આ લખવા-વાંચવામાં ખોઈ બેસવાનું જાતને,
બહાનું તારી ગેરહાજરીને ખાળવાનું છે.
વિવેક મનહર ટેલર

બોલીએ નૈં – મુકુન્દરાય પારાશર્ય

બેન, બંધાતી છીપલી ખોલીએ નૈં
બેન, ઉરની સુવાસને તોળીએ નૈં
બેન, જીવવાના અવસરને ટાણે એ પ્રીતડી બોલીએ નૈં

બેન, આછરતાં નીરને ડોળીએ નૈં
બેન, પોતાની છાંયમાં મોહીએ નૈં
બેન, અંતર-વસનારને સેવ્યા વિણ એકલાં સૂઈએ નૈં

બેન, કાચી કળિયુંને કદી તોડીએ નૈં
બેન, સરજાતી સુરભિને વેરીએ નૈં
બેન, ઋતુવરના સ્પર્શની વેલાં થઈ ફૂલડું ખીલીએ નૈં

બેન, મધુવનની વાતડી છેડીએ નૈં
બેન, પામ્યા સંકેતને બોલીએ નૈં
બેન, માધવનું હેત મળ્યું કેવું, એ કોઈને કહીએ નૈં

બેન, હું પદ રાખી એને પેખીએ નૈં
બેન, વિરહે દાઝીને એને ભેટીએ નૈં
બેન, ફૂલડાંનો હાર થયા પ્હેલાં શ્રીકંઠમાં પડીએ નૈં

-મુકુન્દરાય પારાશર્ય

બધી વાત કંઈ ખોલી-ખુલીને કહેવાની હોતી નથી. બાંધી મુઠ્ઠી લાખની જાણતા હોવા છતાં મનુષ્યની પ્રકૃતિ જ કંઈક એવી છે કે એને માંડીને વાત કહેવાની તાલાવેલી લાગતી રહે છે. એક ઠંડી ખુશનુમા હવાના સાંનિધ્યમાં સુંદર સૂર્યાસ્ત માણતાં હોઈએ ત્યારે શબ્દોનો વિનિમય વૃથા અને ક્યારેક સૌંદર્યપાનમાં વ્યવધાનરૂપ પણ હોય છે.. છતાં આપણને બોલ્યા વિના ચાલતું નથી કે શું સરસ સૂર્યાસ્ત છે!

બે સાહેલીની વાતચીતના રૂપમાં કવિ અહીં એ જ બોધ આપે છે. છીપલી બંધાતી હોય ત્યારે ખોલી કાઢીએ તો? સ્વાતિ નક્ષત્રમાંથી વરસેલું જળ પણ નકામું જાય અને મોતી બને જ નહીં. કળી પણ ઋતુવરનો સ્પર્થ થાય એ પહેલાં જ એ કાચી હોય ત્યારે તોડી નાંખીએ તો પછી પુષ્પ અને પમરાટ ક્યાંથી નસીબ થવાના? ઈશ્વરને પામવા હોય તો હું પદ છોડીને પહેલાં પુષ્પમાળા બનવું પડે… વ્યક્તિત્વના પુષ્પોની સુગ્રથિત માળા ન બનીએ તો પ્રભુકંઠ શી રીતે નસીબ થાય?

7 Comments »

 1. Pushpakant Talati said,

  October 10, 2009 @ 5:38 am

  સુન્દર અને ઊત્તમ અભિવ્યક્તિ,
  બોલ બોલ કરવા કરતા, મૌન નો મહિમા સમજાવતી આ ક્રુતિ ઘણી જ હ્રુદય સ્પર્ષી લાગી. – ન બોલવા મા નવ ગુણ – Waight and Watch – આ બન્ને મહાવરાઓ એકીસાથે સમજાવતી આ પન્ક્તિઓ ઉપર ઓવારી જવાનુ દિલ થાય છે.

  બંધાતી છીપલી સમય પહેલા ન ખોલીએ – તો વળી કવિ આણી ને પણ ન ડહોળવાની સલાહ આપે છે તે સાચી જ તો છે. કાચી કળીઓ તોડવાથી સો ફાયદો ? તેમને ખીાદો અને સમયે તે તેની મેળે જ ફૂલ થઈને પોતાની મેળે જ મહેકશે જ તો.
  છેલ્લી કડીમા તો બધુ જ સાટુ વાળી દીધુ –
  – “બેન, ફૂલડાંનો હાર થયા પ્હેલાં શ્રીકંઠમાં પડીએ નૈં” –
  પહેલા પાત્રતા મેળવો અને પછી જ તેના માટે પ્રયત્ન કરો અને તેની આશા કરો તો યોગ્ય ગણાશે.
  વાહ – સરસ અને સુન્દર રચના – congratulation.

 2. ડૉ.મહેશ રાવલ said,

  October 10, 2009 @ 5:45 am

  સૌંદર્ય પામતાં પહેલાં સુંદર બનવું પડે- એ ભાવ સ્મરણ થયો.
  આખી રચના સરસ ભાવોપદેશાત્મક થઈ છે,માત્ર વાંચવા નહીં વિચારવા જેવી વાત.

 3. sudhir patel said,

  October 10, 2009 @ 9:36 am

  ભાવોને ખૂબ જ સુંદર લયાત્મક રીતે અભિવ્યક્ત કરતું ગીત!
  સુધીર પટેલ.

 4. ઊર્મિ said,

  October 10, 2009 @ 10:25 am

  ……………………..

  સાવ સોંસરવું ગયું આ ગીત હોં દોસ્ત….! કેટલું ઊંડે ગયું એ શબ્દોથી કહેવું શક્ય નથી તોયે એવું કહેવાની કોશિશ તો થઈ જ ગઈ…..

 5. pragnaju said,

  October 10, 2009 @ 11:22 am

  બેન, મધુવનની વાતડી છેડીએ નૈં
  બેન, પામ્યા સંકેતને બોલીએ નૈં
  બેન, માધવનું હેત મળ્યું કેવું,
  એ કોઈને કહીએ નૈં

  મધુર અભિવ્યક્તી
  અને આ અનુભવવાણી આ તેનો અણસાર કહે તો પણ કેવી રીતે ?

 6. P Shah said,

  October 11, 2009 @ 1:12 am

  બેન, બંધાતી છીપલી ખોલીએ નૈં….
  સુંદર ગીત !
  સંવેદનોની માધુર્યસભર અભિવ્યક્તિ !

 7. priyjan said,

  October 11, 2009 @ 7:44 pm

  બહુ જ સુંદર ………….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment