તારા ગયાના કેટલા મીનિંગ થઈ શકે ?
ઝળહળતો હોય સૂર્ય ને ઇવનિંગ થઈ શકે.
ગિરીશ મકવાણા

યાદગાર ગીતો :૦૨: એક જ દે ચિનગારી – હરિહર ભટ્ટ

એક જ દે ચિનગારી, મહાનલ !
.                          એક જ દે ચિનગારી.

ચકમક  લોઢું  ઘસતાં ઘસતાં
.                          ખરચી  જિંદગી સારી;
જામગરીમાં તણખો ન પડ્યો,
.                          ન ફળી મહેનત મારી… મહાનલ0

ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો,
.                         સળગી  આભ અટારી;
ના સળગી એક સગડી મારી,
.                        વાત  વિપતની ભારી… મહાનલ0

ઠંડીમાં   મુજ   કાયા   થથરે,
.                      ખૂટી    ધીરજ   મારી
વિશ્વાનલ ! હું અધિક ન માગું,
.                      માગું એક ચિનગારી… મહાનલ0

-હરિહર ભટ્ટ

(જન્મ: ૦૧-૦૫-૧૮૯૫, મૃત્યુ: ૧૦-૦૩-૧૯૭૮)

સંગીત : આશિત દેસાઈ
સ્વર :  હેમા અને આશિત દેસાઈ

[audio:http://urmisaagar.com/saagar/audio/ek-j-de-chinagari.mp3]

સૌરાષ્ટ્રના જાળીલા ગામે જન્મેલા અને અમદાવાદમાં વસેલા કવિનો અભ્યાસ બી.એ. સુધીનો અને કાર્ય અધ્યાપનનું. જ્યોતિષશાસ્ત્રના પણ અધ્યાપક. વર્ષો સુધી સંદેશના પ્રત્યક્ષ પંચાંગના મુખ્ય સંપાદક. અમદાવાદની વેધશાળાના પુરસ્કર્તા અને નિયામક પણ ખરા.  એમની કવિતાઓમાં ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા, વતન માટેનો પ્રેમ અને ગાંધી મૂલ્યોનો આદર છલકાતો જોવા મળે છે. (કાવ્યસંગ્રહો: ‘હૃદયરંગ’, ‘હૃદયનૃત્ય’, બંનેનું સંકલન-  ‘એક જ દે ચિનગારી’)

ગુજરાતી ભાષાનું સર્વકાલિન શ્રેષ્ઠ ભક્તિગીત કહી શકાય એવા આ એકમાત્ર ગીતે કવિને અમરત્વ બક્ષ્યું છે. આખી જિંદગી આપણે નાસભાગમાં ને આજીવિકા રળવાની મહેનતમાં ખર્ચી નાંખીએ છીએ પણ આપણી અંદર સળગીને પ્રકાશિત થવા તૈયાર જે જામગરી પડી છે એ સળગે છે કે નહીં એ જોવા થોભતા નથી. વિશ્વ આખામાં ઈશ્વરના નામનો પ્રકાશ પથરાયેલો છે, એક આપણી જ સગડી આગ વિનાની છે. દુનિયાની આ હાડમારીથી હવે કાયા ધ્રુજી ઊઠી છે અને ધીરજનું પણ નાકું આવી ગયું છે… આવી ક્ષણે કવિનો સાચો ભક્ત-વિવેક પ્રગટ થાય છે અને ભજનને કવિતાનું માન મળે છે. કવિ વિશ્વાનલ પાસે માંગી-માંગીને એક ચિનગારીથી વિશેષ કંઈ જ નથી માંગતા.. સળગવાની ને પ્રકાશવાની સામગ્રી તો માંહ્ય ભરી જ છે… માંગણીનો સંતોષ એ આ કવિતાનો મુખ્ય પ્રાણ છે…

8 Comments »

 1. Viren Patel said,

  December 5, 2009 @ 2:21 am

  Nava swarup ma’Layastrao’ nu readability star unchu aavyu chhe.
  Atyarni ratna Kanika maa Gani Dahiwala ni kanika muki chhe.
  Tema “Pawan na jaye GAGAN sudhi” nahi, ” Pawan na jaye AGAN sudhi” joyie.

 2. nilam doshi said,

  December 5, 2009 @ 3:23 am

  ,મારી અતિ પ્રિય પ્રાર્થના…આજે પણ રોજ ગાઉં છું…

 3. pragnaju said,

  December 5, 2009 @ 5:04 am

  આતો હજુ સુધી ટકી રહેલી અમારી પ્રાર્થના
  ભિન્ન ગાયકીમા વધુ આનંદ થયો

 4. Monal said,

  December 5, 2009 @ 8:55 am

  શાળામાં ખુબ સાંભળેલુ સરસ ગીત!

 5. sudhir patel said,

  December 5, 2009 @ 12:12 pm

  ગીતોત્સવના આરંભે પ્રથમ પસંદગી જ અનુપમ છે.
  અદભૂત પ્રાર્થના-ગીત, જેના શબ્દો ‘એક જ દે ચિનગારી’ , ‘સળગી આભ અટારી’ અને ‘વિશ્વાનલ!’
  હૃદયને પુલકીત અને પ્રકાશિત કરવા માટે પર્યાપ્ત છે!
  વિવેકભાઈને અભિનંદન અને આભાર.
  સુધીર પટેલ.

 6. sudhir patel said,

  December 5, 2009 @ 12:41 pm

  શરતચૂકથી ઉપરના પ્રતિભાવમાં ‘પ્રથમ પસંદગી’ લખાયું છે, જે ‘દ્વિતીય પસંદગી’ એમ વાંચવા વિનંતી.
  સુધીર પટેલ.

 7. BB said,

  December 5, 2009 @ 12:46 pm

  Thanks for this prarthana/kavita . It was then and now also most liked . and I appreciate the same old gayaki that Hemaben and Ashishbhai has preserved,which is the tool that takes the lyrics through and through inyour heart. Vivekbhai thanks to u and the Artist too.

 8. Girish Parikh said,

  December 12, 2009 @ 12:40 am

  મારાં સાહિત્ય સંસ્મરણો
  હરિહર ભટ્ટે પ્રાર્થના ગીત ‘એક જ દે ચિનગારી’ નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાના ગીત ‘મંગલ મંદિર ખોલો’ના ઢાળમાં લખેલું. બન્ને ગીતો આપણા સાહિત્યનો અમર વારસો છે.
  ઉમાશંકર જોશીએ ‘અખંડ આનંદ’માં ‘એક જ દે ચિનગારી’નું સુંદર રસદર્શન કરાવેલું.
  હરિહર ભટ્ટની મારી મુલાકાત થઈ નથી પણ વર્ષો પહેલાં એમના મોટા પુત્ર સુબોધ ભટ્ટ અમદાવાદની એલ. ડી. એન્જિનિયરીંગ કોલેજમાં મારી સાથે ભણતા હતા. હું કોલેજના વાર્ષિકનો મુખ્ય તંત્રી તરીકે ચૂંટાયો ત્યારે સુબોધમાં સાહિત્યના (જોકે વાર્ષિકનું કામ જરા જુદી જાતનું હતું!) જીન્સ હશે એમ માનીને એમને તંત્રીમંડળમાં લીધેલા, અને એમણે સારું કામ કરેલું.
  હરિહરભાઈના અમેરિકામાં રહેતા નાના પુત્ર સુધાકરે એમનાં કાવ્યોના સંગ્રહને ફરી પ્રકાશિત કરી પિત્રુતર્પણ કર્યું છે એમ થોડા મહિનાઓ પહેલાં એક બ્લોગ પર વાંચેલું.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment