સરાણે શ્વાસની કાયમ અમે શબ્દોની કાઢી ધાર,
ફકત એ કારણે કે કાવ્ય કોઈ ના રહે બૂઠું.
વિવેક મનહર ટેલર

મૃત્યુ -ચંદુ મહેસાનવી

મૃત્યુ
અખબાર છે,
વહેલી સવારે તમારા ઘરમાં ઘૂસી શકે છે.

મૃત્યુ લજ્જા વગરની લલના છે,
એ તમારો હાથ ભરબજારે પકડી શકે છે.

મૃત્યુ
ખુદાબક્ષ મુસાફર છે,
વગર ટિકિટે મનફાવે ત્યાં જઈ શકે છે.

મૃત્યુ રીઢો ગુનેગાર છે
ગમે તે સ્ટેશને તમારી જિંદગીનો સામાન લઈને
ગમે ત્યારે ઊતરી શકે છે.

મૃત્યુ શર્મિલી નર્સ છે,
બીમારને આખી રાત જગાડી શકે છે.

મૃત્યુ મહાનગરનો બેશરમ તબીબ છે,
તાજી લાશ પાસે પણ બિલ માગી શકે છે.

મૃત્યુ મકાનમાલિક નથી, મૃત્યુ શહેરમાલિક છે,
મનફાવે ત્યારે નોટિસ વિના શહેર ખાલી કરાવી શકે છે.

મૃત્યુ પાગલ ખૂની છે,
ભરબપોરે સૂરતથી બૉમ્બે સેન્ટ્રલની ફ્લાઇટ કેન્સલ કરાવી શકે છે.  છતાંયે,
માત્ર મૃત્યુ જ એક વફાદાર મિત્ર છે
જે તમારો હાથ ગમે ત્યારે ગમે ત્યાં…!

-ચંદુ મહેસાનવી

થોડા દિવસ પહેલા લયસ્તરો પર જ્યારે રાવજીભાઈનાં ‘આભાસી મૃત્યુનાં ગીત’ માટે (વાચકોનાં અને વિદ્વાનોનાં) આસ્વાદની શૃંખલા ચાલી ત્યારે મને એકવાર વાંચેલું આ અછાંદસ યાદ આવ્યું હતું.  આજે અનાયાસે મળી પણ ગયું.  મૃત્યુ તો સનાતન છે, પરંતુ સરખામણીમાં એ કોના કોના જેવું છે- એની અટકળોમાં દરેક વખતે કવિ પાસે કંઈક તો કહેવાપણું છે જ. પરંતુ આ બધાનાં જેવું હોવા છતાંયે અંતે કવિને એ એક વફાદાર મિત્ર જેવું લાગે છે. અને મિત્રની સાથે મૃત્યુની સરખામણી કરતાંની સાથે જ જાણે કવિ કલમ મૂકી દે છે એમ નથી લાગતું…?   વાતેય સાચી, મૃત્યુ જો એક સાચા મિત્ર જેવું જ હોય તો પછી આગળ એની અટકળ કરવાનીયે કોઈ જરૂર રહે ખરી ?!   મને તો લાગ્યું કે અધૂરા વાક્યનાં ત્રણ ટપકાંમાં જ કવિએ કમાલ……!

કવિશ્રીનું મૂળ નામ : ચંદુલાલ ઓઝા   ::  કાવ્યસંગ્રહો: ‘તારી ગલીમાં’, ‘લક્ષ્યવેધ’, ‘પડઘા પેલા મૌનના’

15 Comments »

 1. urvashi parekh said,

  September 8, 2009 @ 9:18 pm

  બરાબર છે,મ્રુત્યુ જેવો વફાદાર મીત્ર કોઈ નથી.
  સરસ રચના,
  નીરુપણ એક્દમ સત્ય થી ભરેલુ.

 2. sapana said,

  September 8, 2009 @ 11:31 pm

  મૃત્યું સાચો મિત્ર છે સાથ નિભાવી જાણેછે,
  જિંદગી બેવફા પ્રેમી છે દગો દઈ જાય છે.
  સપના

 3. Kirtikant Purohit said,

  September 8, 2009 @ 11:35 pm

  મૃત્યુનું સરળ છતાં કેટલું ગહન નિરુપણ. શ્રી ઑઝા સહેબની કાવ્યમય કમાલ.

 4. pragnaju said,

  September 9, 2009 @ 12:11 am

  મઝાનું અછાંદસ
  માત્ર મૃત્યુ જ એક વફાદાર મિત્ર છે
  જે તમારો હાથ ગમે ત્યારે ગમે ત્યાં…!
  ચંદુ મહેસાનવી ધન્યવાદ

 5. વિવેક said,

  September 9, 2009 @ 1:18 am

  સુંદર સરળ રચના…

 6. Rakesh Thakkar, Vapi said,

  September 9, 2009 @ 1:57 am

  સુંદર રચના…

 7. manharmody ('મન' પાલનપુરી) said,

  September 9, 2009 @ 4:09 am

  મૃત્ય મકાનમાલિક નથી, મૃત્યુ જગતમાલિક છે,
  મનફાવે ત્યારે નોટિસ વિના જગત ખાલી કરાવી શકે છે.

  જિંદગી તો બેવફા હૈ એક દિન ઠુકરાયેગી
  મૌત મહેબૂબા હૈ અપને સાથ લેકર જાયેગી

 8. anil parikh said,

  September 9, 2009 @ 5:58 am

  જવાની તૅયારી સાથે રાહ જોવી પડે.

 9. kirankumar chauhan said,

  September 9, 2009 @ 11:58 am

  વાહ! સરળ શબ્દોમાં ગહન વાત.

 10. dr, j. k. nanavati said,

  September 9, 2009 @ 1:22 pm

  મિત્રો,
  ફરી પાછી મ્રુત્યુની વાત આવી તો
  મારી એક રચના શેર કરૂં ??

  અંબાડી તૈયાર , કે માણસ ચેતી જાજે
  જાનૈયા છે ચાર , કે માણસ ચેતી જાજે

  હરખાતો ના આજ કે બંધન છુટ્યાં તારા
  બાંધે કરશે પાર , કે માણસ ચેતી જાજે

  ટીંપુ એકે લોહી તણુ ના છોડ્યું કિંતુ
  પાશે ગંગાધાર , કે માણસ ચેતી જાજે

  મુખમાં ન્હોતો એક દિલાસો તારા દુ:ખમાં
  કરશે જય જય કાર , કે માણસ ચેતી જાજે

  અંધારું છો હોય જીવનમાં , ચિતા અચુકથી
  જલશે પારાવાર , કે માણસ ચેતી જાજે

  સંબંધી ને યાર સગાં સૌ પાછા વળશે
  આતમ તારો યાર , કે માણસ ચેતી જાજે

  સંતાપો કંકાસ ઘણો આ નરક મહીં , ત્યાં
  જલસા અપરંપાર , કે માણસ ચેતી જાજે

 11. ધવલ said,

  September 9, 2009 @ 5:03 pm

  મૃત્યુ શર્મિલી નર્સ છે,
  બીમારને આખી રાત જગાડી શકે છે.

  મૃત્યુ મહાનગરનો બેશરમ તબીબ છે,
  તાજી લાશ પાસે પણ બિલ માગી શકે છે.

  નર્સ શર્મિલી અને તબીબ બેશરમ ? આવો કટાક્ષ પહેલી વાર જોયો. ડોકટરો હવે પહેલા જેવા ‘પોપ્યુલર’ રહ્યા નથી !

 12. વિવેક said,

  September 10, 2009 @ 1:27 am

  નર્સના શરમાળ હોવા સાથે દર્દીનું રાત આખી જાગવું એ વાત કંઈ પલ્લે ન પડી…

  અને તબીબો પહેલાં ‘પૉપ્યુલર’ હતાં એવું તને કોણે કહ્યું, ધવલ? લોકો તબીબને ભગવાનની સમકક્ષ ગણતાં એમાં એમનો મૃત્યુનો ડર મુખરિત નથી થતો? ઈશ્વરને લોકો પૂજે છે કેમકે મૃત્યુ અને નરકનો મનમાં ડર છે. અમરત્વ અને સ્વર્ગની ‘ગેરંટી’ આપવામાં આવે તો એને કોઈ યાદ પણ કરે ખરું?

 13. preetam lakhlani said,

  September 10, 2009 @ 7:37 am

  લગભગ દસેક વરસ પહેલા આ કવિતા ‘poetry’ મા જીગર ધોલવીએ પ્રગટ કરેલ ત્યારે પણ આજે ગમે છે એટ્લી જ ગમેલ્…….સરસ કવિતા!!

 14. ઊર્મિ said,

  September 10, 2009 @ 8:34 am

  નર્સવાળી વાત સાથે હુંયે સહમત… પણ મારી સમજ પ્રમાણે- અહીં બધા તબીબની વાત નથી, ‘બેશરમ તબીબ’ ની વાત છે. બની શકે કે એ કવિશ્રીનાં અનુભવમાંથી ઊતરી હોય… 🙂

 15. Pushpakant Talati said,

  September 15, 2009 @ 5:21 am

  ઘણી જ સુન્દર રચના.
  મ્રુત્યુનુ આબેહુબ ચિત્ર,
  નગ્ન હકિકત; અને દરેકે દરેક વ્યક્તિએ
  અનુભવેલ મ્રુત્યુની હકિકત પ્રમાણેની સચોટ
  અને સાચી છબી રજુ કરતી ઉમદા પ્રકારની રચના
  ખરેખર HEARTIEST CONGRATULATION. .

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment