લૂંટી ગઈ જે ચાર ઘડીના પ્રવાસમાં,
યુગ યુગની ઓળખાણ હતી, કોણ માનશે ?
શૂન્ય પાલનપુરી

ભીંત / કાગળ – કમલ વોરા

બે ઊભી લીટી દોરી
બે આડી
વચ્ચોવચ એક ખુલ્લું બારણું દોર્યું
ખુલ્લા બારણામાંથી બહાર જઈ શકાય
ખુલ્લા બારણામાંથી અંદર આવી શકાય
હું બહાર જવા દોડ્યો
તું અંદર આવવા
સફેદ ભીંત સાથે
હું આ તરફથી અથડાયો
તું પેલી તરફ થી

-કમલ વોરા

કવિકર્મની મર્યાદાને સચોટ રીતે વર્ણવતું નાનકડું કાવ્ય. ભાવક અને કવિ બંને કોશિશ તો કરે પણ બંન્નેનુ અર્થમિલન હંમેશ શક્ય થતું નથી. જીવનના રંગો એટલા અનોખા છે કે સમર્થ સર્જકની ભાષા પણ ટાંચી જ પડવાની. આ અકળામણને આંબવાની રમત એ જ સર્જનનો આનંદ છે.

2 Comments »

 1. વિવેક said,

  April 13, 2006 @ 3:20 am

  “કવિકર્મની મર્યાદા” શબ્દપ્રયોગ સાથે હું સહમત થતો નથી. એક કાગળ પર દોરાતા બે-ચાર લીંટીના ચિત્ર વડે હકીકતે કવિએ મનુષ્યોની વચ્ચે ઊભી થઈ ગયેલી ભીંતનું તાદૃશ નિરૂપણ કર્યું છે. કાગળના દરવાજામાંથી પ્રત્યક્ષરીતે અશક્ય એવું મનુષ્યનું આવાગમન પ્રતીક છે આપણી વચ્ચેના ખુલ્લા હોવા છતાં બંધ થઈ ગયેલા દરવાજાનું!
  અમૃત ‘ઘાયલ’ના “આઠો જામ ખુમારી”ની પ્રસ્તાવનામાં હરીન્દ્ર દવેએ કહેલી વાત યાદ આવે છે: “કવિતા હંમેશા કવિને અતિક્રમી જાય છે. કવિ જ્યારે કોઈ ભાવ નિરૂપે છે ત્યારે એના સભાન મન સામે કેવળ સીમિત અર્થ હોય છે. પરંતુ કવિતા અર્થનો વૈભવ ઊભો કરી દે છે. ભાવજગતની અસીમ શક્યતાઓ શબ્દની સીમામાં બંધાયેલી કવિતામાંથી ઊઘડે છે”.

 2. Dhaval said,

  April 13, 2006 @ 1:39 pm

  ચોક્ક્સ, આ કવિતા એકથી વધુ રીતે મૂલવી શકાય… જેટલા વધુ અર્થ નીકળે, કવિતા એટલી વધારે ‘મુકત’ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment