વિચાર છે કે થઈ જાઉં નિર્વિચાર જરા,
વિચાર પર છે પરંતુ ક્યાં અખ્તિયાર જરા?
વિવેક મનહર ટેલર

બબાલ – કૃષ્ણ દવે

એની રોજે રોજ હોય છે બબાલ.
પરપોટા હાથમાં લઇ હમણાં કહેતો’તો
આની ઊખડતી નથી કેમ છાલ?
એની રોજે રોજ હોય છે બબાલ.

એક’દી તો સુરજની સામે થઇ ગ્યો,
ને પછી નોંધાવી એફ. આઇ.આર.
શું કહું સાહેબ ! આણે ઘાયલ કરી છે,
મારી કેટલી યે મીટ્ઠી સવાર.
ધારદાર કિરણોને દેખાડી દેખાડી,
લૂંટે છે મોંઘેરો માલ.
એની રોજે રોજ હોય છે બબાલ.

એક’દી તો દોડતો ઇ હાઇકોર્ટ ગ્યેલો,
ને જઇને વકીલને ઇ ક્યે:
ચકલી ને ચકલો તો માળો બાંધે છે,
હવે તાત્કાલિક લાવી દ્યો સ્ટે.
બેસવા દીધું ને એમાં એવું માને છે,
જાણે બાપાની હોય ના દિવાલ?
એની રોજે રોજ હોય છે બબાલ.

એક’દી જુવાનજોધ ઝાડવાને કીધું,
કે માંડ્યા છે શેના આ ખેલ?
બાજુના ફળિયેથી ઊંચી થઇ આજકાલ,
જુએ છે કેમ ઓલી વેલ?
શેની ફૂટે છે આમ લીલીછમ કૂંપળ,
ને ઊઘડે છે ફૂલ કેમ લાલ?
એની રોજે રોજ હોય છે બબાલ

– કૃષ્ણ દવે

મારા પ્રિય કવિની કવિતા ફરી એક વાર અહીં રજુ કરુ છું. પ્રકૃતિનાં તત્વોના સુભગ દર્શનો તો અગણિત લખાયાં છે. પણ આ કવિની દ્રષ્ટિ કાંઇક જુદાજ મિજાજની છે.આ રીતે પણ આપણે આ સૌને જોઇ શકીએ!

પરોક્ષ રીતે કવિનો આક્રોશ છે કે, આપણે આધુનિકતામાં અને જીવનસંઘર્ષમાં પ્રકૃતિના તત્વોને જોવાની દૃષ્ટિ ખોઇ બેઠા છીયે. બધાની સાથે તકરાર કરવાની માણસની રીત પર પણ કવિનો આ વેધક કટાક્ષ દિલ પર અસર તો કરી જાય છે- અને તેય કેટલી બધી હળવાશથી ?

આ કવિને પૂરા માણવા હોય તો તેમની કૃતિ ‘વાંસલડી ડોટ કોમ’ વાંચશો.

4 Comments »

  1. હરીશ દવે said,

    October 7, 2006 @ 2:40 AM

    કૃષ્ણ દવેના મધભર્યા શબ્દો મીઠા ઝાટકા મારે છે. તેમની કવિતા તમને ચાબખો મારે એવી હળવાશથી કે ઝખમ ન થાય, છતાં સમસમાવી જાય. સમજ પણ ન પડે કે હસવું કે મોઢું વકાસવું.

    સુસ્ત સમાજમાં જાન ફૂંકી શકવાની તાકાત ઓછા કવિઓમાં હોય છે. ભાઈ કૃષ્ણ દવે તેમાંથી એક છે. …. હરીશ દવે

  2. VITTHAL SHIROYA said,

    October 7, 2006 @ 3:00 PM

    આ જ કવિનું એક બીજુ કાવ્ય

    ધગધગતા સુરજની સાથે, બળબળતી રેતીની આંખે
    મારે ખળખળ વહેવું છે, બોલો બાપુ, શું કહેવું છે?

    જળની ઐસીતૈસી બંદા બાવળની મસ્તીથી ઊગે,
    સ્થળની ઐસીતૈસી બંદા હવા બનીને સઘળે પૂગે,
    એકી શ્વાસે બંદાને આખાય વિશ્વને,
    પળભરમાં ચાહી લેવું છે, બોલો બાપુ, શું કહેવું છે?

    આ કાવ્ય અધુરુ છે. શક્ય હોય તો પુર્ણ કરવા વિનંતી.

  3. vihang vyas said,

    October 12, 2006 @ 3:23 AM

    લયસ્તરો ને મારી શુભ્કામના

  4. ચિરાગ ઠાકર said,

    December 26, 2021 @ 11:28 AM

    “બબાલ” કવિતા વર્ષો પહેલાં ગુજરાતી ચેનલ પર એક કવિ સંમેલન માં રાજુ કરી હતી જે સંમેલનમાં શ્યામલ મુનશી,તુષાર શુક્લ, રઈશ મનિયાર,નૈમેશ ઠાકર જેવા કવિઓ પણ હતાં.. એની કોઈ લિંક મુકો તો સારું

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment