ન હો જો કશું તો, અભાવો નડે છે,
મળે જો બધું તો, સ્વભાવો નડે છે.
હિમાંશુ ભટ્ટ

એક ગાય – પ્રિયકાન્ત મણિયાર

ક્યાંકથી
ભૂલી પડી આવે હવા બસ : તૃણ નથી
ચોમેરમાંયે : તપ્ત કણ છે રેતના : તડકો પડ્યો :
ત્યાં કાય તો કેવળ રહી કૃશ હાડકાંનો માળખો
ને એ છતાં એ શ્વાસ લેતી (જેની તો અચરજ થતી)
-હાથમાં આવી ગયેલા મૃત્યુને વાગોળતી !

-પ્રિયકાન્ત મણિયાર

આપણા આજના સમાજ અને પ્રવર્તમાન સંસ્કૃતિ-સભ્યતાનો નગ્ન ચિતાર કવિએ ગાયના પ્રતીક વડે કેવો ટૂંકાણમાં આપી દીધો છે ! ચોમેર ખાવા માટે લગીરે ઘાસ નથી. છે તો માત્ર ક્યાંકથી ભૂલી પડી આવતી હવા. નીચે તપેલી દઝાડતી રેતી અને માથે તડકો. એક પગ કબરમાં પડેલો છે એવી આ ગાયનું શરીર તો હાડકાંનો એવો માળો બની ગયું છે કે એ શ્વાસ શીદ લે છે એનું પણ આશ્ચર્ય થાય.

હવે આ આખી વાતને આપણા સમાજ અને સંસ્કૃતિને સામે રાખીને ફરી વાંચીએ તો…

પ્રસ્તુત કવિતા નખશીખ છંદમાં લખાયેલી છે. અહીં ‘ગાલગાગા’ના અનિયમિત પણ ચુસ્ત આવર્તનો વપરાયા છે. માત્ર આખરી પંક્તિની આગળના વાક્યાંતે કવિએ એક ગુરુનો લોપ કર્યો છે. અચરજ થયા પછી ઘડીક અટકી જવાની વૃત્તિનો નિર્દેશ તો નહીં હોય એમાં?!

2 Comments »

  1. ધવલ said,

    October 18, 2009 @ 9:14 PM

    કાબેલ શબ્દચિત્ર.

  2. pragnaju said,

    October 20, 2009 @ 1:12 AM

    પરમ ધર્મ કામધેનુ ગાયના ચાર પગ છે.
    ગાય દૂધ આપે છે,
    આ ગાયને શીંગ નથી..
    આપણે ઢોર ઢાંખર એવો શબ્દ પ્રયોગ વાપરીએ છીએ.
    જે જાણે છતાં ય સાવધાન ન કરે તેને ઢાંખર કહેવાય.

    પણ આ તો સમાજ અને સંસ્કૃતિના રખેવાળ છે
    ત્યાં કાય તો કેવળ રહી કૃશ હાડકાંનો માળખો
    ને એ છતાં એ શ્વાસ લેતી (જેની તો અચરજ થતી)
    -હાથમાં આવી ગયેલા મૃત્યુને વાગોળતી !
    ગુરુનો લોપ સકારણ છે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment