દીવાલે દીવાલે લગાવ્યાં છે ચિત્રો,
છતાં ઘર હજી કેમ લાગે છે ખાલી.
કાલિન્દી પરીખ

(કોરો કાગળ) -મેઘબિન્દુ

નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ,
ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે લખીએ કયાંથી કાગળ !

સુખની ઘટના લખું તમોને ત્યાં દુ:ખ કલમને રોકે,
દુ:ખની ઘટના લખવા જાઉં ત્યાં હૈયું હાથને રોકે;
છેકાછેકી કરતાં કરતાં પૂરો થઈ ગયો કાગળ,
નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ.

અમે તમારાં અરમાનોને ઉમંગથી શણગાર્યા,
અમે તમારાં સપનાંઓને અંધારે અજવાળ્યાં;
તોય તમારી ઈચ્છા મુજથી દોડે આગળ આગળ,
ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે લખીએ કયાંથી કાગળ !

-મેઘબિન્દુ

મુંબઈમાં- મુલુંડમાં રહેતાં કવિ ‘મેઘબિન્દુ’નું આખું નામ મેઘજી ખટાઉ ડોડેયા (જ.તા. – ૧૯૪૧).  વાંચ્યું છે કે એમની કવિતાનું મૂળ એમની અંગત સંવેદનામાં છે. જ્યારે પ્રિયજનને કાગળ લખવા બેસીએ ત્યારે ઘણીયે વાર લખવાનું ઘણું બધું હોય, પણ તોયે જયાં કાગળ લખવાની શરૂઆત કરીએ ત્યાં તો શું લખવું, શું ના લખવું- ની વિમાસણમાં ડૂબી જવાય છે… અને એ વિમાસણમાં ને વિમાસણમાં જેમાં આખું હૈયું ઠાલવવાનું હોય છે એ કાગળ સાવ અધૂરો જ રહે છે… ઝળઝળિયાંથી આગળ તો જઈ જ નથી શકતું…!  આ સુંદર ગીતનો દિવ્ય ભાસ્કરની હયાતીનાં અક્ષર કોલમમાં આવેલો આસ્વાદ સુ.દ.નાં શબ્દોમાં અહીં વાંચો.

કવિશ્રીનાં કાવ્યસંગ્રહો : સંબંધ તો આકાશ, દરિયો, વિસ્મય

17 Comments »

 1. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

  October 27, 2009 @ 10:11 am

  ભાઈ અમે તો લખી લખીને બહુ થાક્યા, કાગળ.
  કોરા કાગળ ઉપર અક્ષર વધતા આગળ આગળ.
  લખ્યું વાંચીને,ભૂંસી ભૂંસીને,જાતાં પાછળ પાછળ.
  બિંદુ એક વરસી,પાછું વિસ્મય,બની જાતું વાદળ.

 2. Dr.J.K.Nanavati said,

  October 27, 2009 @ 11:06 am

  કોરા કાગળમાં મારૂં મૌન ઉમેરી દઉં…???

  લખ્યો કાગળ મે મૌનની જબાનમાં,
  એને ઉકલી જાજે તું તારી સાનમાં….
  લખ્યો કાગળ મે મૌનની જબાનમાં…..

  સંબોધી સુરજના પહેલા કિરણોથી
  લીધાં ઉગતી ઉષાના ઓવરણા,
  જતમાં લખવાનું કે, તું ઝાકળ ભિનાશ
  તને ઝુલાવે કૂંપળના પારણા,
  પછી પંખીડા ગાય તારા કાનમાં……
  લખ્યો કાગળ મે મૌનની જબાનમાં…..

  વાવડમાં વરસાદી વાદળ બિડ્યાં ને
  બિડ્યાં યાદ કેરા કંકુ ને ચોખા,
  છતરીયે હોય છતાં ભિંજાવું હોય
  એવા મોકલું છું ઓરતા અનોખાં,
  સાવ નીતરતી રહેજે તું તાનમાં……
  લખ્યો કાગળ મે મૌનની જબાનમાં…..

  ગમતાં કેસુડા તણાં રંગ તમે પૂરજો
  ને કોરાં કાગળને ઊજાળજો,
  પરબિડીયે ચોંટાડ્યું સરનામુ ’હેત’
  એને હળવેથી હૈયે સંભાળજો,
  તારો લિખીતંગ નથી હું હવે ભાનમા…..
  લખ્યો કાગળ મે મૌનની જબાનમાં….

  ડો. નાણાવટી…..

 3. Kirtikant Purohit said,

  October 27, 2009 @ 11:24 am

  કવિની સુઁદર કવિતા અને ડો. નાનાવટીનુઁ કાવ્ય બન્ને વાઁચવાની મઝા પડી,વાહ!

 4. manharmody ('મન' પાલનપુરી) said,

  October 27, 2009 @ 12:43 pm

  સુંદર લયબધ્ધ અને હ્રદયસ્પર્શી ગીત અને એનો આસ્વાદ એટલો જ સ્વાદિષ્ટ.

 5. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

  October 27, 2009 @ 1:24 pm

  ડૉ.નાણાવટીએ તો ‘સીક્ષર’ મારી દીધી.

 6. ડૉ.મહેશ રાવલ said,

  October 27, 2009 @ 9:05 pm

  કવિશ્રીએ જે પાકટતાથી ભીતરની વાતની માંડણી કરી અને વિસ્તારી છે ,એ તો મર્મસ્પર્શી છે જ પણ
  આગળ જતાં બન્ને બંધમાં જે રીતે ભાવઅભિવ્યક્તિ સહજતાથી સાંકળી છે કાબિલ-એ-દાદ કામ થયું છે
  .
  કવિશ્રીને ખૂબ-ખૂબ અભિનંદન અને નમન.

 7. pragnaju said,

  October 28, 2009 @ 2:15 am

  સરસ ગીત અને રસદર્શન
  હયાતીનાં અક્ષર કોલમમાં આવેલો આસ્વાદ સુ.દ.નાં શબ્દોમાં માણ્યો
  પણ મને ખૂબ ગમતો જ્ઞાનદેવને મળેલો કોરો પત્ર યાદ આવ્યો
  જ્ઞાનદેવને ચાંગદેવે એક પત્ર મોકલ્યો.
  એ પત્ર કોરો કાગળ હતો.
  ચાંગદેવ કરતાં જ્ઞાનદેવ ઉંમરે નાના હતા.
  चिरंजीवी લખવા જાય તો બીજી બાજુથી જ્ઞાનદેવ જ્ઞાનમાં મોટા હતા.
  तीर्थस्वरूपલખવા જાય તો ઉંમરમાં નાના હતા. સંબોધન કેમ કરવું તે નક્કી ન થાય.
  એટલે ચાંગદેવે કોરો કાગળ પત્રરૂપે મોકલ્યો.
  એ કાગળ પહેલો નિવૃત્તિનાથના હાથમાં આવ્યો.
  તેમણે તે કોરો કાગળ વાંચીને જ્ઞાનદેવના હાથમાં મૂક્યો.
  જ્ઞાનદેવે વાંચીને મુક્તાબાઈને આપ્યો.
  મુક્તાબાઈએ એ વાંચીને કહ્યું, ‘ અલ્યા ચાંગા, આવડો મોટો થયો તોયે હજી કોરો જ રહેયો ! ’ નિવૃત્તિનાથના વાંચવામાં જુદો અર્થ આવ્યો હતો.
  તેમણે કહ્યું, ‘ ચાંગદેવ કોરો છે, શુદ્ધ છે, નિર્મળ છે અને ઉપદેશ આપવાને લાયક છે. ’ એવું કહીને તેમણે જ્ઞાનદેવને જવાબ લખવાને જણાવ્યું.
  જ્ઞાનદેવે પાંસઠ ઓવીનો કાગળ મોકલ્યો.
  તેને चांगदेव पासष्टी કહે છે.
  આવી એ પત્રની ગંમતભરેલી હકીકત છે.

  લખેલું વાંચવું સહેલું છે પણ ન લખેલું વાંચવું અઘરૂં છે.
  તેમાંનું વાંચવાનું પુરૂં થતું નથી.
  એ પ્રમાણે સંન્યાસી ખાલી,

  કોરો દેખાય તો પણ અપરંપાર કર્મ તેનામાં ભરેલું હોય છે.

 8. kanchankumari parmar said,

  October 28, 2009 @ 4:55 am

  સ્વપનોમા મે કોણ જાણે લખિયા કેટકેટલાએ કાગળ…પણ દિધા બિડિ આજ મે સાવ કોરા કાગળ……

 9. Rajesh Hasmuklal Shah said,

  October 28, 2009 @ 5:17 am

  મને આ કવિતા વાચ્તા ખુબ હર્શ થયો

 10. Pushpakant Talati said,

  October 28, 2009 @ 6:50 am

  આ વાચી ને આનન્દ ની અનુભુતી થઈ.
  કવિતા તો સરસ જ મળી પણ સાથે સાથે શ્રી નાણાટીજી નો કાવ્ય-ઊમેરો પણ સરસ લાગ્યો. બન્નેને વાઁચવાથી મઝા પણ બેવડાઈ ગઈ.
  વાહ. સરસ – આનન્દ ભયો રે.
  અને વળી હકીકત જ છે કે પ્રેમમા લખવા બેસો તો વિચારો નો મારો તથા હ્રદયના ઊમળકાઓ ને કાગળ પર ઊતારવા અશક્ય બની જાય છે. અને એટલે જ કોઇએ લખ્યુ છે કે ;–
  શુ લખુ , શુ ના લખુ , મીઠી વિમાસણ થાય છે .
  પ્રેમ ના આ દર્દમા , ડોક્ટર્ બધા મુઝાય છે
  આભાર. .

 11. mahesh dalal said,

  October 28, 2009 @ 11:38 am

  વાહ વાન્ચિ ને ફરિ ફરિ વાન્ચિને આનન્દ આનન્દ ..

 12. Lata Hirani said,

  October 28, 2009 @ 2:50 pm

  આ તો આંસુના ઝળહળાટ્..ભીતર સુધી પહોંચે..

 13. વિવેક said,

  October 29, 2009 @ 12:05 am

  ખૂબ જ સુંદર ગીતરચના…

  પ્રજ્ઞાજુની ટિપ્પણી સવિશેષ ભાવી ગઈ…

 14. Pancham Shukla said,

  October 29, 2009 @ 11:57 am

  સરસ.

 15. Dinesh Pandya said,

  November 4, 2009 @ 11:48 pm

  ‘મેઘબિન્દુ’ એક સંવેદનશીલ કવિ છે. તેમણે માનવ સંબંધો પર ઘણા ભાવપૂર્ણ કાવ્યો-ગીતો લખ્યા છે જેમાનાં ઘણા પ્રસિદ્ધ સંગીતકારોએ સ્વરબદ્ધ કરેલા સુંદર ગીતો પ્રસિદ્ધ કલાકારોએ ગાયા છે અને
  રસીકોએ આવકાર્યા છે.

  કન્યાવિદાયના ઘણા ગીતો લખાયા-ગવાયા છે. પરંતુ ‘મેઘબિંદુ’એ પરણીને સાસરે આવેલી નવવધુના સ્વાગત-સત્કારનુ સંગીત રૂપક લખ્યું છે – “કુમકુમ પગલે આવ” જે માણવા જેવું છે. આપણા સામાજીક જીવનમા એક નવો વિચાર પ્રેરે છે.

  આભાર!

  દિનેશ પંડ્યા

 16. BHARAT said,

  June 4, 2011 @ 8:26 am

  geet gamyu,meghbindu ie sambandhona kavi chhe.Putra vadhu satkar e emni nokhi rachana chhe enu swarankan pan thayu chhe. sakya hoi to pragat karsa.

  bharat

 17. dr.ketan karia said,

  November 29, 2011 @ 2:43 am

  સામાન્ય રીતે શબ્દોનું પુનરાવર્તન પ્રાસ તરીકે વાપરવાનું ટાળવામાં આવે છે,
  પરંતુ અહીં કવિએ માત્ર ‘આગળ’ અને ‘કાગળ’નાં જોરે અભિનંદનને પાત્ર કામ કર્યું છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment