ટોચ પર પહોંચી નિવેદન થઈ શકે,
એ તરફ છે, આ તરફ પણ ઢાળ છે.
વંચિત કુકમાવાલા

ગઝલ – ડૉ. જગદીપ નાણાવટી

રસ્તો થવું ગમે છે મને ભીડની તળે
મંઝિલ બનું તો લોક ફકત એક બે મળે

છળના અફાટ રણમાં પીગળતો આ આયનો
મૃગજળ થઈને આજ ફરીથી મને છળે

વાતો તણો સબંધ હવે ક્યાં રહ્યો છતાં
અફવા જરાક અમથી બધા કાન સાંકળે

પીળા કરમ કરીને બધાં પાંદડાં ખરે
લીલું મઝાનું પુણ્ય ઊગે એક કૂંપળે

તુલસી નહીં, ન જળ કોઈ જીહ્વા ઉપર હશે
રમતું તમારું નામ સતત આખરી પળે

– ડૉ. જગદીપ નાણાવટી

મુસાફરીમાં જે મજા છે એ મંજિલમાં નથીની વાત કવિ સાવ અનૂઠી રીતે જ લાવ્યા છે. ટોચ પર હંમેશા એકલતા જ હોવાની. વળી કવિની વાતમાં જે સમર્પણની ભાવના છે એની અહીં ખરી મજા છે. કવિ પોતે નથી મુસાફર કે નથી મુસાફરીમાં, પણ અન્યની મુસાફરીમાં પાયાનો આધાર- રસ્તો-બનવાની ખેવના કરે છે અને રસ્તો પણ એટલા માટે બનવા ચહે છે કે અનેકોને ધ્યેયપૂર્તિમાં કામ આવી શકે, મંઝિલ બની જાય તો એકાદ-બે જણને જ સંતોષનો ઓડકાર અપાવવાનું નિમિત્ત બની શકે…

11 Comments »

 1. pragnaju said,

  May 14, 2009 @ 1:58 am

  મઝાની ગઝલ
  તુલસી નહીં, ન જળ કોઈ જીહ્વા ઉપર હશે
  રમતું તમારું નામ સતત આખરી પળે

  તેમની જ પંક્તીઓ યાદ આવી
  કશ્મકશ મંદિર અને મદિરાલયો વચ્ચે હતી
  સ્વર્ગની સઘળી મઝા, બસ બે કદમ, નીચે હતી

  એટલે નક્કી કર્યું બદનામ થાવું મેં ખુદા
  નામના તારી, શહેરના હર ખુણે ખાંચે હતી

 2. sunil shah said,

  May 14, 2009 @ 4:54 am

  રસ્તો થવું ગમે છે મને ભીડની તળે
  મંઝિલ બનું તો લોક ફકત એક બે મળે

  કંઈક, નવી–નોખી કલ્પના ગમી ગઈ..

 3. bharat joshi said,

  May 14, 2009 @ 6:29 am

  “પીળા કરમ કરીને બધાં પાંદડાં ખરે
  લીલું મઝાનું પુણ્ય ઊગે એક કૂંપળે”
  ખુબ સરસ

  સુન્દર રચના

 4. ઊર્મિ said,

  May 14, 2009 @ 7:20 am

  સુંદર મજાની ગઝલ… અભિનંદન જગદીપભાઈ !

  રસ્તો થવું ગમે છે મને ભીડની તળે
  મંઝિલ બનું તો લોક ફકત એક બે મળે

  મત્લાનો શેર શિરમોર થયો છે.

 5. sapana said,

  May 14, 2009 @ 9:24 am

  સરસ ગઝલ…
  સપના

 6. P Shah said,

  May 14, 2009 @ 11:13 pm

  રસ્તો થવું ગમે છે મને ભીડની તળે
  મંઝિલ બનું તો લોક ફકત એક બે મળે……

  સુંદર વાત કહી.

 7. ધવલ said,

  May 15, 2009 @ 6:07 pm

  પીળા કરમ કરીને બધાં પાંદડાં ખરે
  લીલું મઝાનું પુણ્ય ઊગે એક કૂંપળે

  – સરસ 🙂

 8. Pancham Shukla said,

  May 16, 2009 @ 4:34 am

  બહુ મજાની ગઝલ.

 9. urvashi parekh said,

  May 17, 2009 @ 8:23 pm

  સરસ ગઝલ..
  રસ્તો થવુ ગમે,
  પીળા કરમ,લીલુ પુણ્ય,
  સરસ વાત, સુન્દર રિતે કહી છે..

 10. RJ MEET said,

  May 19, 2009 @ 6:41 am

  ડાઉન ટુ અર્થ રહેતા માણસો માટે અદભુત ઉદાહરણરુપ પંક્તિઓ..
  રસ્તો થવું ગમે છે મને ભીડની તળે
  મંઝિલ બનું તો લોક ફકત એક બે મળે

  સલામ નાણાવટી સાહેબને..
  -મીત

 11. jyoti hirani said,

  July 13, 2013 @ 8:24 pm

  સરસ ગઝલ્

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment