પગમાં યદિ ન હોય જો સ્વપ્નોના પગરખાં,
રસ્તા ઊઠીને બોલશે, વ્યવધાન બનીશું.
વિવેક ટેલર

બિન્ધાસ્ત નિમંત્રણ – ‘અગમ’ પાલનપુરી

‘આવ’ ! …કીધે શું આવવું ? પ્રિયે !
વણ કીધે પણ આવ;
સાવ અચાનક ક્ષણનો અધધ…
માણિએ ઉભય લ્હાવ !

બહારથી ભરું બાથ મને હું
ભીતરે પહોળે હાથ;
સાવ ખાલીખમ ઓરડે ભર્યો –
ભાદર્યો તારો સાથ !
બારણું વાખું જગ મલાજે…
બારીએ ધીરું ફાવ;
‘આવ’ ! …કીધે શું આવવું? પ્રિયે !
વણ કીધે પણ આવ !

દીવડે સૂના આયખે બળ્યું…
ઝળહળાટ્યું જોર;
હાલતી રાગે મ્હાલતી રતે
શ્યામ તો ચારેકોર !
તલસાટોનું સુરમઇ કળણ
ઊજવે મિલન સાવ;
‘આવ’ ! …કીધે શું આવવું? પ્રિયે !
વણ કીધે ઝટ આવ !

-‘અગમ’ પાલનપુરી

પ્રિયજન વગર કહ્યે આવી ટપકે એની જે મજા છે એ આ ‘બિન્ધાસ્ત નિમંત્રણ’ના શબ્દ-શબ્દે દ્રષ્ટિગોચર થાય છે. ભીતરનો ઓરડો તો સાવ ખાલીખમ છે, એ તો પ્રિયાના આવવાથી જ ભર્યો-ભાદર્યો થાય ને ! દુનિયાની લાજે બારણું તો વાસ્યું છે, પણ મારા દિલની બારી તો સદા ખુલ્લી જ છે ને ! પરંતુ બીજા ફકરામાં કવિએ જે વાત કરી છે એ વિચારણા માંગી લે છે. મને જે ‘અગમ’ લાગ્યું છે, એ વિશે મિત્રોનું શું કહેવું છે?

(મલાજે = મર્યાદા, અદબ/રત = ઋતુ, આસક્ત/સુરમઈ = કાજળયુક્ત)

3 Comments »

 1. Jayshree said,

  July 8, 2006 @ 4:16 pm

  સરસ રચના છે.

  સાવ ખાલીખમ ઓરડે ભર્યો –
  ભાદર્યો તારો સાથ !

  શબ્દોનું અર્થઘટન કરતા વધારે તો નથી આવડતું, પર્ંતુ બીજા ફકરામાં ” હાલતી રાગે મ્હાલતી રતે શ્યામ તો ચારેકોર ! ” વાંચીને આવું કંઇ યાદ આવ્યું.

  દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,
  શૂન્યમાં શબ્દ થઇ વેદ વાસે

 2. Suresh Jani said,

  July 8, 2006 @ 5:03 pm

  મને પણ વાંચતાં મુંઝવણ તો થઇ જ. ચોક્કસ આ સ્ત્રી પુરૂષના સંબંધથી કંઇક વિશેષ વાત તો છે જ.
  બહારથી ભરું બાથ મને હું – પ્રથમ નજરે વિચિત્ર લાગે છે. કવિએ કદાચ એમ તો નહીં વિચાર્યું હોય કે, આપણી જાત સાથેનો લગાવ. મમત્વ, સજ્જડ બાથ બહારથી તો સખત છે. પણ અંતરદર્શી કવિના હાથ ભીતરમાં તો સાવ પહોળા છે. ત્યાં તે પોતાના સજનને કે પોતાની જાતને ( બે ય એક જ છે તે જાણવા છતાં ) બાથ ભરી શકતો નથી. અંતરના એ ઓરડામાં એ સજન તેની સાથે જ રહે છે. એનો સાથ જરૂર છે પરંતુ તે આટલા નાના ઓરડામાં છે તો પણ, પકડાતો નથી. એ ઓરડાનું બારણું – આપણા અહમ્ ને કારણે, આપણા આ દિવાનાપન માટે લોક શું કહેશે તેવી લાજને કારણે – આપણે બંધ જ કરી દીધું છે. પણ એટલી આશાયેશ કવિ લે છે, કે એક બારી – થોડી ઘણી દૃષ્ટિ આપતી બારી – થોડીક ખુલ્લી તો છે. મારાં બારણાં તો મેં વાખી દીધા છે. પણ વગર બોલાવ્યે, આ બારણા બંધ જ છે તો પણ હે, સજન! તું આવ.
  મને આવું જણાય છે. વળી થાય છે કે આમ ગદ્યમાં જ સ્પષ્ટ રીતે કવિ કહેતા હોત તો કેવું સારું થાત ? !! આ ગણિતના કોયડા જેવા પ્રશ્નો શીદને નાહક ખડા કરતા હશે ? !!

 3. manvant said,

  July 11, 2006 @ 11:04 pm

  પધારો એમ કહેવાથી,પધારે તે પધાર્યા ના:
  અનાદર પ્રેમને શાનો ? નિમંત્રણ પ્રેમીને શાનાં ?
  પ્રેમ છુપાયા ના છુપે,જા ઘટ પરઘટ હોય:
  જો મુખપે બોલે નહીં નૈન દેતહૈ રોય !
  કવ્ય સરસ છે ! અભિનંદન !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment