રમેશ, ભાગ જલદી ભાગ, કોરા કાગળમાં
સમયનું ઝેર ચડ્યું છે, ઉતારવું પડશે.
રમેશ પારેખ

હવે – નિરંજન યાજ્ઞિક

ક્યાંક હળવું ક્યાંક મળવું ક્યાંક ઝળહળવું હવે
ક્યાંક ભીની રેતીમાં પગલાંનું ટળવળવું હવે

ક્યારનાં ટાંપી રહ્યાં શબ્દોને માટે ટેરવાં
ક્યાંક લીલા તૃણનું પથ્થર જેમ પાંગરવું હવે…

દૂર ટીંબે સૂર્યના કિરણોનું ડોકાવું જરા
પ્હાડમાં પથરાયેલા ધુમ્મસનું ઓગળવું હવે…

એક બાજુ હાથની નિસ્તેજ આંખો તગતગે
એક બાજુ શબ્દનું બેફામ વિસ્તરવું હવે…

રોજ ઘરની ચાર ભીંતોને ઉદાસી ઘેરતી
રોજ અવસાદી સ્વરોનું ઉંબરે ઢળવું હવે…

– નિરંજન યાજ્ઞિક

અભાવના અનુભવની, ઘેરા રંગને ઘુંટતી ગઝલ.

9 Comments »

  1. ઊર્મિ said,

    February 1, 2010 @ 10:46 PM

    મત્લાથી શરૂ થયેલી ક્યાંક ક્યાંક હળવા-મળવા-ઝળહળવાની વાત છેવટે અવસાદી સ્વરો બનીને ઉંબરે ઢળી પડી… વાહ… અભાવની અદભૂત અભિવ્યક્તિ.

  2. Viren Patel said,

    February 1, 2010 @ 11:36 PM

    ઘડપણ માટે લાગુ પાડીએ તો નવી રીતે સમજાય એવી સુન્દર અને સરળ ગઝલ.

  3. ડૉ.મહેશ રાવલ said,

    February 2, 2010 @ 12:01 AM

    કવિશ્રીએ એકસાથે અનેક કલ્પનોને ઉજાગર કર્યા …..
    આ વાત વધુ સ્પર્શી ગઈ,
    દૂર ટીંબે સૂર્યના કિરણોનું ડોકાવું જરા
    પ્હાડમાં પથરાયેલા ધુમ્મસનું ઓગળવું હવે…

  4. PRADIP SHETH. BHAVNAGAR said,

    February 2, 2010 @ 12:59 AM

    કઇંક આવાજ ભાવની રચના………

    એક ટહુકો સાંભરે ભીનાશ મારામાં ઊગે,
    રોજ સાંજે થોરની લીલાશ મારામાં ઊગે.

    એક દરિયો યાદનો ટોળેવળે ટોળેવળે,
    રેત ભીના આંસુની ખારાશ મારામાં ઊગે.

    તું અચાનક આવવાની વાત વાગોળ્યા કરું
    સાવ અંગત સ્વપ્નનો અજવાસ મારામાં ઊગે.

    આઇનાનો ઓરડો એકાંત લઇને ખળભળે,
    સાવ સુની રાતનું આકાશ મારામાં ઊગે.

    મૌન પડઘાયા કરે ચારે દિવાલોમાં સતત,
    કેનવાસી રંગના નિશ્વાસ મારામાં ઊગે.

  5. વિવેક said,

    February 2, 2010 @ 2:08 AM

    ગઝલોના અડાબીડ જંગલમાં પોતાનો અવાજ લુપ્ત ન થઈ જાય એવા તારસ્વરે “ચીખતી” ગઝલ…

  6. Pinki said,

    February 2, 2010 @ 3:47 AM

    વાહ…. સરસ ગઝલ !

    દૂર ટીંબે સૂર્યના કિરણોનું ડોકાવું જરા
    પ્હાડમાં પથરાયેલા ધુમ્મસનું ઓગળવું હવે…

    એક બાજુ હાથની નિસ્તેજ આંખો તગતગે
    એક બાજુ શબ્દનું બેફામ વિસ્તરવું હવે…

    વિચારોનાં ગોધણ.. પણ ગોવાળિયો ક્યાં ?!

  7. dhaval soni said,

    February 2, 2010 @ 6:00 AM

    ખુબ સુન્દર ગઝલ…..

    એક છેલ્લી કડી હું અહી ઊમેરવાની ગુસ્તાખી કરુ છુ,,

    કોરા કાગળ પર આસુંની નદી બનાવી
    કલમ માંથી કવિતા જેમ સળવળવુ હવે….

  8. સુનીલ શાહ said,

    February 2, 2010 @ 11:53 AM

    ઉદાસ, નિસ્તેજ મન શબ્દની પાંખે ઉડે ત્યારે રચાય છે આવી ગઝલ…!

  9. pragnaju said,

    February 10, 2010 @ 1:16 AM

    એક બાજુ હાથની નિસ્તેજ આંખો તગતગે
    એક બાજુ શબ્દનું બેફામ વિસ્તરવું હવે…

    રોજ ઘરની ચાર ભીંતોને ઉદાસી ઘેરતી
    રોજ અવસાદી સ્વરોનું ઉંબરે ઢળવું હવે…

    વાહ્

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment