રૂબરૂ જે પળે હોય છે,
શ્વાસ ઉપરતળે હોય છે.
રશીદ મીર

એકલો જાને રે – રવીન્દ્રનાથ ઠાકુર

તારી જો હાક સૂણી કોઈ ના આવે, તો એકલો જાને રે !
એકલો જાને, એકલો જાને, એકલો જાને રે ! – તારી જો …

જો સૌનાં મ્હોં શીવાય,
ઓ રે ઓ રે ઓ અભાગી ! સૌનાં મ્હોં શીવાય,
જયારે સૌએ બેસે મ્હોં ફેરવી, સૌએ ફરી જાય,
ત્યારે હૈયું ખોલી, અરે તું મ્હોં મૂકી, 
તારા મનનું ગાણું, એકલો ગાને રે ! – તારી જો …  

જો સૌએ પાછાં જાય,
ઓ રે ઓ રે ઓ અભાગી ! સૌએ પાછાં જાય,
જયારે રણવગડે નીસરવા ટાણે, સૌ ખૂણે સંતાય,
ત્યારે કાંટા રાને, તું લોહી નીકળતે ચરણે
ભાઈ  એકલો ધા ને રે ! – તારી જો …

જ્યારે દીવો ના ધરે કોઈ,
ઓ રે ઓ રે ઓ અભાગી  ! દીવો ના ધરે કોઈ,
જયારે ઘનઘોર તુફાની રાતે બાર વાસે તને જોઈ,
ત્યારે આભની વીજે સળગી જઈ,
સૌનો દીવો તું એકલો થાને રે !

– રવીન્દ્રનાથ ઠાકુર
( અનુવાદ – મહાદેવભાઈ દેસાઈ )

ગાયક : ભાઈલાલભાઈ શાહ
(આભાર: મેહુલ શાહ)

[audio:http://dhavalshah.com/audio/TariJohak.MP3]

મૂળ બંગાળી રવિન્દ્રનાથના સંગીત સાથે :
ગાયક : કિશોરકુમાર

[audio:http://dhavalshah.com/audio/EkloJane.mp3]

રવિબાબુનું આ કાવ્ય અનિવાર્ય રીતે આકર્ષક છે. શબ્દો કોમળ છે અને દરેક પંક્તિ માં રવીન્દ્રનાથ છલકે છે. અર્થ સ્પષ્ટ છે – મનચાહ્યો  સંગાથ હોવો તો ઘણી સારી વાત છે જ,પરંતુ જયારે આપણે વણખેડાયેલા અથવા જોખમી માર્ગે ધપીએ છીએ ત્યારે સંગાથનો અભાવ આપણા પગની બેડી ન બની જાય તે કાળજી આવશ્યક છે. બાહ્યયાત્રા માટે આ વાત જેટલી સાચી છે તેટલી જ તે અંતરયાત્રા માટે પણ સાચી છે. સાથ ન દેનાર માટે આ કાવ્ય માં કોઈ કટુતા નથી તે આ કાવ્ય ની સુંદરતા છે. 

મૂળ બંગાળીમાં લખાયેલા ગીતનો અનુવાદ પણ ધ્યાનાકર્ષક છે. ગાંધીજી ની વિશેષ પ્રીતિ ને પામેલું આ ગીત Robert Frost ના કાવ્ય – Road  less traveled ની યાદ અપાવે છે.

7 Comments »

 1. ઊર્મિ said,

  January 10, 2010 @ 8:41 pm

  મને ઘણું ગમતું ખૂબ જ મજાનુ ગીત… બંને ભાષાઓમાં સાંભળવાની મજા આવી ગઈ.

  બંગાળી આવૃત્તિઃ શ્રેયા ઘોસલનાં અવાજમાં પણ…
  http://www.youtube.com/watch?v=yPqdlR_X1Vk

  હિન્દી આવૃત્તિઃ
  તેરી આવાઝ પે કોઈ ના આયે, તો ફિર ચલ અકેલા રે…
  (થોડા બંગાળી મિશ્રણ સાથે તો આ ખૂબ જ મસ્ત લાગે છે… )

 2. Pinki said,

  January 11, 2010 @ 12:03 am

  સરસ ગીત… !
  ભાઈલાલભાઈએ જ આ ગીત ગાતાં શીખવાડેલું એટલે,
  તેમના અવાજમાં સાંભળવાનો આનંદ અનેરો જ હોય.

  આ ગીત ગાંધીજીને પ્રિય તો હતું જ… પણ ખરેખર તો રવીન્દ્રનાથ ટાગોરે આ ગીત તેમને ઉદ્દેશીને જ લખેલું. ૧૨ માર્ચ ૧૯૩૦નાં રોજ સાબરમતી આશ્રમથી દાંડીયાત્રા શરુ કરી તે પ્રસંગને અનુલક્ષીને આ ગીતની રચના કરેલી. ટાગોરે પોતેજ અંગ્રેજીમાં પણ આ ગીતનો અનુવાદ કર્યો છે.
  http://webmehfil.com/?p=809

 3. મિહિર જાડેજા said,

  January 11, 2010 @ 12:21 am

  વર્ષો પહેલા બાળપણમાં સ્વતંત્રતા દિવસે એક વાર સાંભળેલુ આ બંગાળી ગીત તરત જ મનમાં વસી ગયું હતું. બંગાળીભાષાની અને ખાસ કરીને રવિંદ્રસંગીતની મીઠાશ ગીતમાં ભારોભાર છે. તિર્થેશભાઈ અને ઊર્મિબહેનનો ખુબ ખુબ આભાર.

 4. વિવેક said,

  January 11, 2010 @ 1:32 am

  ‘લયસ્તરો’ની ટીમમાં બિલ્લી પગલે પ્રવેશેલા તીર્થેશનું હાર્દિક સ્વાગત છે…

  ઑલ ધ બેસ્ટ, તીર્થેશ !

 5. Girish Parikh said,

  January 11, 2010 @ 11:14 am

  જયારે ઘનઘોર તુફાની રાતે બાર વાસે તને જોઈ,
  ત્યારે આભની વીજે સળગી જઈ,
  સૌનો દીવો તું એકલો થાને રે !

  ઉપરની પક્તિઓ વાંચતાં આદિલનો નીચેનો શેર યાદ આવ્યોઃ

  આ સઘન અંધકારની વચ્ચે
  કોડિયું થૈ અને બળી જઈએ

  – – ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા E-mail: girish116@yahoo.com
  ગિરીશનું સર્જાતું જતું પુસ્તકઃ “આદિલની ગઝલોનો આનંદ”

 6. pragnaju said,

  January 16, 2010 @ 12:52 pm

  ખૂબ સુંદર રચના મધુર ગાયકીમા…

  અ દ ભૂ ત

 7. komal said,

  May 31, 2014 @ 10:20 pm

  તમારો આભાર………….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment