આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના
ફૂલો એ બીજું કૈં નથી, પગલાં વસંતના !
મનોજ ખંડેરિયા

ઘણીવાર એક વ્યથા – સર્વેશ્વરદયાલ સક્સેના

ઘણીવાર એક વાસ
મારી પાસેથી પસાર થઈ જાય છે,
ઘણીવાર એક નદી
મારી સામે ભરાઈ જાય છે,
ઘણીવાર એક નાવડી
આવીને કિનારે અથડાય છે,
ઘણીવાર એક વાટ
દૂર દૂરથી બોલાવે છે.
હું જ્યાં હોઉં છું
ત્યાં જ બેસી જાઉં છું,
ઘણીવાર ધૂળમાં
એક આકૃતિ રચાઈ જાય છે.

ઘણીવાર ચાંદો ખીસ્સામાં
પડેલો મળે છે,
સૂરજને ખિસકોલી
ઝાડ પર બેઠી બેઠી ખાય છે,
ઘણીવાર દુનિયા
વટાણાનો દાણો થઈ જાય છે,
એક હથેળીમાં
આખી સમાઈ જાય છે.
હું જ્યાં હોઉં છું
ત્યાંથી ઊઠી જાઉં છું.
ઘણીવાર રાત કીડીની જેમ
ઘસડાતી આવે છે.

ઘણીવાર એક હાસ્ય
ઠંડી હવાની જેમ સૂસવાટા મારે છે.
ઘણીવાર દૃષ્ટિ
કાનટોપી પહેરી લે છે,
ઘણીવાર એક વાત
પર્વતની જેમ ઊભી થાય છે,
ઘણીવાર એક મૌન
મને કપડાં પહેરાવે છે.
હું જ્યાં હોઉં છું
ત્યાંથી ચાલી નીકળું છું.
ઘણીવાર એક વ્યથા
યાત્રા બની જાય છે.

– સર્વેશ્વરદયાલ સક્સેના

અર્થને તાણીને – તોડ્યા વગર – કેટલો ખેંચી શકાય એ જોવાની રમત એટલે ‘એબ્સ્ટ્રેકટ’ કવિતા. આજકાલ ‘એબ્સ્ટ્રેક્ટ’ કવિતાઓ જ મનમાં ઘૂમરાયા કરે છે  એટલે સ્વાભાવિક રીતે જ સ.સ.ની આ કવિતા યાદ આવી. વ્યથા-રંજિત મનના psychedelic રંગોને કવિએ અહીં બરાબર પકડ્યા છે. આ કવિતામાં કેટલીય ‘અઘરી’ સાંજને સરળ કરી દેવાની તાકાત છે.

15 Comments »

  1. ઊર્મિ said,

    June 23, 2009 @ 10:12 PM

    ઘણીવાર દૃષ્ટિ
    કાનટોપી પહેરી લે છે,
    …..
    ઘણીવાર એક વ્યથા
    યાત્રા બની જાય છે.

    વાહ… વાહ… વ્યથાને યાત્રા તરીકે જોવાની સાવ નવી દૃષ્ટિ ઘણી ગમી… સુંદર અછાંદસ…!

  2. kirankumar chauhan said,

    June 23, 2009 @ 10:27 PM

    કવિતા એબ્સ્ટ્રેક છે, એબ્સર્ડ પણ છે ને વળી સમજાય પણ છે. કવિશ્રીએ તો ખરેખર કમાલ કરી દીધી ! પ્રત્યેક કલ્પનો વિચારતા કરી મૂકે અને દાદ માગી લે એવા છે.

  3. mrunalini said,

    June 23, 2009 @ 11:08 PM

    ઘણીવાર એક વાત
    પર્વતની જેમ ઊભી થાય છે,
    ઘણીવાર એક મૌન
    મને કપડાં પહેરાવે છે.
    હું જ્યાં હોઉં છું
    ત્યાંથી ચાલી નીકળું છું.
    ઘણીવાર એક વ્યથા
    યાત્રા બની જાય છે.

    આ તો ડિલેરિયમ લાગે છે.એક વાર્તા યાદ આવે છે
    ગુરુએ જાહેરાત કરી : ‘કાલે દેશનું બધું પાણી આપવાનું બંધ થશે અને પરમ દિવસે નવું પાણી અપાશે. જે જે આ નવું પાણી પીશે તે બધાં ગાંડા થઈ જશે.’ અને ગુરુ જતા રહ્યા.

    કોઈએ એની વાત ઉપર ધ્યાન આપ્યું નહિ. ફકત એક માણસ માની ગયો અને પોતાના ઘરમાં વાસણો ભરીને સારું પાણી રાખ્યું.

    નવું પાણી આવ્યું અને બધા લોકો ગાંડા થતા રહ્યા. ગાંડું બોલતા અને ગાંડુ કાઢતા, પણ બધાં એવું કરતાં એટલે કોઈને કંઈ ખોટું થતું હોય એમ લાગ્યું નહિ. ફક્ત ડાહ્યો રહેલો માણસ એ જોતો અને જોઈને દુ:ખી થતો. એ બધાને સમજાવવા ગયો કે આ તો ગાંડપણ છે, એ છોડીને ફરી બધાં ડાહ્યાં થઈ જાઓ. પણ એની વાત સાંભળીને બધાં હસતાં, અને ઊલટું, એ ગાંડો છે એમ બધાં કહેતાં.

    ડાહ્યા માણસે ડાહ્યા રહેવા માટે ઘણું સહન કર્યું, ઘણા પ્રયત્નો કર્યા પણ એનું જીવન અસહ્ય બની ગયું. આખરે પોતાનું પાણી ઢોળીને એણે નવું પાણી પીધું અને એ ગાંડો થયો ત્યારે એ ડાહ્યો થયો હતો એનો ઉત્સવ બધા લોકોમાં ઊજવાયો.

    શું, હું એકલો ડાહ્યો છું અને બધાં ગાંડાં છે ? એ વિચાર આવે ત્યારે જાગૃતિનું પહેલું પગલું આવ્યું સમજવું.

  4. pragnaju said,

    June 23, 2009 @ 11:22 PM

    એબસ્ટ્રેક ચિત્રો કે આવા અછાંદસને ન સમજાય તેવી રીતે રજુઆતની દાદ મળતી રહે છે…
    થોડા વખતથી માનસિક રોગોને વાર્તા કે કાવ્યો વિ.થી પણ સમજાવવાનો પ્રયત્ન થયો છે.
    અને ‘તારે જમીં પર’ જેમ સફળ રહ્યો છે.ડો.મુકુલ જેવા નિષ્ણાતને વિનંતી કે આને –
    ઘણીવાર ચાંદો ખીસ્સામાં
    પડેલો મળે છે,
    સૂરજને ખિસકોલી
    ઝાડ પર બેઠી બેઠી ખાય છે,

    … શું કહેવાય??

  5. પંચમ શુક્લ said,

    June 24, 2009 @ 6:25 AM

    ઘણીવાર એક વ્યથા
    યાત્રા બની જાય છે.

  6. Pinki said,

    June 24, 2009 @ 7:05 AM

    મૂળ કવિતા :

    अक्सर एक गन्ध
    मेरे पास से गुज़र जाती है,

    अक्सर एक नदी
    मेरे सामने भर जाती है,

    अक्सर एक नाव
    आकर तट से टकराती है,

    अक्सर एक लीक
    दूर पार से बुलाती है ।

    मैं जहाँ होता हूँ
    वहीं पर बैठ जाता हूँ,

    अक्सर एक प्रतिमा
    धूल में बन जाती है ।

    अक्सर चाँद जेब में
    पड़ा हुआ मिलता है,

    सूरज को गिलहरी
    पेड़ पर बैठी खाती है,

    अक्सर दुनिया
    मटर का दाना हो जाती है,

    एक हथेली पर
    पूरी बस जाती है ।

    मैं जहाँ होता हूँ
    वहाँ से उठ जाता हूँ,

    अक्सर रात चींटी-सी
    रेंगती हुई आती है ।

    अक्सर एक हँसी
    ठंडी हवा-सी चलती है,

    अक्सर एक दृष्टि
    कनटोप-सा लगाती है,

    अक्सर एक बात
    पर्वत-सी खड़ी होती है,

    अक्सर एक ख़ामोशी
    मुझे कपड़े पहनाती है ।

    मैं जहाँ होता हूँ
    वहाँ से चल पड़ता हूँ,

    अक्सर एक व्यथा
    यात्रा बन जाती है ।

    definitely … I agree with Pragna auntie,

    Me too , try to understand , in this manner ….. !!!

    It’s more than a mere POEM …..

  7. preetam lakhlani said,

    June 24, 2009 @ 8:16 AM

    બધા ખુશ થતા હોય તો ચાલો હુ પણ આંખ સામે કાન કરી લઊ છુ, અને કહીશ કે આ કવિતા બહુ જ સરસ છે……સપાદક મિત્રો પણ ખુશ અને વાચક મિત્રો પણ ખુશ્…..pinkiની વાત સાચી છે…..

  8. Kirtikant Purohit said,

    June 24, 2009 @ 11:27 AM

    Mrunalini tried to explain the abstract poem by a story.But what happens if I read this poem and try to understand before drinking Second Day’s water?

    Put my DITTO after Preetambhai.

  9. ધવલ said,

    June 24, 2009 @ 7:09 PM

    આ કવિતા વિષે કદાચ abstract કહીને મેં જ બધાને જરા ગેરમાર્ગે દોરી દીધા લાગે છે !

    આ કવિતા મારી પ્રિય કવિતાઓમાંથી છે અને હું વર્ષોથી આ કવિતા વાંચું છું. ઘણી ‘અધરી’ સાંજે આ મેં આ કવિતાનો આધાર લીધો છે. એટલે આ કવિતા સમજાવવી મારે માટે આનંદનો વિષય છે.

    કવિતા ત્રણ ભાગમાં છે. પહેલો ભાગ વ્યથાના ઉદભવ પર છે. બીજો ભાગ વ્યથાની અસર પર છે. અને ત્રીજો ભાગ વ્યથાના નિરાકરણ પર છે. દરેક ભાગમાં કવિએ એક ધ્રુવપંક્તિ મૂકી છે : (હું જ્યાં હોઉં છું) ત્યાં જ બેસી જાઉં છું / ત્યાંથી ઊઠી જાઉં છું./ ત્યાંથી ચાલી નીકળું છું.

    પહેલા ભાગમાં વ્યથાના વાદળ ઘેરાય છે એ વાત abstract પ્રતિકોથી કરી છે. પસાર થતી વાસ, ભરાઈ જતી નદી (આંખ), કિનારે અથડાતી નાવ , દૂરથી બોલાવતો રસ્તો ( – જેના પર જવાની હવે હામ નથી) આ બધા વ્યથાથી વલોવાતા મનની પરિસ્થિતિનું વર્ણન કરે છે. હજુ રેતીમાં એ જ (ભૂતકાળની) આકૃતિ રચાયા કરે છે. કવિ જ્યાં છે ત્યાં જ બેસી પડે છે.

    બીજા ભાગમાં વ્યથાની અવસ્થાને કવિ વર્ણવે છે. જ્યારે મન વ્યગ્ર, વ્યથાગ્રસ્ત સ્થિતિમાં હોય ત્યારે દુનિયામાં બધુ નિરર્થક લાગે છે. કવિને ચંદ્ર ખીસ્સામાં પડી રહેલા વ્યર્થ પરચૂરણ જેવો લાગે છે. સૂર્ય ખિસકોલીના ખોરાક જેવો અને દુનિયા આખી વટાણાના દાણા જેવી નકામી લાગે છે. કવિ વલોપાતમાં ચાલવા માંડે છે. પણ સમય એમની સાથે ચાલતો નથી – સમય તો આવા વખતે ઘસડાતો , કીડીની ગતિથી ધીમે ધીમે ચાલે છે.

    દરેક માણસને પોતાની વ્યથા બહુ મોટી અને વિશિષ્ટ લાગે છે પણ હકીકતમાં દરેક વ્યથાનો course એકદમ predictable હોય છે. એક સાદુ હાસ્ય પણ આવા સમયે ભોંકાય છે. મન જાણે કાનટોપી પહેરી લીધી હોય એવું આંધળું થઈ જાય છે. અને નાની નાની વાત પણ પર્વત જેવી લાગે છે – આ બધું વ્યથામાંથી પસાર થનાર દરેક માણસને થાય છે. સૌથી જાદૂઈ પંક્તિઓ છેલ્લા ભાગમાં છે. વ્યથાના સમયે કવિને મૌન ‘કપડા પહેરાવે’ છે. (એટલે કે વિચાર-નગ્ન મનને દિશા બતાવે છે.) વ્યથાનું મારણ મૌન અને મનન છે એ કવિ બહુ વિશિષ્ટ રીતે કહે છે. વ્યથાની એકવિધતાનું જ્ઞાન થતા અને મૌન-મનનની ચાવી મળતા, કવિ પોતે ડગલા ભરવા માડે છે. અને…. એ સાથે જ વ્યથા એક યાત્રા, એક સફર, એક મંઝિલની તરફ જવાની કેડી બની જાય છે !

    દરેક વ્યથા કે મુસિબત આપણને બહુ અઘરી લાગે પણ એમા ખરેખર ખાસ કશું નવુ હોતું નથી. વ્યથાની anatomy સમજીને, વ્યથાને એક યાત્રામાં બદલી નાખવી એ તદ્દન આપણા હાથમાં છે. આ કવિતા પોતાની વ્યથાને જાતની બહાર નીકળીને, દૂરથી જોવાની -ને સમજવાની- દ્રષ્ટિ પૂરી પાડે છે એટલે એ મને ખૂબ ગમે છે. કવિએ abstract કલ્પનોના ઉપયોગથી એક treasure hunt જેવી અસર ઊભી કરી છે, જેથી અર્થ જ્યારે સમજાય ત્યારે વધુ મઝા આવે છે.

    હવે ફરી એક વાર કવિતા વાંચી જુઓ… મઝા ન આવે તો પૈસા પાછા 🙂

  10. ઊર્મિ said,

    June 24, 2009 @ 10:27 PM

    અરે વાહ ધવલભાઈ… કવિતાને કેવી સ-રસ રીતે સાવ ખોલી આપી તમે…!
    અને વાંચકોને આખી કવિતાની anatomy જ સમજાવી દીધી… એય ખૂબ જ અસરકારક રીતે…!
    વ્યથાને યાત્રા તરીકે જોવાની કવિની દૃષ્ટિ તો ખૂબ જ નિરાળી લાગી હતી… પણ તમે તો આખી કવિતાની ભીતર-યાત્રા કરાવી દીધી દોસ્ત… ( પૈસા પાછા લેવાની તો વાત જ શી કરવી, આ તો તમને ડબલ-ટ્રીપલ પૈસા આપવાનું મન થઈ જાય એવો જક્કાસ આસ્વાદ કરાવ્યો…! 🙂 )

  11. Pinki said,

    June 25, 2009 @ 1:12 AM

    આ કાવ્યમાં કેટલીય ‘અઘરી’ સાંજને સરળ કરી દેવાની તાકાત છે.
    તમે તો કવિતા ખોલી જ આપી’તી…..
    અને આમ પણ, કાવ્ય પોતે જ એટલું સક્ષમ અને પ્રગટ છે કે,
    આપણે જાતે જ તેની વ્યથા-યાત્રાનાં સહયાત્રી બની જઈએ…. !!!

    પણ કવિએ વ્યથા યાત્રાનું ચિત્રણ જે પ્રતિકો દ્વારા કવિએ કર્યું છે ,
    તેને પ્રજ્ઞાઆંટીએ કહ્યું એમ, જો મનોચિકિત્સકની નજરે તપાસવામાં આવે તો,
    કાવ્ય હજુ પણ વધુ ખૂલે , ખાસ કરીને પ્રતિકો…….. !!

    એટલે જ મેં આગળ લખ્યું’તું : It’s more than a ‘ POEM’

  12. વિવેક said,

    June 25, 2009 @ 1:59 AM

    સુંદર કવિતા…

    કેટલીક કવિતા શીઘ્ર પ્રત્યાયનક્ષમતા ધરાવતી ન હોવાના કારણે એ બહુલોકભોગ્ય બની શક્તી નથી… ધવલની સમજૂતીને સલામ છે પણ એ સિવાય પણ આ કવિતા ત્રણ-ચારવાર વાંચીએ ત્યારે ભીતર કશીક ગૂંગળામણ થતી અનુભવાય છે… આખી કવિતા ન પણ સમજાય તો પણ આ ગૂંગળામણની અનુભૂતિ પોતે પણ કદાચ આ કાવ્યની સાચી ફળશ્રુતિ હોઈ શકે…

  13. પંચમ શુક્લ said,

    June 25, 2009 @ 6:04 AM

    બહુ સરસ રીતે કવિતા ખોલી આપી ધવલ!

    આ વાત બહુધા ભૂલી જવાતી હોય છે કવિ કે કાવ્યનું પ્રમુખ કામ લોક-રંજનનું કે સમાજ-સુધારણાનું નથી. હા આ અન્ય કાર્યોમાં એ જાણે-અજાણે ઉપકારક થાય તો એ એની વિશેષ ઉપલબ્ધિ ગણી શકાય.

    બીજું ભાવકની પ્રકૃતિ, વાદળીની જેમ absorb કરવાની ક્ષમતા અને કાવ્ય વાંચતી વખતે અચલિત્-વિચલિત મનઃસ્થિતિ પણ કવિતાને પામવામાં ઉપકારક કે વિઘ્નરૂપ સાબિત થતી હોય છે.

  14. urvashi parekh said,

    June 25, 2009 @ 5:58 PM

    ઘવલભાઈ,
    સરસ રીતે કાવ્ય ને સમજાવ્યુ,
    અને ફરી વખત વાંચી..
    સરસ..

  15. kirankumar chauhan said,

    June 30, 2009 @ 11:22 PM

    ફરી એકવાર સાબિત થયું કે લયસ્તરો માત્ર કવિતા વાંચવાની નહીં પણ કવિતાને સમજીને માણવાની વેબસાઇટ છે. ધવલભાઇ, વિવેકભાઇ ખૂબ આગળ વધો.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment