મન રહ્યું બંધિયાર એમાં લપસી ગઈ સૌ ઝંખના,
વાંક પાણીનો હતો પણ આળ છે શેવાળ પર.
- વિવેક મનહર ટેલર

(પર્વ ૧૫૦૦) લોકગીત-વિશેષ :૧૦: દુહા

દુહો કે દોહરો પણ લોકસાહિત્યનો જ એક પ્રકાર છે. દુહો એ એક જાતનો છંદ છે અને સંસ્કૃત કવિતામાં અનુષ્ટુપ છંદને જે અગત્યતા અપાઈ છે કે પ્રાકૃત સાહિત્યમાં ગાથાનું જે મહત્ત્વ છે એવું જ આગવું અને ગરવું સ્થાન મધ્યકાલીન ગુજરાતી લોકસાહિત્યમાં દુહાનું છે. દુહામાં લોકગીતની જેમ જ જિંદગીના અલગ-અલગ પાસાંઓ આવરી લેવાય છે પણ અહીં ચિંતનાત્મક અને ઉપદેશાત્મક અભિવ્યક્તિ વધુ હૃદ્ય બને છે. દુહા ચોટદાર અને માર્મિક હોવાથી એ વધુ આસ્વાદ્ય પણ બને છે. સોરઠના ચારણોએ દુહાની સૌથી વધુ એકનિષ્ઠ ભક્તિ કરી છે…

આભ ઉકેલે ભોં ભખે, વેધનકો  હિય વેધ,
અગોચર ગોચર કરે, દુહો દસમો વેદ.

દુહાને દસમો વેદ કહ્યો છે કેમકે એ અગોચરને પણ ગોચર બનાવી શકે છે. જ્યાં લોકગીતમાં લંબાણના કારણે કાવ્યભાવ પાતળો થઈ જવાની ભીતી રહે છે ત્યાં દુહો એ ગાગરમાં સાગર સમો છે. કવિ મકરન્દ દવે એને દસમું દ્વાર ખોલવાના આધ્યાત્મિક અર્થમાં ઘટાવે છે.

દુહો દસમો વેદ, સમજે તેને સાલે,
વિંયાતલની વેણ્ય, વાંઝણી શું જાણે ?

દસમા વેદ સમા દુહાને તો સમજદાર જ પામી શકે છે. રામબાણ તો વાગ્યા હોય એ જ જાણે. પ્રસુતિની વેદના વાંઝણી સ્ત્રી શી રીતે સમજી શકે ?

લેતાં ફળ જન વૃક્ષથી, કડવાં પાન ત્યજંત;
ત્હોય મહાદ્રુમ સુજનશાં તેને અંક ધરંત. (દ્રુમ=વૃક્ષ, અંક= ખોળો)

લોકો વૃક્ષ પરથી ફળ તોડે છે પણ પાન ત્યાગે છે છતાં વૃક્ષ એને પોતાનો ખોળો આપે છે.

શો ગુણ સુત જન્મ્યા થકી, મૃતથી અવગુણ થાય ?
જો બાપીકી ભોમકા અવર થકી ચંપાય ! (સુત=પુત્ર, અવર = બીજા)

બાપદાદાની ભૂમિ કોઈ બહારનો આવીને રોળવાનો હોય તો એવા કપૂત જેવા દીકરા જન્મવાનો શું ફાયદો? એના કરતાં તો મરેલો સારો કે મરેલા દીકરાથી અવગુણ તો ન થાય.

કુલદીપક થાવું કઠિન, દેશદીપક દુર્લભ;
જગદીપક જગદીશના અંશી કોક અલભ્ય.

કુળદીપક થવું કપરું છે, તેથીય વધું આકરું છે દેશના પ્રકાશ બનવું પણ જગ આખાને અજવાળે એવો તો કોઈક અલભ્ય જ હોય છે !

સિંદોર ચડાવે સગાં, દીવાં ને નાળિયેર દોય,
લોડણ ચડાવે લોઈ, તારી ખાંભી માથે ખીમરા.

– આ વિલાપનો દુહો છે એને મરસિયા કે તુંવેરીના દુહા પણ કહેવાય છે. લોડણ એટલે ખીમરા નામના એક પ્રેમીનું પ્રેમપાત્ર. કાઠિયાવાડમાં લોડણ ખીમરાના દુહા સારા પ્રમાણમાં ગવાય છે.

ચાયે ટાળ્યું શિરામણ ને બીડીએ ટાળ્યો હોકો,
સાસુનું કહ્યું વહુ ન કરે તો કીનો કરવો ધોખો ?

– દુહામાં માત્ર વીરરસ કે શૃંગારરસની જ વાત નથી આવતી. જે કવિતા સમયની સાથે સામયિક ઉથલપાથલને પ્રતિબિંબિત કરવાનું ચૂકે એ કવિતા નથી. દુહામાં ચા-બીડી જેવા વ્યસનો પણ સમય સાથે સાંકલી લેવાયા છે. બીડી ઉપર એક બીજો દુહો-

બીડી જાત કજાત, (પણ) પીધા વણ હાલે નૈ,
બીડી કરાવે બેં મરદ મૂછાળી જાતને.

અને છેલ્લે કાઠિવાડનું સાચું ચિત્ર દોરી આપતો આ દુહો કે ભૂલાય ?-

કાઠિયાવાડમાં કોક દી, ભૂલો પડ ભગવાન,
થાજે મારો મેમાન, તને સરગ ભૂલાવું શામળા. (સરગ=-સ્વર્ગ)

(… આ સાથે પર્વ ૧૫૦૦ની ઉજવણી નિમિત્તે આદરેલ લોકગીત-વિશેષની યાત્રા અહીં અટકાવીએ છીએ… )

7 Comments »

  1. પંચમ શુક્લ said,

    July 10, 2009 @ 9:02 AM

    લોકગીત યાત્રા મન ભરીને માણી. લુપ્ત થતી જતી જનસમૂહની સહિયારી કવિતાને પર્વ રૂપે વિશ્વગુર્જરીને ભેટ બદલ ધન્યવાદ લયસ્તરો!

  2. pragnaju said,

    July 10, 2009 @ 9:14 AM

    ખૂબ સરસ દૂહા
    પાડો ચઢ્યો પેંપળે
    અને
    લબ લબ લેંબા ખાય
    દુહો ગમતો

  3. sapana said,

    July 10, 2009 @ 1:47 PM

    સરસ દૂહા ઘણા સમય પછી માણવા મળ્યા. આભાર વિવેકભાઈ!

    સપના

  4. ઊર્મિ said,

    July 10, 2009 @ 3:39 PM

    ખૂબ જ મજાની દુહા-સફર કરાવી… ઘણા નવા દુહા પણ જાણવા-માણવા મળ્યા… છેલ્લો દુહો તો મારો અતિપ્રિય છે !

  5. sudhir patel said,

    July 10, 2009 @ 11:36 PM

    દુહાની સરસ સમજૂતી સાથે રમઝટ બોલાવી તમે તો, વિવેકભાઈ!
    લોકગીત પર્વની ઊજવણી બદલ લયસ્તરોને અભિનંદન અને આભાર!
    સુધીર પટેલ.

  6. KAPIL DAVE said,

    July 14, 2009 @ 10:56 AM

    ખુબજ સરસ સાહેબજી

    http://www.kapilnusahitya.wordpress.com

  7. hipal said,

    March 17, 2011 @ 9:52 AM

    મજા આવિ ગઇ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment