંગ કોલેજમાં ભણતો હતો ત્યારે નજીકમાં આવેલી ગુજરાત યુનિવર્સિટીના ઉમાશંકર જોશી ઉપકુલપતિ હતા. એકવડિયું શરીર, પણ ટટ્ટાર રહી ઝડપથી ચાલીને યુનિવર્સિટીના બીલ્ડીંગ તરફ જતા મેં એમને જોયા છે. આ લખતી વખતે મારા સ્મરણપટ પર એમનાં દર્શન કરી રહ્યો છું.
  – – ગિરીશ પરીખ

 8. Girish Parikh said,

  May 1, 2010 @ 1:19 pm

  ઉપરના મારા લખાણ્માં મે ૧, ૧૯૫૦ વાંચવા વિનંતી.
  અલબત્ત, મે ૧, ૨૦૫૦ ના દિવસે હું નશ્વર દેહે નહીં હોઉં પણ પ્રભુને નમ્ર પ્રાર્થના કરું છું કે અક્ષર દેહે એ દિવસે અને એ પછીનાં વર્ષોમાં પણ જીવતો રહું.

 9. ઊર્મિ said,

  May 1, 2010 @ 4:35 pm

  એ તે કેવો ગુજરાતી
  જે હો કેવળ ગુજરાતી ?

  વાહ, કેવી મજાની વાત કરી કવિશ્રીએ… ખૂબ જ મજાનું કાવ્ય.

  લયસ્તરોનાં વાચકોને સુવર્ણ ગુજરાતદિનની હાર્દિક શુભેચ્છાઓ…

 10. Faruque Ghanchi said,

  May 1, 2010 @ 4:45 pm

  ગુજરાતદિનની હાર્દિક શુભકામના. સુંદર રચના પ્રસંગને દિપાવે છે.

 11. sudhir patel said,

  May 1, 2010 @ 9:40 pm

  ગુજરાત સ્થપના દિન અને એની સુવર્ણ જયંતિ નિમિત્તે સૌને અઢળક શુભેચ્છાઓ!
  ગુજરાતીની ખૂબી વ્યક્ત કરતું સુંદર કાવ્ય.
  સુધીર પટેલ.

 12. Sandip Bhatia said,

  May 2, 2010 @ 10:40 am

  ખૂબ સુંદર કવિતા. સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીના પ્રસંગે તો અતિશય ઉચિત અને પ્રસ્તુત રચના. પોતાની પ્રગતિની અને બધાને સાથે લઇ દેશના વિકાસમાં યોગદાન આપવાની તથા ઉત્તમ વિશ્વનાગરિક બનવાની ગુજરાતી પરંપરાનો પડઘો સ્વર્ણિમ ઉજવણીમાં પડ્યો છે એને અનુરૂપ સૂર આ કવિતામાં પણ સંભળાય છે. ગુજરાતી હોવાના ગૌરવને પુનઃ દ્ર્ઢાવતી કવિતા…

 13. વિહંગ વ્યાસ said,

  May 3, 2010 @ 7:10 am

  ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ નિમિત્તે સહુ મિત્રોને અઢળક શુભેચ્છાઓ.

 14. Pinki said,

  May 4, 2010 @ 7:17 am

  ગુજરાત સ્થાપના દિને નિમિત્તે મબલખ શુભેચ્છાઓ…!

  ગુજરાતની સ્થાપના સમયે જન્મ પણ ન’તો થયો પણ આજે સુવર્ણ જયંતીનાં અવસરે, હૈયે
  આનંદ એટલો જ છે .. 🙂

  અને છેલ્લાં સાત-આઠ વર્ષોમાં જે પ્રગતિ ગુજરાતે સાધી છે તેનો આનંદ તો સૌને હોય જ !
  સ્વર્ણિમ ગુજરાતનું શમણું ત્વરિત સાકાર થાય તેવી ઈશ્વરને પ્રાર્થના.

 15. Suresh Jani said,

  May 5, 2010 @ 8:12 am

  સ્વ ભક્તિ, સ્વ કુટ્મ્બ ભક્તિ, સ્વ જાતિ ભક્તિ, સ્વ રાજ્ય ભક્તિ, સ્વ દેશ ભક્તિ..
  આ વિસ્તરણ વૈશ્વિકતા તરફ આગળ વધો…

 16. લયસ્તરો » ઉમાશંકર વિશેષ :૦૨: મારું જીવન એ જ સંદેશ – ઉમાશંકર જોશી said,

  July 26, 2010 @ 4:13 pm

  […] ગાંધીયુગનાં આ અગ્રણી કવિશ્રી ઉમાશંકરજીની ઘણી કવિતાઓ અને ગીતો ગાંધીજીને કેન્દ્રમાં રાખીને લખાયેલ છે.  ગાંધીવિચારનો પ્રભાવ એમની ગાંધી-કવિતામાં પૂરની માફક ઊમટે છે, જે ભાવકને છે…ક વિશ્વપ્રેમ સુધી પહોંચાડે છે.  શબ્દને ‘ગાંધી’ નામની સ્યાહીમાં ઝબોળીને કવિ ક્યારેક સ્વયં ગુજરાતને પૂછે છે કે ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ? , તો ક્યારેક આપણને એટલે કે ‘ગુજરાતી’ને વિશ્વગુર્જરી બનવાનો સંકેત આપતો પ્રશ્ન પણ પૂછે છે કે ‘એ તે કેવો ગુજરાતી, જે હો કેવળ ગુજરાતી?&#82… […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment