આંખે છવાયો કાયમી ‘આવ્યા નહીં’નો થાક!
પગને સતાવે છે હવે ‘ચાલ્યા નહીં’નો થાક!
-ડૉ.મનોજ જોશી ‘મન’

વિજન કેડો – પ્રદ્યુમ્ન તન્ના

આવનજાવન જહીં રે ઝાઝી
ધોરી એવે મારગ જાવા મનડું મારું લેશ ન રાજી ;
હાલ્યને વાલમ !
લૈ’યે આપણ દૂરની ઓલ્યી કોતર કેરો વિજન કેડો !

ઘણીક વેળા ગૈ છું ત્યાંથી, એકલી ને સૈ’ સાથ,
કળણ વળણ ઓળખું એવાં જેવો નિજનો હાથ;
ને ધાઈ એવી નથ નેસ જાવાની, હજી તો અરધો દન પડેલો !
હાલ્યને વાલમ !
લૈ’યે આપણ દૂરની ઓલ્યી કોતર કેરો વિજન કેડો !

આંકડા ભીડી કરના કે સાવ સોડમાં સરી હાલું,
કાનની ઝાલી બૂટ ચૂમી લઉં મુખડું વા’લું વા’લું;
કોઈ નહિ તહીં જળનારું રે નીરખી આપણો નેડો !
હાલ્યને વાલમ !
લૈ’યે આપણ દૂરની ઓલ્યી કોતર કેરો વિજન કેડો !

હેઠળ વ્હેતાં જળ આછાં ને માથે ગુંજતું રાન,
વચલે કેડે હાલતાં મારા કંઠથી સરે ગાન;
એકલાંયે આમ ગોઠતું તહીં, પણ જો પિયા હોય તું ભેળો-
હાલ્યને વાલમ !
લૈ’યે આપણ દૂરની ઓલ્યી કોતર કેરો વિજન કેડો !

ભાવનગરના અધેવાડાના પ્રદ્યુમ્ન તન્ના (જન્મ: 1929) કવિ હોવા ઉપરાંત સારા ચિત્રકાર અને ફોટોગ્રાફર પણ ખરાં. શરીર ભલેને દેશ છોડીને ઇટાલીના કોમોમાં જઈ વસ્યું પણ કવિતાઓમાંથી ગામડું અને મીઠી તળપદી ભાષા જઈ ન શકી. કાવ્ય સંગ્રહ: ‘છોળ’.

4 Comments »

  1. ધવલ said,

    March 21, 2006 @ 11:01 PM

    I have been reading this poem over and over again… and everytime I love it more. It grows on you !

  2. amit pisavadiya said,

    August 2, 2006 @ 3:09 AM

    પ્રેમિકાની મન ની વાત ,
    સુંદર રચના છે.

  3. લયસ્તરો » ખાંત - પ્રદ્યુમ્ન તન્ના said,

    August 19, 2007 @ 1:58 AM

    […] – પ્રદ્યુમ્ન તન્ના તરણેતરના મેળામાં 60ના દાયકામાં ઢોલીઓ પોતાના કૂંડાળા દોરી ઊભા રહેતા. પૈસા આપીને એમાં પગ મૂકવાનો અને પછી ઢોલીના તાલે થીરકવાનું. ઢોલી જેટલો કાબેલ એટલું એનું કૂંડાળું જામે. બે નમણી સૈયર આનાનો લાગો આપીને કૂંડાળામાં ઘૂસી પણ દેખાવે બળુકા ઢોલીનો ઢોલ બરાબર ન જામતાં રાસ જમાવી શકી નહીં ત્યારે છણકો કરીને બોલી કે ‘હરખું વજાડને ‘લ્યા! ઠીંકરી નથી દીધી કાંઈ, આનો દીધો છે એક આનો’. ફોટોગ્રાફી કરવા મેળામાં આવેલ પ્રદ્યુમ્ન તન્ના આ ખેલ જોતા હતા અને જન્મ્યું આ ગીત. આળસ ન ઊડે તો સિંધીની હોટલમાં જઈ સ્પેશીયલ ચા પી આવવાની વાત પણ કેવી તળપદી શૈલીમાં રજૂ થઈ છે ! સૈયરની મનોકામના એવા રાસે ચડવાની છે કે મેળામાં આવેલ બધા માણસો ઘેલા થઈ ટોળે વળે અને વાદે ચડીને સામા કૂંડાળે રાસ રમવાના નામે આડા ફાટેલ મનના માણીગરને આ કૂંડાળામાં આવવાની ફરજ પડે. (ચાળીસ વર્ષથી વધુ લાંબી કાવ્યસાધનાના પરિપાક સમો આ ઈટાલીનિવાસી કવિનો પહેલો સંગ્રહ “છોળ’ મનભરીને માણવા સમો થયો છે. તળપદી ભાષાનું વરદાન એમને કેવુંક ફળ્યું છે તે એમની આ રચનામાં પણ જોઈ શકાય છે) […]

  4. Kantilal Parmar said,

    June 3, 2009 @ 6:20 AM

    અતિ આનંદ થયો, શ્રી પ્રદ્યુમ્નભાઈના કાવ્યો વાંચવા મળ્યા.
    અમે મળતા રહીએ છીએ એટલે આ વાતનો ઉલ્લેખ કરવા મળશે.
    કાંતિલાલ પરમાર
    હીચીન

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment