ચમરબંધ માણસનો ફફડાટ જો,
હતી બંધ મુઠ્ઠી, તે ખોલી જ નૈ.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

ભીંજાવું ચડ્યું ટલ્લે – સંદીપ ભાટિયા

આખું ચોમાસું તેં મોકલ્યું ટપાલમાં ને પરબીડિયું ગયું ગેરવલ્લે
હવે મારું ભીંજાવું ચડ્યું ટલ્લે 

છત્રીને થાય, એક નળિયાને થાય, કોઈ નેવાને થાય એવું થાતું
ખુલ્લા થયા ને તોયે કોરા રહ્યાનૂં શૂળ છાતીમાં ઊંડે ભોંકાતું
વાદળાંની વચ્ચોવચ હોવું ને તોય કદી છાંટા ન પામવા જવલ્લે
હવે મારું ભીંજાવું ચડ્યું ટલ્લે

ભીંજેલા દિવસોને તડકાની ડાળી પર સૂકવવા મળતા જો હોત તો
કલરવનો ડાકિયો દેખાયો હોત કાશ મારુંયે સરનામું ગોતતો
વાછટના વેપલામાં ઝાઝી નહીં બરકત,
ગુંજે ભરો કે ભરો ગલ્લે

હવે મારું ભીંજાવું ચડ્યું ટલ્લે.

– સંદીપ ભાટિયા

જોતા જ ગમી જાય એવા આ ગીતમાં પ્રેમની વાત ભીંજાવાના રુપકથી કરી છે. હવે મારું ભીંજાવું ચડ્યું ટલ્લે એ વાત આમ તો પ્રેમ ન મળવાની વાત છે, છતા ય અહીં એ જરા પણ કડવાશ કે ડંખ વિના આવે છે. કલરવનો ડાકિયો અને વાછટનો વેપાર એવા પ્રયોગો પરાણે મીઠા લાગે એવા છે.

15 Comments »

 1. Suresh said,

  May 28, 2006 @ 1:28 am

  નવી જ ભાતની કવિતા વાંચવા મળી.સંદીપ ભાટિયા વિશે કે તેમની બીજી રચનાઓ વિશે માહીતિ મળી શકશે?

 2. radhika said,

  May 28, 2006 @ 2:30 am

  સાચે જ નવિનત્મ કાવ્ય છે
  મઝા આવી વાંચવાની
  કાવ્યનુ શીર્ષક જ આકર્ષક લાગે છે ” મારું ભીંજાવું ચડ્યું ટલ્લે ”

  એમની આ પ્રકારની બીજી રચનાઓ વીશે માહીતી આપી શકાશે ?

 3. વિવેક said,

  May 28, 2006 @ 2:46 am

  અદભૂત!!!! અદભૂત……

  -વિવેક

 4. ધવલ said,

  May 28, 2006 @ 11:59 am

  હું પણ સંદીપ ભાટિયા વિષે ખાસ જાણતો નથી. મારી માહિતી મુજબ એમનો કોઈ સંગ્રહ હજુ બહાર પડ્યો નથી. એ ઉદયન ઠક્કરની સાથેના કવિ છે. વધારે કદાચ વિવેકને ખબર હશે. વિવેક ?

 5. વિવેક said,

  May 29, 2006 @ 3:29 am

  સંદીપ ભાટિયા વિશે મારી જાણકારી પણ વિશેષ નથી. 1-5-1959 ના રોજ જન્મ. મુંબઈના નિવાસી. ઉદયન ઠક્કર, હિતેન આનંદપરાના મિત્ર. કવિતા સાથે વાર્તા અને નિબંધ પણ લખે છે અને કળાત્મક મુખપૃષ્ઠો પણ કરે છે. કાવ્યસંગ્રહ મોટાભાગે હજી પ્રકાશિત નથી થયો. એમની બીજી રચનામાં રસ હોય તો લયસ્તરો પર આ શનિવારે માણી શકશો…

 6. Siddharth said,

  May 29, 2006 @ 10:30 am

  મજાની કવિતા છે. લયસ્તરોની મજા જ એ છે કે ગુજરાતીના દરેક ખૂણામાંથી કશુક અવનવુ અને ગમે એવુ લાવીને રજૂ કરે છે.

  સિદ્ધાર્થ

 7. Nav-Sudarshak said,

  May 30, 2006 @ 7:49 am

  How enjoyable! ….. Harish Dave

 8. લયસ્તરો » આવ સજનવા - દિલીપ રાવળ said,

  November 3, 2006 @ 11:24 pm

  […] પાણીથી ભીંજાવું એ પ્રેમથી ભીંજાવાનું એક પગથિયું જ હોય એમ અહીં કવિએ વરસાદને ગાયો છે.  ચૈતર ટાઢો ડામ બનીને અંગ અંગને બાળે, / પરસેવે હું રેબઝેબ ને ગામ બધુંયે ભાળે, / રોમરોમમાં ગીત મૂકીશું તું અષાઢને ગાતો લઈને, આવ સજનવા; – પંક્તિઓ બહુ જ સરસ બની છે. ચૈત્રની ગરમીને ટાઢા ડામ જેવી કહીને બહુ સુંદર અસર ઉપજાવી છે. આ સાથે આગળ રજુ કરેલા પ્રેમ-ભીના ‘વરસાદી’ ગીતો માણવાનું રખે ચૂકતા – 1, 2, 3 . […]

 9. લયસ્તરો » (એક પછી એક ખૂલે) - સંદીપ ભાટિયા said,

  February 6, 2008 @ 12:57 am

  […] ગીત થોડું અટપટું છે. પણ બે-ત્રણ વાર વાંચો તો તમને ખ્યાલ આવે કે કવિએ અર્થની કેવી સરસ ગૂંથણી કરી છે. વગડાઉ ફૂલની જેમ રૂંવાડા એક પછી એક ખૂલવાની તો કલ્પના જ કેટલી રોમાંચક છે ! એટલી જ તાજી વાત કવિએ નેજવું થ્યો એક જણમાં પણ કરી છે. આગળ મૂકેલું, આપણા શ્રેષ્ઠ પ્રેમગીતોમાંથી એક એવું, ભીંજાવું ચડ્યું ટલ્લે પણ સાથે જોશો. કવિએ ગીતને કોઈ નામ નથી આપ્યું, એટલે મેં પસંદ કરેલું નામ અહીં કૌંસમાં મૂકેલ છે. […]

 10. Pinki said,

  February 6, 2008 @ 1:17 am

  સંદીપભાઈનું આ વરસાદી ગીત વધુ ભીંજવી ગયું ….!!

 11. BHARAT DESAI said,

  February 7, 2008 @ 12:50 am

  i want to send my ગઝલ how can i ? info. on this e.mail add.. thanks

 12. લયસ્તરો » ચાલ, વરસાદની મોસમ છે… (વર્ષાકાવ્ય મહોત્સવ) said,

  July 13, 2008 @ 6:33 am

  […] આખું ચોમાસું તેં મોકલ્યું ટપાલમાં – સંદીપ ભાટિયા […]

 13. Jayesh Bhatt said,

  July 15, 2008 @ 4:17 am

  આ ચોમાસા મા ભિજાવ નહિ એ ના ચાલે
  પર્બિડિયુ પલાળીને પણ પલળયા હોત તો વધારે મજા આવત
  ખુબ સરસ ગમ્યુ
  જયેશ્

 14. nilamdoshi said,

  July 19, 2008 @ 8:59 am

  આખ્ખે આખ્ખુ કાવ્ય મનને તરબોળ કરી ગયું. અંતરમાં પ્રસન્નતા અર્પી ગયું. ખૂબ સુન્દર …દિલથી માણી શકાયું. શબ્દોના કોઇ પ્રપંચ વિના દિલથી ઉગ્યું હોય તેમ દિલને સીધુ જ સ્પ્રશી ગયું…

  અભિનદન સન્દીપભાઇને અને સુન્દર પસંદગી બદલ ધવલભાઇ..વિવેકભાઇને…

  મારી ડાયરીમાં સ્થાન પામી લીધું આ કાવ્ય એ..

 15. urvashi parekh said,

  June 27, 2009 @ 9:19 pm

  વગર વરસાદે ભીંજાય જવાય તેવુ સરસ ગીત..
  શબ્દો જ નથી અનુભુતી ને વર્ણવવા માટે..
  સરસ…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment