તબીબો પાસેથી હું નિકળ્યો દિલની દવા લઈ ને,
જગત સામે જ ઊભું હતું દર્દો નવા લઈ ને.
બેફામ

બીજું હું કાંઈ ન માગું – બાદરાયણ

આપને તારા અન્તરનો એક તાર
                        બીજું હું કાંઈ ન માગું
સુણજે આટલો આર્ત તણો પોકાર
                        બીજું હું કાંઈ ન માગું .

તૂંબડું મારું પડ્યું નકામું
કોઇ જુએ નહીં એના સામું;
બાંધીશ તારા અંતરનો ત્યાં તાર
                        પછી મારી ધૂન જગાવું.
સુણજે આટલો આર્ત તણો પોકાર
                        બીજું હું કાંઈ ન માગું .

એકતારો મારો ગુંજશે મીઠું
દેખાશે વિશ્વ રહ્યું જે અદીઠું;
ગીતની રેલશે એક અખંડિત ધાર,
                        એમાં થઈ મસ્ત હું રાચું.
આપને તારા અન્તરનો એક તાર
                        બીજું હું કાંઈ ન માગું

– ભાનુશંકર બા. વ્યાસ ‘બાદરાયણ’

અંતરના આર્તસ્વરે કવિ નક્કામા પડી રહેલા તૂંબડા માટે ઈશ્વરના અંતરનો વધુ નહીં, માત્ર એક તાર માંગે છે કેમકે કવિ જાણે છે કે એક તાર જ તૂંબડાને એકતારો બનાવી શકે છે અને એના રણઝણાટથી સૌના આકર્ષણનું પાત્ર થઈ શકાય છે કે આત્મચેતનાવિકાસની પાત્રતા મેળવી શકાય છે…જેવું તૂંબડાનું એવું જ મનખાવતારનુ !!  

7 Comments »

  1. P Shah said,

    July 17, 2009 @ 4:42 AM

    પ્રભુ તારા સિન્ધુમાંથી મને એક જ બિન્દુ આપ,
    જેથી ભીની રહે આ રસના !

  2. pragnaju said,

    July 17, 2009 @ 11:05 AM

    સૌને ગમતી ભાવવાહી પ્રાર્થના
    એકતારો મારો ગુંજશે મીઠું
    દેખાશે વિશ્વ રહ્યું જે અદીઠું;
    ગીતની રેલશે એક અખંડિત ધાર,
    એમાં થઈ મસ્ત હું રાચું.
    આપને તારા અન્તરનો એક તાર
    બીજું હું કાંઈ ન માગું
    અનુભૂતિ કરાવે તેવી પંક્તીઓ

    તારો આપ અષાઢીલો કંઠ: ખોવાયેલી
    વાદળીને હું છેલ્લી વાર સાદ પાડી લઉં.
    ઈંદ્રધનુ ! … તારા લાખ તારોમાંથી ખેંચવા દે
    એક તાર: બેસાડીને સૂર બાકીના પાછી સોંપી દૈશ
    હું વીણા. ઘોર સિંધુ !

  3. mrunalini said,

    July 17, 2009 @ 11:15 AM

    તૂંબડું મારું પડ્યું નકામું
    કોઇ જુએ નહીં એના સામું;
    બાંધીશ તારા અંતરનો ત્યાં તાર
    પછી મારી ધૂન જગાવું.
    સુણજે આટલો આર્ત તણો પોકાર
    બીજું હું કાંઈ ન માગું
    હ્રુદયસ્પર્શી વાત્
    યાદ આવ્યું

    માગું હું તારા અંતરનો એક તાર ,
    બીજું હું કાંઇ ન માગું રે !

    વિશ્વવિધાતા ! નૈન ઘેરાયાં , ઘેરાયાં ઘોર અંધાર ;
    આતમ-દીપક જાય બુઝાતો , બંધ થયાં ઉરદ્વાર ;
    માગું તારા ચક્ષુ તણા ચમકાર ,
    બીજું હું કાંઈ ન માગું રે !
    જીવનસાગર જાય હિલોળે , વાયુ ચઢ્યો વંટોળ ,
    નૈયા મારી ડગમગ ડોલે , એકલડો હું અબોલ ;
    માગું મારા સુકાનીનો સહકાર ,
    બીજું હું કાંઈ ન માગું રે !

    અંતર આંધી ઘોર ઘેરાએ , ના કોઈ સાથ-સંગાથ ,
    એકલડો હું મારગ ધાતો , પંથ અતિ વિકરાળ ,
    માગું મારો હાથ ગ્રહો પળવાર ,
    બીજું હું કાંઈ ન માગું રે !

    મંદિર મારું મૂર્તિ વિહોણું , સર્વ દીસે સૂનકાર ,
    જીવનબીનના સૂર લોપાતાં શાંત થશે ઝંકાર ;
    યાચું : આવો અંતરના આધાર !
    બીજું હું કાંઈ ન માગું રે !

  4. priyjan said,

    July 17, 2009 @ 11:42 AM

    simple and beautiful…………very very touching.

  5. ઊર્મિ said,

    July 17, 2009 @ 1:47 PM

    આપને તારા અન્તરનો એક તાર
    બીજું હું કાંઈ ન માગું
    સુણજે આટલો આર્ત તણો પોકાર
    બીજું હું કાંઈ ન માગું

    મારી ઓલટાઈમ ફેવરીટ પંક્તિઓ….!

  6. sudhir patel said,

    July 17, 2009 @ 9:06 PM

    અન્તરથી થયેલી અંતરને સ્પર્શતી પ્રાર્થના!
    સુધીર પટેલ.

  7. Kirtikant Purohit said,

    July 18, 2009 @ 6:33 AM

    નાનપણનું વાંચેલ આ કાવ્ય ફરી વાંચ્વાની મઝા આવી. કવિશ્રી બાદરાયણ સી.પી.ટેંક મુંબઇમાં અમારી નજીક રહેતા. તેમની પડછંદ પ્રતિભા યાદ આવે છે. તેમના સંચાલનમાં મુશાયરો સાંભળ્યાનું પણ યાદ છે. કેટ્લી સરસ ભાવ્વાહી રચના.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment