ઘણા યુગોથી ઊભો છું સમયસર એ જ જગ્યા પર,
રદીફ છું તે છતાં પણ કાફિયાનું ધ્યાન રાખું છું.
અંકિત ત્રિવેદી

(પર્વ ૧૫૦૦) લોકગીત-વિશેષ : ૫: ચાંદલિયો

આસો માસો શરદ પૂનમની રાત જો, 
                       ચાંદલિયો ઊગ્યો રે સખી મારા ચોકમાં.

સસરો મારો ઓલ્યા જલમનો બાપ જો, 
                       સાસુ રે ઓલ્યા જલમની માવડી.

જેઠ મારો અષાઢિલો મેઘ જો, 
                       જેઠાણી ઝબૂકે વાદળ વીજળી.

દેર મારો ચાંપલિયાનો છોડ જો,
                       દેરાણી ચાંપલિયા કેરી પાંદડી.

નણંદ મારી વાડી માયલી વેલ્ય જો, 
                       નણદોઈ મારો વાડી માયલો વાંદરો.

પરણ્યો મારો સગી નણંદનો વીર જો,
                       તાણીને બાંધે રે નવરંગ પાઘડી.

શરદ પૂનમનો ચાંદો મનમાં જે આનંદ-ભરતી લાવે છે એ આ ગીતમાં છલકાઈ છે. ગીત ભલે લોકગીત હોય કવિકર્મમાં પાછું પડતું નથી.

5 Comments »

 1. sudhir patel said,

  July 8, 2009 @ 8:32 pm

  તાજાં જ પોસ્ટ થયેલાં બન્ને લોકગીતો લાજવાબ!
  સુધીર પટેલ.

 2. pragnaju said,

  July 8, 2009 @ 10:58 pm

  ચાંદલિયો ઊગ્યો રે સખી મારા ચોકમાં’.

  શરદપૂર્ણિમાની રાતે રાસ-ગરબા અને સંગીતનો સંગમ થાય છે.

 3. mrunalini said,

  July 8, 2009 @ 11:01 pm

  જનનીની આંખ્યુંમાં પૂનમની જયોતિ,
  અજવાળી રાતે માએ અમરત ઢોળ્યાં
  ગગનનો ગરબો
  માના ચરણમાં ઝૂકયો.’
  શરદપૂનમની રાતે સમુદ્રની છીપલીમાં રહેલ જળ ચંદ્રકિરણોના સ્પર્શથી માણેક-મોતી બની જાય છે એવી માન્યતા છે, તેથી આ ‘માણેકઠારી’ પૂનમ પણ કહેવાય છે. આને ‘કોજાગરી’ પણ કહે છે. કોજાગર વ્રતમાં ઉપવાસ કરી, રાતે લક્ષ્મીપૂજન કરીને જાગરણ કરાય છે. આ મઘ્યરાત્રિએ દેવી લક્ષ્મી કોણ જાગે છે? જે જાગતા હશે તેને ધન મળશે’ એમ બોલતાં-બોલતાં પૃથ્વી ઉપર સર્વત્ર ફરે છે એવી માન્યતા છે. વ્રત કરનારને દરિદ્રતા ભોગવવી પડતી નથી એવી કથા ‘સનત્કુમારસંહિતા’માં છે. આ દિવસે ચંદ્ર પૃથ્વીની ખૂબ નજીક આવે છે, એમ ખગોળ-જયોતિષ શાસ્ત્રીઓ કહે છે. આવા ચંદ્રનાં કિરણોનો સ્પર્શ કે તેનું પાન આયુર્વેદની દૃષ્ટિએ ખૂબ ગુણકારી છે, તેથી આજે પણ આયુર્વેદિક ઔષધિઓ તૈયાર કરવા માટે તેની સામગ્રીને ખુલ્લી ચાંદનીમાં રાતભર રખાય છે. ચંદ્રની ચાંદનીથી ઔષધિઓ પુષ્ટ બને છે. સૂર્યકિરણોના સેવન જેવો ચમત્કારી પ્રભાવ ચંદ્રકિરણોનો પણ છે. બંનેનાં કિરણોમાં ઊર્જા-શકિત છે, પણ એક છે ઉષ્ણ અને બીજી છે શીતળ.

 4. વિવેક said,

  July 10, 2009 @ 12:42 am

  આપણી ભાષાના મોટા ભાગના લોકગીત એના અક્ષુણ્ણ લયના કારણે રાસ અને ગરબા તરીકે લોકમાનસમાં સ્થાપિત થઈ ચૂક્યા છે… આ ગીતો ગાવામાં જે સંગીત છે એ એટલું પાક્કું છે કે આ ગીતોને સમયનો પ્રદીર્ઘ પટ પણ ભૂંસી શકે એમ નથી…

 5. Jigar Savla said,

  August 19, 2009 @ 4:00 am

  શાલા મા ભનતા ત્યારે હતુ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment