બળતરા, જરા જેવી કળતર.. નિસાસો,
ગળે શ્વાસને, જાણે અજગર નિસાસો.
ગળે હાર હીરાનો સૌને દીસે છે,
ન દેખાય ભીતરનું જડતર – નિસાસો
– નેહા પુરોહિત

ગઝલ – પંકજ વખારિયા

Pankaj Vakharia_Dharti ma unde aabh ma uncho gayo hashe

(પંકજ વખારિયાના હસ્તાક્ષરમાં ‘લયસ્તરો’ માટે એક અપ્રગટ કૃતિ)

ધરતીમાં ઊંડે, આભમાં ઊંચે ગયો હશે
એમ જ તો કોઈ માનવી પુષ્પિત થતો  હશે

જંગલનું વૃક્ષ પાઠવે છે શહેરી વૃક્ષને
પાણી ઘણું છે વનમાં, ત્યાં તડકો ઘણો હશે

આતુર થઈને સૂંઘી વળે નાનાં છોડવાં
એનાય નામે કોઈએ ટહુકો લખ્યો હશે

ધબકે અવર-જવર છતાં એકાંત ના તૂટે
ઘરમાં કવિના વૃક્ષ સમો ઓરડો હશે

સંગીત લીલું લીલું આ કાયમ નહીં રહે
ખખડાટ કોઈ વેળા સૂકાં પાનનો હશે

દુઃખ પાનખરમાં આમ તો વૃક્ષોને કંઈ નથી
છાંયો ઘટી પડ્યાનો જરા વસવસો હશે

રહેશે ન માથે છાંયડો કાલે આ વૃક્ષનો
હા, વારસામાં એક સરસ બાંકડો હશે

– પંકજ વખારિયા

પંકજની ગઝલ જ્યારે જ્યારે વાંચું છું ત્યારે એ એક એક શેર પર એક એક ગઝલ જેટલી મહેનત કરે છે એવી મારી માન્યતા વધુ ને વધુ દૃઢીભૂત થતી રહે છે. વૃક્ષ ઉપર લખાયેલી આ મુસલસલ ગઝલ જ જોઈ લ્યો. એક-એક શેર કાબિલે-દાદ થયા છે. માનવમાંથી મહામાનવ બનવાની આખી યાત્રાને માત્ર બે લીટીમાં સમાવી લેતો આ ગઝલનો મત્લા આપણી ભાષાનો સર્વકાલીન યાદગાર શેર થવા સર્જાયો છે. મૂળ ધરતીમાં ઊંડે ખોડાયેલા રહે અને ડાળ આકાશ ભણી ગતિ કરતી રહે, ઉર્ધ્વગતિ જેમ વધુ થતી રહે એમ મૂળ વધુ ઊંડે ઊતરતા રહે અને આ બે વિરુદ્ધ દિશાનો સુમેળ થાય ત્યારે જ તો પુષ્પિત થવાતું હોય છે ! કેવી ઊંચી વાત! માત્ર બે પંક્તિમાં?!

ગઝલ નામના કાવ્યપ્રકારની ઠેકડી ઊડાવનારાઓ… ક્યાં છો તમે?

15 Comments »

  1. manhar m.mody said,

    March 28, 2009 @ 2:25 AM

    સરસ ભાવવાહિ અને અર્થપૂર્ણ ગઝલ. વાંચીને ખુબ સારું લાગ્યું.

    – ‘મન’ પાલનપુરી (મનહર એમ. મોદી, પાલનપુર)

  2. pradip sheth said,

    March 28, 2009 @ 3:57 AM

    દરેક શેર જ નહિ , શબ્દે શબ્દ કેટલા અર્થસભર અને સચોટ છે.

  3. KIRANKUMAR CHAUHAN said,

    March 28, 2009 @ 4:39 AM

    … વસવસો હશે અને ….બાંકડો હશે – આ બે શેરો માટે તો કવિને સલામ !

  4. sudhir patel said,

    March 28, 2009 @ 9:00 AM

    ખૂબ જ સુંદર અર્થપૂર્ણ ગઝલ!
    ‘ગઝલની બે પંક્તિમાં (શે’રમાં) એક આખો દરિયો ઉછાળવાની તાકાત છે, એ અન્ય ક્યાં છે?’ એ વાત મેં મારા નવા ગઝલ-સંગ્રહમાં ભારપૂર્વક નોંધી છે અને એને આ પ્રકારની ગઝલો સાર્થક કરે છે. આભાર અને અભિનંદન.
    સુધીર પટેલ.

  5. ધવલ said,

    March 28, 2009 @ 7:05 PM

    દુઃખ પાનખરમાં આમ તો વૃક્ષોને કંઈ નથી
    છાંયો ઘટી પડ્યાનો જરા વસવસો હશે

    રહેશે ન માથે છાંયડો કાલે આ વૃક્ષનો
    હા, વારસામાં એક સરસ બાંકડો હશે

    – સરસ !

  6. Abhijeet Pandya said,

    March 28, 2009 @ 8:21 PM

    ખુબ સરસ ગઝલ. ગઝલમાં ભાવ સાતત્ય જાળવવામાં ગઝલકાર સફળ
    રહ્યા છે. અભિનંદન.

    અભીજીત પંડ્યા. ( ભાવનગર )

  7. sunil shah said,

    March 28, 2009 @ 10:43 PM

    સાચે જ..વાંચતાંવેંત જ સ્પર્શી ગઈ ગઝલ.

  8. preetam lakhlani said,

    March 29, 2009 @ 10:06 AM

    very nice gazal……..

  9. Pinki said,

    March 29, 2009 @ 12:35 PM

    ધરતીમાં ઊંડે, આભમાં ઊંચે ગયો હશે
    એમ જ તો કોઈ માનવી પુષ્પિત થતો હશે

    દુઃખ પાનખરમાં આમ તો વૃક્ષોને કંઈ નથી
    છાંયો ઘટી પડ્યાનો જરા વસવસો હશે

    સુંદર ગઝલ …..

  10. P Shah said,

    March 29, 2009 @ 11:48 PM

    સુંદર ગઝલ !
    એમ જ તો કોઈ માનવી પુષ્પિત થતો હશે….

  11. deepak said,

    March 30, 2009 @ 2:38 AM

    દુઃખ પાનખરમાં આમ તો વૃક્ષોને કંઈ નથી
    છાંયો ઘટી પડ્યાનો જરા વસવસો હશે

    રહેશે ન માથે છાંયડો કાલે આ વૃક્ષનો
    હા, વારસામાં એક સરસ બાંકડો હશે

    આ બે શેરો ખુબજ ગમ્યા…

  12. ડો.મહેશ રાવલ said,

    March 31, 2009 @ 6:17 AM

    અત્યંત સંવેદનશીલ વિષય ગઝલમાં સમાવીને કવિએ
    પોતાનો “ક્લાસ” પ્રસ્તુત કર્યો છે.અને અંતિમ શૅરમાં લુપ્ત થઈ રહેલાં પર્યાવરણના વારસાને સ-રસ રીતે આપણે જાળવી નથી રહ્યાં એ વિષે
    માર્મિક અને ગર્ભિત ટકોર પણ કરી છે….!
    -અભિનંદન.

  13. ઊર્મિ said,

    March 31, 2009 @ 10:15 AM

    ધરતીમાં ઊંડે, આભમાં ઊંચે ગયો હશે
    એમ જ તો કોઈ માનવી પુષ્પિત થતો હશે

    દુઃખ પાનખરમાં આમ તો વૃક્ષોને કંઈ નથી
    છાંયો ઘટી પડ્યાનો જરા વસવસો હશે

    રહેશે ન માથે છાંયડો કાલે આ વૃક્ષનો
    હા, વારસામાં એક સરસ બાંકડો હશે

    આમ તો બધા જ શે’ર કાબિલેદાદ થયા છે… પણ આ ત્રણ જરા વધુ ગમી ગયા.

  14. pragnaju said,

    April 2, 2009 @ 11:02 PM

    રહેશે ન માથે છાંયડો કાલે આ વૃક્ષનો
    હા, વારસામાં એક સરસ બાંકડો હશે
    સંવેદનાશીલ

  15. raeesh maniar said,

    April 5, 2009 @ 9:20 AM

    પન્કજ મારો પ્રિય કવિ છે. ગઝલમાં સુંદર બારીક નકશીકામ કરનાર આ કવિની પ્રતિભા પર હજુ બહુ લોકોનું ધ્યાન ગયું નથી, એ અફસોસની વાત છે. યોગ્ય કવિને એનુ ઉચિત સ્થાન આપવા બદલ લયસ્તરોને અભિનંદન.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment