રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા
મનોજ ખંડેરિયા

વિજોગ – મનસુખલાલ ઝવેરી

(સોરઠા)

ઘન  આષાઢી ગાજિયો, સળકી  સોનલ  વીજ,
સૂરે       ડુંગરમાળ     હોંકારા     હોંશે      દિયે.

મચવે    ધૂન   મલ્હાર   કંઠ   ત્રિભંગે   મોરલા,
સળકે  અન્તરમાંહ્ય સાજણ ! લખલખ સોણલાં.

ખીલી    ફૂલબિછાત,    હરિયાળી    હેલે   ચડી,
વાદળની   વણજાર  પલપલ  પલટે   છાંયડી.

ઘમકે   ઘૂઘરમાળ   સમદરની  રણઝણ  થતી,
એમાં તારી  યાદ  અન્તર ભરી ભરી  ગાજતી.

નહિ જોવાં  દિનરાત : નહિ  આઘું,  ઓરું  કશું;
શું ભીતર કે બહાર, સાજણ ! તુંહિ તુંહિ એક તું.

નેન   રડે   ચોધાર  તોય   વિજોગે   કેમ   રે ?
આ  જો  હોય  વિજોગ, જોગ વળી કેવા હશે ?

– મનસુખલાલ ઝવેરી

પ્રણય, વિરહ અને વિરહની તીવ્રતાનો અદભુત રંગ અહીં ઊઘડે છે. કવિ જાણે ચિત્રકાર હોય એમ કલમથી અમૂર્ત સૌંદર્યને જાણે કે મૂર્ત કરે છે. આષાઢી મેઘ ગાજે એના પડઘા ડુંગરાઓ ઝીલે છે. મોર ત્રિભંગી કરી મલ્હાર રાગ જાણે કે આલાપે છે અને અંતરમાં પ્રિયજનના લાખો સપનાંઓ આકાર લે છે. ફૂલો એમ ખીલ્યા છે જાણે ચાદર ન બિછાવી હોય અને ઘાસ પણ કંઈ આ સ્પર્ધામાં પાછળ રહે એમ નથી. અષાઢી વાદળો ઘડીમાં કાળા, ઘડીમાં ધોળા, પળમાં સૂરજને ઢાંકે તો પળમાં ખોલે એમ તડકી-છાંયડી વેરે છે. સમુદ્રમાં જેમ મોજાંઓ રણઝણે એમ દિલમાં પ્રિયજનની અફાટ-અસીમ યાદ માઝા મૂકે છે. આવામાં દિવસ શું ને વળી રાત શું? આઘું શું ને વળી નજીક શું? અંદર શું ને વળી બહાર શું? અત્ર-તત્ર-સર્વત્ર તું જ- તુંનો પોકાર છે… છેલ્લી બે પંક્તિઓમાં તો વળી સૉનેટમાં જોવા મળે એવી ચોટ છે… વિયોગમાં અંતરની અને બહારની સૃષ્ટિ જો આ રંગ-રૂપ લેતી હોય તો પ્રિયજન જો આવી ચડે તો તો પછી વાત જ શું પૂછવી?

7 Comments »

  1. pragnaju said,

    April 19, 2009 @ 9:10 AM

    નેન રડે ચોધાર તોય વિજોગે કેમ રે ?
    આ જો હોય વિજોગ, જોગ વળી કેવા હશે ?
    ભાવ સભર પંક્તીઓ
    જાણે મેઘદૂત માટે સંદેશ
    ધણિયાણીને સ્મરછ કની તું વ્હાલી હતી તે

  2. pragnaju said,

    April 19, 2009 @ 9:14 AM

    નેન રડે ચોધાર તોય વિજોગે કેમ રે ?
    આ જો હોય વિજોગ, જોગ વળી કેવા હશે ?
    ભાવ સભર પંક્તીઓજાણે મેઘદૂત માટે સંદેશ
    ધણિયાણીને સ્મરછ કની તું વ્હાલી હતી તે

  3. sudhir patel said,

    April 19, 2009 @ 11:23 AM

    જોગ-વિજોગનાં દુહાઓથી અહીં સવાર સુધરી ગઈ!
    સુધીર પટેલ.

  4. ઊર્મિ said,

    April 19, 2009 @ 2:17 PM

    વાહ… ખૂબ જ મજાનાં દોહાઓ… પ્રથમ ત્રણ દોહામાં બહારની રમ્ય પ્રકૃતિ અને બાકીનાં ત્રણ દોહામાં ભીતરની ગમ્ય પ્રકૃતિ… ખૂબ જ મજા આવી ગઈ !

  5. ધવલ said,

    April 19, 2009 @ 9:52 PM

    નેન રડે ચોધાર તોય વિજોગે કેમ રે ?
    આ જો હોય વિજોગ, જોગ વળી કેવા હશે ?

    – સરસ !

  6. ડો.મહેશ રાવલ said,

    April 20, 2009 @ 5:26 AM

    ઘણાં લાંબા સમયે આવી રચના માણવા મળી……

  7. P Shah said,

    April 20, 2009 @ 12:44 PM

    આ જો હોય વિજોગ, જોગ વળી કેવા હશે ?
    ખૂબ જ સુંદર દુહાઓ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment