જો વીતે આપના વિચાર વગર
એ દિવસ મનનો ઉપવાસ ન થાય?
ભાવેશ ભટ્ટ

કબાટમાંનાં પુસ્તકો – શંકર વૈદ્ય (અનુ. અરુણા જાડેજા)

પુસ્તકો સપનામાં આવે અને પૂછે,
‘તેં અમને ઓળખ્યાં કે?’
વાત કરતાં કરતાં પુસ્તકો ઓગળે
અને અથાગ પાણી થઈને છલકાતાં પૂછે,
‘તું ક્યારેય અમારામાં નાહ્યો છે કે ? તર્યો છે કે ?’
પુસ્તકો પછી ઘેઘૂર વૃક્ષ થઈ જાય
અને પૂછે,
‘અમારાં ફળો ક્યારેય ખાધાં છે કે ?
છાયામાં ક્યારેય પોરો ખાધો છે કે ?’
પુસ્તકો ફરફરતો પવન થઈ જાય
અને પૂછે,
‘શ્વાસ સાથે ક્યારેય અમને હૈયામાં ભર્યાં છે કે ?’
પુસ્તકો આવું કશુંક પૂછતાં રહે
એક પછી એક
દરેક પ્રશ્નનો મારી પાસે જવાબ નથી હોતો
બેસી રહું ચૂપચાપ બસ એમની સામે જોતો.
ક્યારેક પુસ્તકો કાચના કબાટમાં જઈને બેસે
અને કહે,
એટલે સરવાળે તો અમારી જિંદગી ફોગટ જ ને
પુસ્તકો મૂંગાંમંતર થઈ જાય
ઝૂર્યે જાય
જાતને ઊધઈને હવાલે કરે એ –
આખરે આત્મહત્યા કરે
ઘરમાં ને ઘરમાં જ
બંધ કબાટના કારાગૃહમાં !

– શંકર વૈદ્ય (મરાઠી)
અનુ. અરુણા જાડેજા

ગઈકાલે પુસ્તકદિન ગયો. આ કવિતા તાજી જ વાંચી હોવાનો ભાસ હતો પણ બે-ત્રણ કલાકોની શોધ-ખોળ પછી પણ એ ન જડી તે ન જ જડી. પિન્કીની ‘વેબમહેફિલ‘ પર અચાનક અરુણા જાડેજાની પુસ્તકો વિશેની જ એક રચના વાંચી અને મનમાં ઝબકારો થયો. કબાટમાં હાથ નાંખ્યો અને ક્ષણાર્ધમાં કવિતા હાથમાં… આભાર, પિન્કી!

આજની આ કવિતા ધ્યાનથી વાંચીએ અને એકાદ પુસ્તકને કબાટના કારાગૃહમાંથી આઝાદ કરવાનો સંકલ્પ કરીએ તોય ઘણું…

14 Comments »

  1. ચાંદ સૂરજ said,

    April 24, 2010 @ 5:49 AM

    ગઈકાલે ‘વિશ્વ પુસ્તક દિવસ’ નો અવસર હતો પણ આમ જોઈએ તો પુસ્તકોના સાગરમાં ખોવાયેલા એ પુસ્તકખેડૂઓ માટે તો દરેક દિવસ એમાંથી પાણીદાર મોતીડાં નિપજાવવા માટેનો એક ઉત્સવ અને સપરમો દિવસ જ હોય છે. અભરાઈ પર વિષ્યાંતરના ચાસ પાડી ગોઠવેલા પુસ્તકોમાં લહેરાતા ઉભા મોલને ફરી ફરીને લણતા દરેક વખતે એના ઉતારેલાં કણભર્યા કણસલામાંથી કંઈક નવીન હાથ લાગે છે. પુસ્તકોના સાગરમાં વાંચનના હલેસાં મારી જીજ્ઞાસાની નાવડીને હંકારનારા એ દરેક વાંચકોને ક્યાંક કિનારા સાંપડે એજ અભ્યર્થના.

  2. pragnaju said,

    April 24, 2010 @ 6:30 AM

    વિશ્વ પુસ્તક દિવસ મુબારક
    મનને એકાગ્ર કરવા અને સંયમિત બનાવવા માટેનાં સરળ સાધન છે. અભ્યાસ કરતાં કરતાં મનુષ્ય જીવનની સમાધિની સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. એકવાર લોકમાન્ય તિલકનું ઓપરેશન થઈ રહ્યું હતું, એને માટે એમને કલોરોફોર્મ સુંઘાડીને બેભાન કરવાના હતાં, પરંતુ એને માટે તેમણે ડોકટરને ના પાડી અને કહ્યું, “મને એક ગીતાનું પુસ્તક લાવી આપો હું એને વાંચતો રહીશ અને તમે ઓપરેશન કરી નાંખજો. ગીતા લાવી આપવામાં આવી લોકમાન્ય એનો અભ્યાસ કરવામાં એવા તલ્લીન બની ગયા કે ડોકટરોએ ઓપરેશન કર્યું ત્યાં સુધી જરા પણ હાલ્યા પણ નહીં તેમજ તેમને જરાય દુ:ખ માલુમ પડ્યું નહીં. પુસ્તકો વાંચવામાં આવી એકાગ્રતા થાય છે, જે લાંબી યોગ સાધનાઓ દ્વારા પણ પ્રાપ્ત કરી શકાતી નથી. પુસ્તકો જાગૃત દેવતા છે, એના અધ્યયન, ચિંતન, મનન દ્વારા, પૂજા કરીને તરત વરદાન મેળવી શકાયા છે. આથી આપણે નિયમિત સદ્દગ્રંથો વાંચતા રહેવું જોઈએ. ઉત્તમ પુસ્તકોઅનાં સ્વાધ્યાયને જીવનનું જરૂરી અંગ બનાવવું જોઈએ.

  3. Praveen said,

    April 24, 2010 @ 10:44 AM

    હાર્દિક અભિનંદન, ધન્યવાદ,

    વિવેકભાઈ !

    TV, Mobile, Computer, ઇત્યાદિના આપણા ‘આધુનિક’ સમયમાં,
    ચિરંજીવ ખજાનારૂપ પુસ્તકોને, ‘વિશ્વ પુસ્તક દિવસ’નાં પણ વિસરાતાં પર્વ પર, આટલી ઉત્તમ હ્રદયસ્પર્શી રીતે, ભાવનાપૂર્વક શોધીને સંભારવા, યાદ કરાવવા બદલ ! કાવ્ય વાંચીને મારો ‘લયસ્તરો’ સાથેનો સંપર્ક ભારોભાર સાર્થક થતો અનુભવ્યો.

  4. sudhir patel said,

    April 24, 2010 @ 8:48 PM

    સૌને વિશ્વ-પુસ્તક દિન મુબારક!
    પુસ્તકના હૃદયને વાચ આપતી કવિતા!
    પ્રજ્ઞાબેનના પ્રતિભાવ પર અમલ કરવા જેવું છે.
    સુધીર પટેલ.

  5. urvashi parekh said,

    April 24, 2010 @ 10:42 PM

    બહુ જ સરસ,
    પુસ્તકો ની વેદના,એના મન ના વીચાર જાણવા મળ્યા.
    આવુ સરસ કાવ્ય મુકવા બદલ અભીનન્દન.

  6. Pinki said,

    April 25, 2010 @ 5:29 AM

    ઓહ્.. ! આભાર…. પુસ્તક દિન મુબારક !

    સ્પેનનાં એક લેખક ( Cervantes ) ૨૩મી એપ્રિલ,૧૯૨૩નાં રોજ મૃત્યુ પામ્યાં અને તેની યાદમાં આ દિવસ પુસ્તક દિન તરીકે સ્પેનમાં ઉજવાતો. આ દિવસે જ મહાન સાહિત્યકાર વિલિયમ શેક્સપિયરનો જન્મદિન હોવાથી યુનેસ્કોએ તેને વિશ્વ પુસ્તક દિન તરીકે મનાવવાનું નક્કી કર્યું.

    જોકે, મને લાગે છે, આ દિને તો એક પુસ્તક વાંચવું જ…. અથવા એક પુસ્તક ભેટ આપવું… એવું કંઈક પણ વિચારી શકાય. 🙂

    પુસ્તકોને જો વાચા ફૂટે તો આવું જ કંઈક બોલે .. for sure !

    હિમાંશુભાઇ કહે છે એમ, એક પુસ્તક પૂરેપૂરું વંચાય પછી જ બીજું પુસ્તક ઘરમાં લાવવું. જોકે, તો પણ તેમની લાયબ્રેરીમાં ૨,૦૦૦ પુસ્તકો છે.

  7. sapana said,

    April 25, 2010 @ 1:48 PM

    આભાર રીમન્ડર માટે પુસ્તક દિન મુબારક,સરસ અછાંદસ..
    સપના

  8. Dhaval said,

    April 25, 2010 @ 6:18 PM

    સરસ કવિતા.

    પુસ્તક વાંચવું એટલે મનના કમાડ ખુલ્લા કરવા. કમાડ ખુલ્લા હોવા મૂળ વાત છે, પુસ્તક તો એનો સંકેત માત્ર છે.

  9. RJ MEET said,

    April 26, 2010 @ 1:46 AM

    વાત તો સાચી કહી કવિ મિત્ર એ..!

  10. Girish Parikh said,

    April 26, 2010 @ 11:08 AM

    પુસ્તકો મૂંગાંમંતર થઈ જાય
    ઝૂર્યે જાય
    જાતને ઊધઈને હવાલે કરે એ –
    આખરે આત્મહત્યા કરે
    ઘરમાં ને ઘરમાં જ
    બંધ કબાટના કારાગૃહમાં !

    ઉપરની પંક્તિઓ વાંચતાં મારા જીવનમાં બનેલો પ્રસંગ યાદ આવ્યો. એ પુસ્તકો વિશેનો નથી પણ પુસ્તકો જેમાંથી બને છે એ સામયિકોમાં પ્રગટ થયેલાં લખાણો વિશેનો છે. મારા સ્વ. પિતાજી પૂજ્ય શ્રી હરિભાઈ જ. પરીખ શિક્ષક અને લેખક હતા. કેટલાંક સામયિકોમાં પ્રગટ થયેલાં એમનાં અનેક લખાણોની ફાઈલો એમણે વ્યવસ્થિત રીતે કબાટમાં રાખેલાં. ૧૯૬૭માં મારા અમેરિકા આવ્યા પછી મને એ પત્રો દ્વારા એમનાં નવાં લખાણો વિશે લખતા. એક દિવસ એ ગુજરી ગયા. એ દિવસે હું જોબ પર ન જઈ શક્યો અને રડ્યા કર્યું. ૧૯૭૨માં મેં અમારા વતનની મુલાકાત લીધી ત્યારે ઘરમાં બેસીને રડ્યો.
    પિતાજીનો નશ્વર દેહ તો હવે નથી પણ અક્ષર દેહે તો એ જીવશે એમ વિચારીને મન મનાવ્યું, અને કુટુંબના એક બે સભ્યોને પિતાજીનાં લખાણો કઈ જગાએ છે એ પૂછ્યું — કબાટમાં એ નહોતાં. વારંવાર પૂછવા છતાં જવાબ ન મળ્યો! છેવટે એક સભ્યે કહ્યું: ઊધઈ લાગવાથી એ બધું ફેંકી દીધું!

  11. preetam lakhlani said,

    April 26, 2010 @ 2:39 PM

    જો ધર મા, ખાસ કરીને અમેરિકામા પુસ્કત ન હોત તો ? મને પણ્ મારા ધણા પટેલ મિત્રોની જેમ આંગણામા તુલસી કયારાની ખોટ સાલસ્ !!! ખરેખર બહુ જ સરસ કવિતા છે! આ બાબતમા કોઈ બે મત નથી!

  12. ઊર્મિ said,

    April 26, 2010 @ 9:50 PM

    ખૂબ જ સ-રસ અછાંદસ. ખૂબ જ ગમ્યું.

    વિશ્વ પુસ્તક દિને પુસ્તક ખરીદવાની અને ભેટ આપવાની વાત ઘણી ગમી…. જો કે આપણે ત્યાં જેમ ધનતેરસને દિવસે દેવું કરીનેય સોનું ખરીદાય છે, એવું છેક પુસ્તકો માટે તો……….. મતલબ કે લક્ષ્મીજી જેવું નસીબ બિચારા સરસ્વતીજીનું બિલકુલ નથી. 🙂

  13. Praveen said,

    April 27, 2010 @ 8:26 AM

    ૪/૨૪ ની મારી નોંધમા, ફરી ફરી કાવ્ય વાંચ્યા બાદ, ઉમેરો કરવાનું મન થાય છે –

    હું મરાઠી તો નથી વાંચી શક્યો કે શકતો, છતાં, અહીં આપેલાં કાવ્યને વાંચીને,
    ખાસ તો શબ્દોની પસંદગી અને ગોઠવણનો આસ્વાદ લીધાં પછી, જરૂર થાય છે કે અનુવાદક બહેનશ્રી અરુણાબેને પણ અદ્ભુત ‘સર્જન’ કર્યું છે. હાર્દિક અભિનંદન !

  14. Harshit Gohil said,

    May 11, 2010 @ 11:56 AM

    અરે ખરેખર સુન્દર રચના …….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment