મારા વિશે મને ન હો મારાથી રાવ કંઈ
બીજું શું છે સ્વરાજ કશું જાણતો નથી.
રઈશ મનીઆર

સપ્તપદી વિશેષ: પદ ૩: કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે

M11

(ચિત્ર : નૈનેશ જોશી)

[audio:http://urmisaagar.com/saagar/audio/lagngeet/KesariyoJaanLaavyo.mp3]

કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે…
કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે…

જાનમાં તો આવ્યા મુનશી, માંડવે મૂકાવો ખુરશી,
કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે.

જાનમાં તો આવ્યા મોટા, જળ ભરી લાવો લોટા.
કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે.

જાનણીએ પે’ર્યા અમ્મર, માંડવામાં નથી ઝુમ્મર,
કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે.

જાનમાં તો આવ્યા પારસી, માંડવે મૂકાવો આરસી,
કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે.

જાનમાં તો આવ્યા સિધ્ધી, સિધ્ધી દેખી વેવણ બીધી,
કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે.

જાનમાં તો આવ્યા ગોરા, વેવણ તમે લાવો તોરા,
કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે.

*

માંડવે જાન આવે ત્યારે ગવાતું ફટાણું*… આ ફટાણું મેં એટલું બધું સાંભળ્યું છે કે ન પૂછો વાત. વળી, વરપક્ષ તરફથી આ ફટાણું ગવાય ત્યારે એનો જવાબ આપતું એક ફટાણું કન્યાપક્ષ તરફથી તરત જ ગૂંજી ઊઠે…

આવી શું જાન લાવ્યા, જાન લાવ્યા રે…
આવી શું જાન લાવ્યા, જાન લાવ્યા રે…

માંડવામાં મૂકી ખુરશી, જાનમાં તો નથી મુનશી,
આવી શું જાન લાવ્યા, જાન લાવ્યા રે.

માંડવામાં મૂક્યા લોટા, જાનમાં તો નથી મોટા,
આવી શું જાન લાવ્યા, જાન લાવ્યા રે.

માંડવામાં મૂક્યા તકિયા, જાનમાં તો નથી શેઠિયા,
આવી શું જાન લાવ્યા, જાન લાવ્યા રે.

માંડવામાં મૂકી આરસી, જાનમાં તો નથી પારસી,
આવી શું જાન લાવ્યા, જાન લાવ્યા રે.

*

હવે થશે જાન પ્રસ્થાન… (ત્યારે વરરાજાએ કોઈ હઠ કરી હોય કે ના કરી હોય તોયે એની હઠના ગીતો તો ગવાય જ)… પછી વર ઘોડે ચડે. વરઘોડો એટલે ઈન્દ્રિયોના ઘોડાને અંકુશમાં રાખવા માટેની ચેતવણીનું પ્રથમ પગલું.  પછી માંડવે આવેલાં વરને કન્યાની માતા પોંખવા આવે.  આ વિધિમાં લાકડાનાં બનાવેલા નાના રવઈ, મુશળ, ઘુંસરી અને તરાકથી સાસુ વરરાજાને પોંખેં છે.  રવઈ જીવનને પ્રેમમય બનાવવા માટે મનના તરંગોને વલોવીને મંથન કરીને પ્રેમનું દોહન કરવાનું શીખવે છે.  મુશળ વાસનાઓને ખાંડી નાંખી પ્રેમ પ્રગટાવવાનું શીખવે છે. ઘુંસરી પતિ-પત્નિને શીલ અને સંયમમાં સમાંતર ચાલી જીવન રથને સહકાર અને પ્રેમથી ખેંચી સુખી થવા પ્રેરે છે. તરાક સૂચવે છે કે રેંટિયા જેવા લગ્નજીવનમાં  પતિ-પત્નીરૂપી બે ચક્રો મળીને પ્રેમની દોરી વડે આ તરાક(ચાક)ને બંધાયેલા અને ફરતા રાખે તો જ સ્નેહરૂપી સૂતર નીકળશે.  આમ પોંખવા આવનાર સાસુ વરને માંયરામાં આવતા પહેલા જ સાવધાન કરે છે. અને એનો જવાબ વરરાજા સંપુટને તોડીને આપે છે. સંપૂટ તોડવાની વિધિ દ્વારા વરરાજા સાસુજીને કહે છે કે તમારી ચેતવણી હું સમજ્યો છું પણ મારા એકલાની આશા, ઇચ્છા, અરમાનો પર હું હવે નહિ ચાલું.  એનો અહીં ભાંગીને ભૂક્કો કરૂં છું.  હવેથી અમારા બંનેની આશા, ઇચ્છા અને અરમાનો એક હશે તે પ્રમાણે જ જીવન યાત્રા કરીશું.  આ વિધિમાં સાસુજી દ્વારા જમાઈરાજાનું નાક ખેંચવાની રસમ પણ ખૂબ જ મજાની અને મસ્તીભરી હોય છે.

અને ફટાણાંની લલકાર તો જાન માંડવે આવી ગઈ હોય ત્યારથી જ બંને પક્ષે ચાલુ થઈ ગઈ હોય… ક્યારેક તો બંને પક્ષે રાડો પાડી પાડીને એકબીજાને માટે એવી જોશીલી ને હોંશીલી રીતે ફટાણાં ગવાતા હોય છે કે સાંભળતું કોણ હશે અને સંભળાતું શું હશે- એ જ સવાલ થાય…!

* ફટાણાં એટલે લગ્નમાં ગવાતાં વ્યંગગીતો… લગ્ન એ કદાચ એક જ એવો પ્રસંગ હશે કે જેમાં વર-કન્યા બંને પક્ષો  એકબીજાને અને થનારાં સગાસંબંધીઓને એમના નામસહિત અપમાનજનક શબ્દો ફટાણાંમાં બિંદાસ્ત રીતે કહી શકે છે, અને એ પણ કોઈનેય ખોટું લાગશે કે કેમ- એવા ડર વિના ! 🙂

6 Comments »

 1. pragnaju said,

  November 3, 2009 @ 1:22 am

  ૨૯મી એ મારા ભત્રિજાના લગ્ન માટે
  બધા ગીતો પ્રીન્ટ કરી રાખશું
  પણ મુડ વાતાવરણ જોઈ
  અમારા સમાજના લાયઝનો પાસે
  સેન્સર કરાવી ગાશું!

 2. Kirtikant Purohit said,

  November 3, 2009 @ 6:16 am

  વરરાજા જે ઘોડે ચડ્યા હોય અને જાન જોડી બીજે ગામ પરણવા ગયા હોય તે તો અહિં ખૂબ આનંદ પામશે.

 3. jigar joshi 'prem' said,

  November 3, 2009 @ 8:33 am

  વાહ ! આ ઉમરનો એક નોખો આનંદ માણ્યો…

 4. Maheshchandra Naik said,

  November 3, 2009 @ 5:50 pm

  જાનમા વરસોવરસ સાંભળતા આવ્યા હોવાથી ખુબ જ પરીચિત લગ્નગીતનો આનંદ પ્રાપ્ત થયો, આભાર અન ગીતની પંસદગી માટે આભાર્……

 5. Rohit Darji said,

  November 6, 2009 @ 12:30 pm

  આ બધો આનન્દ અહી જ લેવો પડેછે, કારણકે હવે તો આજનિ સ્ત્રિઓને ફટાણા એટલે શુ તેજ ખબર નથિ
  કોઇ ના લગ્નમા બેઠા હોઈએ તેવુ લાગેછે

 6. Cyrus said,

  November 12, 2009 @ 12:16 pm

  I have many Parsi Marraige songs, which is just like ‘fatana’ comedy songs. If you publish on this web, it will great honour to Parsi Community which really dissolve in milk like sugar.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment