નમું તને, પથ્થરને? નહીં, નહીં,
શ્રદ્ધા તણા આસનને નમું નમું.
સુંદરમ્

રિક્ત થઈને – હિતેન આનંદપરા

એક પણ પગલું-સગડ મૂક્યા વિના, અવગત થઈને,
આપણી સઘળી કરુણા, ક્યાં જતી રહી, લુપ્ત થઈને ?

ગેરહાજર રહીને પણ ચોમેર ચર્ચાયા કરે એ,
નોંધ લેવાયા વિનાનો હું ફરું છું વ્યક્ત થઈને.

ચંદ્ર, સૂરજ, રેત, દરિયો, ઝાડ, પંખી, મુગ્ધતા પણ,
હું ગુમાવું છું ઘણું, હદથી વધારે, પુખ્ત થઈને.

સાંજનું ખાલીપણું, કાયમનું દુશ્મન છે, છતાંયે
કૈં સભર બનવાની તક મળતી રહે છે, રિક્ત થઈને.

ગત જનમનાં બીજ, અંકુરિત થવાની શક્યતા છે,
એક જણ, મારી નસોમાં, વહી રહ્યું છે, રક્ત થઈને.

– હિતેન આનંદપરા

માણસ સાંજે નીચોવાઈને ‘ખાલી’ થઈ જાય પછી જ ફરી વાર ‘સભર’ થવું શક્ય બને છે.

18 Comments »

  1. વિવેક said,

    August 4, 2009 @ 2:15 AM

    ખૂબ જ સુંદર ગઝલ… બધા જ્ શેર અદભુત અને અર્થગહન થયા છે…

    જો કે મત્લાના શેરમાં અવગત કાફિયો આ ગઝલના છંદોવિધાનને પ્રતિકૂળ જણાય છે. ‘થઈને’ રદીફ મત્લાના ઉલા મિસરામાં લગાગા તરીકે અને એ પછી આખી ગઝલમાં ગાગા તરીકે લેવાઈ છે… આ ચાલી શકે?

  2. Pinki said,

    August 4, 2009 @ 5:08 AM

    સરસ ગઝલ … !

    ચંદ્ર, સૂરજ, રેત, દરિયો, ઝાડ, પંખી, મુગ્ધતા પણ,
    હું ગુમાવું છું ઘણું, હદથી વધારે, પુખ્ત થઈને.

  3. pragnaju said,

    August 4, 2009 @ 6:48 AM

    સુદર ગઝલ
    સાંજનું ખાલીપણું, કાયમનું દુશ્મન છે, છતાંયે
    કૈં સભર બનવાની તક મળતી રહે છે, રિક્ત થઈને.
    વાહ્
    પકડવી જ પડતી કલમ રિક્ત હાથે,
    કરે ભીતરે શબ્દ સાચે જ બળવો

  4. "દીપ" said,

    August 4, 2009 @ 8:19 AM

    ગેરહાજર રહીને પણ ચોમેર ચર્ચાયા કરે એ,
    નોંધ લેવાયા વિનો હું ફરું છું વ્યક્ત થઈને.

    ચંદ્ર, સૂરજ, રેત, દરિયો, ઝાડ, પંખી, મુગ્ધતા પણ,
    હું ગુમાવું છું ઘણું, હદથી વધારે, પુખ્ત થઈને.

    વાહ ખુબજ સરસ… આફરીન…. 🙂

  5. ઊર્મિ said,

    August 4, 2009 @ 11:02 AM

    ખૂબ જ સુંદર ગઝલ… લગભગ બધા જ અશઆર ગહન લાગ્યા અને ઘણા જ ગમ્યા.

    કોમેંટ લખવા માટે આ પોસ્ટ ખોલી તો દેખાયું કે મત્લા વિશે મને જે પ્રશ્ન મનમાં ઉદભવ્યો, એ પ્રશ્ન મારા ગુરુજીએ પહેલા જ પૂછી લીધો છે! 🙂

  6. Dr.Manoj L. Joshi.(Jamnagar) said,

    August 4, 2009 @ 1:16 PM

    Nice Ghazal….મત્લા વિશે હુ વિવેકભાઈ ને જ પુછવાનો હતો. હજુ એમને જ request કરિએ કે કૈક research કરી પોતાના જ question નો જવાબ શોધી કાઢે ! please Vivekbhai…

  7. डॉ. निशीथ ध्रुव said,

    August 5, 2009 @ 9:53 AM

    छन्दोविधान विषये वधु नथी कही शकतो : पण अहीं जोडणी आपणने नडे छे. बाकी आक्षरिक व्यवस्था(Syllabic arrangement) जोईए तो आ रीते थाय:
    એ-ક-પણ્-પ-ગ-(લું)-સ-ગડ્-મૂ-ક્યા-વિ-ના-અ-વ-ગત્-થ-ઈ-ને( 18 અક્ષરો )
    આ-પ-ણી-સ-ઘ-ળી-ક-(રુ)-ણા-ક્યાં-જ-તી-ર-(હી)-લુપ્-ત-(થઈ)-ને. ? (18 અક્ષરો)
    (લું)ને (લૂં) એમ દીર્ઘ ઉચ્ચારો તો જ પઠન યોગ્ય થાય.
    (રુ)ને (રૂ) એમ દીર્ઘ ઉચ્ચારો તો જ પઠન યોગ્ય થાય.
    (હી)ને (હિ) એમ હ્રસ્વ ઉચ્ચારો તો જ પઠન યોગ્ય થાય.
    (થઈ)ને (થઇ કે થૈ) એમ સંયુક્ત સ્વર(Diphthong) તરીકે ઉચ્ચારો તો જ પઠન યોગ્ય થાય.
    प्रथम पङ्क्तिमां थ-ई-ने अने बीजी पङ्क्तिमां त-थै-ने एवा अन्त्याक्षरो छे. अने ए रीते जोडणीने अवगणीने उच्चारीए तो ज काव्य लयबद्ध थाय.
    એક પણ પગલું-સગડ મૂક્યા વિના, અવગત થઈને,
    આપણી સઘળી કરુણા, ક્યાં જતી રહી, લુપ્ત થઈને ?
    आ वांचतां ज गुरुदेव रवीन्द्रनाथ ठाकुरनी प्रार्थना अनायासे याद आवी गई :
    जीवन ज्यारे सुकाई जाय – करुणाधारे आवो
    सकल माधुरी लोपाई जाय – गीतसुधारसे आवो!
    नीचोवाई खोटी जोडणी छे – निचोवाई जोईए.
    आणन्दपरा दशा सोरठिया वणिक ज्ञातिनमां प्रचलित अटक छे – में आनन्दपरा एम ‘ण’ने बदले ‘न’ नथी जोयो. हितेनने ज पूछी जोवुं जोईए.

  8. વિવેક said,

    August 6, 2009 @ 1:00 AM

    ગઝલના છંદ અક્ષરમેળ છંદ નથી એટલે એને અક્ષર ગણીને જોઈએ તો ઘણી સમસ્યા થઈ શકે…

    છંદની જરૂરિયાત મુજબ ઘણીવાર હ્રસ્વ અક્ષરોને દીર્ઘ અને દીર્ઘને હ્રસ્વ તરીકે લેવામાં આવે છે એ બહુધા માન્ય છૂટછાટ છે.

    એક પણ પગલું-સગડ મૂક્યા વિના, અવગત થઈને,
    આપણી સઘળી કરુણા, ક્યાં જતી રહી, લુપ્ત થઈને ?

    ‘પગલું ‘ માં ‘લું’ને ગુરુ લીધો છે અને એ જ રીતે કરુણામાં ‘રુ’ને પણ ગુરુ લીધો છે જે ચલાવી શકાય. ‘રહી’ને એક જ ગુરુ તરીકે ગણ્યો છે, જે પણ યોગ્ય છે કેમકે ‘હ’ વ્યંજન હોવા છતાં સ્વરના ગુણધર્મ પણ ધરાવે છે એટલે એનો ઉચ્ચાર સાંકડો કરીને એને એક ગુરુ ગણી શકાય.

    હિતેનભાઈની આખી ગઝલમાં છંદ ચુસ્ત જળવાયો છે. માત્ર મત્લાના શેરમાં કાફિયા અને રદીફના છંદ જળવાયા નથી જે મારી દૃષ્ટિએ યોગ્ય નથી. આ વસ્તુ ચર્ચાની એરણ પર એટલા માટે મૂકી કે અન્ય કોઈ પાસે માર્ગદર્શન મળી શકે.

  9. डॉ निशीथ ध्रुव said,

    August 6, 2009 @ 5:05 AM

    में तो आरम्भे ज कह्युं छे के छन्दविधान विषये हुं कशुंय कहेतो नथी. पण उपर जणावेल अक्षरव्यवस्था मुजब पठन करवाथी कानमां कशुं ज खटकतुं लाग्युं नहि.

  10. વિવેક said,

    August 6, 2009 @ 8:13 AM

    સાચી વાત છે… ગઝલના છંદો બહુધા ઉચ્ચાર વ્યવાસ્થાને અનુસરે છે…

  11. sneha said,

    August 6, 2009 @ 8:19 AM

    છ્ંદવિધાન મારા માટે બહુ અઘરુ છે. પન આ ગઝલ મને ખૂબ જ ગમી..
    ચંદ્ર, સૂરજ, રેત, દરિયો, ઝાડ, પંખી, મુગ્ધતા પણ,
    હું ગુમાવું છું ઘણું, હદથી વધારે, પુખ્ત થઈને.

    આ શેર તો બહુ જ ગમ્યો.

  12. sudhir patel said,

    August 6, 2009 @ 8:25 PM

    સરસ ગઝલ છે.
    વિવેક્ભાઈની વાત પણ સાચી છે. મત્લાના શે’રમાં કફિયા-દોષ અને છંદ-દોષ છે.
    સુધીર પટેલ.

  13. preetam lakhlani said,

    August 7, 2009 @ 1:48 PM

    ભાઈ વિવેક અને સુધીરની વાત સાચી છે,છતા હુ ચિત્રમાં આવવા નથી માગ તો, કારણ કે હિતેન પણ સુધીર જેટલો જ અંગત મિત્ર છે………………!

  14. abhilash mehata said,

    August 7, 2009 @ 2:53 PM

    હિતેને આવી ચર્ચા માટે જ સહેતુક ગઝલને મરડી હોય એમ પણ બને ને? ચર્ચાએ ચડે એવી ગઝલતો લાંબી યાદ રહે અને શાયરના નામને ફાયદો કરાવે. બાકી હિતેન જેવા ગઝલકારથી આવી ભુલ થવાની કોઈ શક્યતા નથી. જરા સોચો ઠાકુર !!!!

  15. વિવેક said,

    August 8, 2009 @ 1:45 AM

    હિતેન આનંદપરા મારાય મિત્ર છે… પણ આ ચર્ચા આકાશ જેવું ખુલ્લું મન રાખીને જ અને કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ કે દ્વેષભાવ વિના કરી છે. હિતેનની ગઝલો અમને પણ પ્રિય છે અને આ ગઝલ તો એમાં શિરમોર છે. એક-એક શેર ખરા સોના જેવા સંઘેડાઉતાર થયા છે…

    ચર્ચાના ચાકડે ચઢી સસ્તી પ્રસિદ્ધિ મેળવવા હિતેન આવું કશું સહેતુક કરે એ વાત પણ લગીરેય માનવાનું કોઈ કારણ નથી… આ ચર્ચા આટલી આગળ વધી છે તો આજે હિતેનને ટેલિફોન કરીને લયસ્તરોની મુલાકાત લેવાનું આમંત્રણ આપવું પડશે…

  16. tarun katbamna said,

    October 6, 2009 @ 8:51 PM

    બસ ભઇ નવા ઇ મએઇલ મોકલતા ર્રરજઓ

  17. tarun katbamna said,

    October 6, 2009 @ 8:51 PM

    વાહ

  18. r said,

    August 5, 2012 @ 2:50 AM

    ચંદ્ર, સૂરજ, રેત, દરિયો, ઝાડ, પંખી, મુગ્ધતા પણ,
    હું ગુમાવું છું ઘણું, હદથી વધારે, પુખ્ત થઈને
    આ શેર તો બહુ જ ગમ્યો.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment