પ્રશ્ન હજ્જારો ઊભ્ભા મોલ સમા ઊગી આવ્યા’તા મારી આંખોમાં,
આપે પાંપણ જરાક ઊઠાવી, ડૂબ્યા સૌ સામટા જળાશયમાં.
વિવેક ટેલર

ધરતીના સાદ – નાથાલાલ દવે

એવા આવે છે ધરતીના સાદ રે… હાલો ભેરુ ! ગામડે.
ભીની માટીની ગંધ આવે યાદ રે… હાલો ભેરુ ! ગામડે.

બોલાવે આજ એનાં ખુલ્લાં આકાશ,
મીઠા પરોઢના અલબેલા ઉજાસ,
ઘેરા ઘમ્મર વલોણાના નાદ રે… હાલો ભેરુ !

ચારીશું ગાવલડી ડુંગરના ઢાળે,
બાંધીશું હીંચકો વડલાની ડાળે,
મોર ગહેકે જ્યાં સરવરની પાળ રે… હાલો ભેરુ !

ગાઓ રે બંધવા ! ગામડાંનાં ગીત,
યાદ કરો ભોળુડાં માનવીની પ્રીત,
જાણે જિંદગીનાં મીઠાં નવનીત રે… હાલો ભેરુ !

ખૂંદવાને સીમ ભાઈ ! ખેડવાને ખેતરો,
ભારતના ભાવિનાં કરવા વાવેતરો,
હે જી કરવા માભોમને આબાદ રે… હાલો ભેરુ !

– નાથાલાલ દવે

સાચું ભારત તો એના ગામડાંઓમાં વસે છે પણ એ તો જેણે ગામડાંને જાણ્યું-માણ્યું હોય એ જ સમજી શકે.  આજે આધુનીકરણના બિલ્લીપગલે થતા સંક્રમણના પગલે ગામડાંઓ ઝડપથી ભુંસાવા માંડ્યા છે પણ કવિએ અહીં ગામડાંનું જે શબ્દચિત્ર દોર્યું છે અને પોતાનો અદમ્ય ગ્રામ્યજીવન પ્રેમ તાદૃશ કર્યો છે એ અજરામર છે…

5 Comments »

 1. Girish Parikh said,

  December 24, 2009 @ 11:01 am

  આજ્ ભલેને તારી હોડી
  મજલ કાપતી થોડી થોડી,
  યત્ન હશે તો વહેલી મોડી,
  એ જ ઊતરશે પાર,
  ખલાસી! માર હલેસાં માર.
  –ગની દહીંવાલા
  ‘લયસ્તરો’ પર આવતાં જ નવું કાવ્ય નજરે પડે એ પહેલાં એની ઉપરની ગની દહીંવાલાની પંક્તિઓ ઉપર નજર પડી અને મારી હોડીને હલસાં મારી આગળ લઈ જવાની પ્રેરણા મળી. (મુખ્ય કાવ્યો વગરે ઉપર આવતી બદલાતી જતી પંક્તિઓની પસંદગી પણ દાદ માગી લે છે.)
  ગની દહીંવાલાની પંક્તિઓ વાંચતાં ફિલ્મ ‘નાસ્તિક’ના પ્રદીપજીના ગીતની પંક્તિઓ યાદ આવીઃ
  હિંમત ન હાર
  પ્રભુકો પુકાર
  વો હી તેરી નૈયા
  લગાએગા પાર.

 2. Girish Parikh said,

  December 24, 2009 @ 11:33 am

  આ ગામડાનું ગીત છે –
  નવનીત છે.
  –ગિરીશ પરીખ

 3. ધવલ said,

  December 24, 2009 @ 1:46 pm

  સરસ મઝાનું ગીત !

 4. sudhir patel said,

  December 24, 2009 @ 5:38 pm

  ભાવનગરના કવિશ્રી નાથાલાલ દવેનું ખૂબ જ સુંદર માટીની મહેકથી મઘમઘતું ગીત!
  સુધીર પટેલ.

 5. pragnaju said,

  December 24, 2009 @ 11:34 pm

  આપણા ગ્રામ્ય પ્રદેશની મહેંકનુ ભાવભર્યું ગીત
  ગાઓ રે બંધવા ! ગામડાંનાં ગીત,
  યાદ કરો ભોળુડાં માનવીની પ્રીત,
  જાણે જિંદગીનાં મીઠાં નવનીત રે… હાલો ભેરુ !

  ખૂંદવાને સીમ ભાઈ ! ખેડવાને ખેતરો,
  ભારતના ભાવિનાં કરવા વાવેતરો,
  હે જી કરવા માભોમને આબાદ રે… હાલો ભેરુ !
  ખૂબ સરસ

  શ્રી નાથાલાલભાઈ દવે. તેમણે તેમના જીવનકાળ દરમિયાન વિપુલ સાહિત્યનું સર્જન કરીને ગુજરાતી ભાષાનું ગૌરવ વધાર્યું છે. તેમની આ સાહિત્યસેવા માટે તેમને અનેક સુવર્ણચંદ્રકો અને પારિતોષિકોથી સન્માનવામાં આવ્યા છે. તેમની અનેક કૃતિઓને ‘શ્રેષ્ઠ વાર્તાસંગ્રહ’, ‘શ્રેષ્ઠ નવલિકાસંગ્રહ’, ‘શ્રેષ્ઠ કાવ્યસંગ્રહ’ તરીકે ગુજરાત સરકાર દ્વારા નવાજવામાં આવી છે. માત્ર આટલું જ નહિ, તેમની અનેક કૃતિઓનો પાઠ્યપુસ્તકોમાં સમાવેશ પણ કરવામાં આવ્યો છે. હાલમાં તેમના ઘણા પુસ્તકો અપ્રાપ્ય છે, પરંતુ તેમના પૌત્રી શ્રીમતી કવિતાબેને પાસે આ દુર્લભ પ્રતો છે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment