સિગ્નલ ખુલ્યું હો એમ ખૂલે છે ભવિષ્ય પણ
ત્યારે જ આંબી જાય છે પૂરૂં થયેલ વય
સંજુ વાળા

ગઝલ – નીતિન વડગામા

હટી જાશે બધા પથ્થર સ્મરણ જો એમનું થાશે,
થશે એકેક ક્ષણ અવસર સ્મરણ જો એમનું થાશે.

નરી આંખે નહીં દેખાય એકે કોડિયું ક્યાંયે,
બધા દીવા થશે અંદર સ્મરણ જો એમનું થાશે.

અહીં આ મોહમાયાના અગોચર એક પરદાથી,
સહજ રીતે થવાશે પર સ્મરણ જો એમનું થાશે.

નફા કે ખોટની ખોટી બધી ચિંતા તમે છોડો,
હિસાબો થઈ જશે સરભર સ્મરણ જો એમનું થાશે.

બધો ઉકળાટ આપોઆપ ઓગળશે ઘડીભરમાં,
જરા ઝીણી થશે ઝરમર સ્મરણ જો એમનું થાશે.

નહીં કૈં નીપજે નાહક બધાયે આ ઉધામાથી,
થશું સુંદર અને સદ્ધર સ્મરણ જો એમનું થાશે.

અચાનક કોઈ આવી પ્રાણવાયુ પૂરશે એમાં,
પછી પંગુ થશે પગભર સ્મરણ જો એમનું થાશે.

– નીતિન વડગામા

એમના સ્મરણને તાદૃશ કરતી આ ગઝલના સાત શેર જાણે કે ઈન્દ્રધનુષના સાત રંગ છે. આ વાત પ્રેયસીની પણ હોઈ શકે, પ્રભુની પણ. ભાવકને પોતાની રીતે આખી ગઝલ અનુભવવાની છૂટ છે. સ્મરણની શક્તિનો કાકુવિશેષ કવિએ સરસ રીતે સિદ્ધ કર્યો છે…

એમના સ્મરણમાત્રથી પથ્થર સમી સૌ અડચણ દૂર થઈ જશે અને ક્ષણમાત્ર અવસર બની રહેશે. આંખો ખોલીને જુઓ તો ક્યાંય કોડિયું નજરે નહીં ચડે કેમકે સ્મરણનો ઉજાસ ભીતર અજવાળું પાથરે છે. એક સાચું સ્મરણ સાવ સહજતાથી મોહમાયાના પડળોથી પરે લઈ જઈ શકે છે અને પછી કોઈ હિસાબો સરભર કરવાની ચિંતા રહેતી નથી. સ્મરણની આછી ઝરમર જીવનભરના ઉકળાટને શાતા બક્ષે છે તો આપણી સુંદરતા અને સદ્ધરતા પણ સ્મરણની ભરપૂરતા પર જ અવલંબે છે. પંગુ થઈ બેઠેલા જીવતરમાં યાદનો પ્રાણવાયુ પુરાયો નથી કે એ પગભર થયું નથી…

16 Comments »

 1. manhar m.mody said,

  April 2, 2009 @ 1:22 am

  ‘એમનું સ્મરણ’ કેટકેટલાં કામ કરે છે ! ખુબ મઝાની ગઝલ.
  – ‘મન’ પાલનપુરી

 2. Pinki said,

  April 2, 2009 @ 1:30 am

  ઇશ્કે હકીકીનો મિજાજ વધુ લાગે …..
  પણ આશિકીના રંગે પણ રંગાઇ જવાય !!

 3. Abhijeet Pandya said,

  April 2, 2009 @ 3:31 am

  નરી આંખે નહીં દેખાય એકે કોડિયું ક્યાંયે,
  બધા દીવા થશે અંદર સ્મરણ જો એમનું થાશે.

  સુદર રચના.

 4. P Shah said,

  April 2, 2009 @ 3:38 am

  સુંદર વૈભવી સ્મરણોની ગઝલ !

  એમના એક સ્મરણને અજવાળે
  દૂર થશે ઉદાસીના અંધકાર.

 5. sunil shah said,

  April 2, 2009 @ 5:34 am

  કવિ એવા સ્મરણની વાત કરે છે જેનાથી બધે આનંદ..આનંદ થઈ જાય. આપણા સંબંધોમાં એવું એકાદ પણ મળી જાય તો ય ઘણું…!
  સુંદર ગઝલ.

 6. Krunal Thakkar said,

  April 2, 2009 @ 6:15 am

  ખુબ જ સુંદર રચના અને અલૌકિક અનુભુતિ.

  “નરી આંખે નહીં દેખાય એકે કોડિયું ક્યાંયે,
  બધા દીવા થશે અંદર સ્મરણ જો એમનું થાશે.”
  અદભુત અનુભવ…

 7. ઊર્મિ said,

  April 2, 2009 @ 8:20 am

  નિતીનભાઈએ ખૂબ જ સુંદર રીતે ‘સ્મરણ’ને ઉજવ્યું છે… કવિશ્રીને હાર્દિક અભિનંદન !
  સાતેસાત અશઆર જાણે એક-એક અવસર જેવા લાગે છે…!
  બધાં અશઆરને ફરીથી અહીં કોપી-પેસ્ટ કરવાનું મન થઈ ગયું…..

  સુંદર આસ્વાદ મિત્ર…!

 8. sapana said,

  April 2, 2009 @ 10:42 am

  કવિશ્રીએ સ્મરણનુ જે વર્ણન કર્યુ છે,તેના પરથી લાગે છે કે પ્રિય પાત્રની પળે પળમાં સુવાસ હોય છે અને બધી તકલીફો ભુલાવી દે છે.

  સપના

 9. અનામી said,

  April 2, 2009 @ 11:20 am

  સરસ.

 10. urvashi parekh said,

  April 2, 2009 @ 4:35 pm

  પ્રિય પાત્ર નુ સ્મરણ કેટ કેટલુ કરાવી શકે છે તેનિ સુન્દર અનુભુતિ.
  સરસ રિતે પ્રેમ વ્યક્ત થયો છે.
  સરસ રચના.

 11. sudhir patel said,

  April 2, 2009 @ 7:58 pm

  સર્વાંગ સુંદર ગઝલ!
  સુધીર પટેલ.

 12. ધવલ said,

  April 2, 2009 @ 8:44 pm

  બધો ઉકળાટ આપોઆપ ઓગળશે ઘડીભરમાં,
  જરા ઝીણી થશે ઝરમર સ્મરણ જો એમનું થાશે.

  – સરસ !

 13. pragnaju said,

  April 2, 2009 @ 10:53 pm

  અહીં આ મોહમાયાના અગોચર એક પરદાથી,
  સહજ રીતે થવાશે પર સ્મરણ જો એમનું થાશે.

  નફા કે ખોટની ખોટી બધી ચિંતા તમે છોડો,
  હિસાબો થઈ જશે સરભર સ્મરણ જો એમનું થાશે.

  ગઝલનાં ઉંડા મૂળ તો છેક સુફી સંતો સુધી નિકળે છે, સુફી સંતો ઇશ્વરને માશુકના રુપમાં માને છે અને ઇશ્વર પ્રત્યે જે પ્રેમ બયાં કરે છે તેને ’ઇશ્કે-હકીકી’ કહેવાય, આ પણ એક ઉંચા દરજ્જાનો
  પ્રેમ…
  આ ગઝલમા દર્શન થાય છે…

 14. paresh said,

  April 3, 2009 @ 3:53 am

  ધોમધખતા તાપમાં જ્યારે પગ મારાં દાઝતાં હતાં , બનીંને વ્રુક્ષનીં શિતળ છાંયાં ઓ પ્રિયતમ ! તું જ તો ઊભો હતો ! કડકડતી ઠંડીમાં જ્યારે અંગેઅંગ મારું ધ્રુજતું હતું , બનીંને તાપણું મને ગરમી આપવા તું જ તો ત્યારે પ્રગટ્યો હતો ! ધોધમાર વરસાદમાં હું અંગેઅંગ નિતરતો હતો , બનીંને ઓથ કો અજ્ઞાત દિવાલનીં તું જ તો આશરો બન્યો હતો ! ઓ પ્રિયતમ ! તું મૂર્તિ બનીંને જ પ્રગટ થા એવો મારો જરાય આગ્રહ નથી હોં !

  આમ તો તેનું સ્મરણ માત્ર તેનું જ સાનિધ્ય છે. નિતિનભાઈ આ સ્મરણનું સાનિધ્ય તમને સદા મળતું રહે ત્વી જ તેને પ્રાર્થના. સુદર રચના.

 15. KIRANKUMAR CHAUHAN said,

  April 3, 2009 @ 10:39 am

  સ્મરણની આ તાકાત ! વાહ નીતિનભાઇ!

 16. Priyjan(shruti) said,

  April 10, 2009 @ 4:13 pm

  આ બન્ને શેર ખુબ જ સરસઃ

  બધો ઉકળાટ આપોઆપ ઓગળશે ઘડીભરમાં,
  જરા ઝીણી થશે ઝરમર સ્મરણ જો એમનું થાશે.

  નરી આંખે નહીં દેખાય એકે કોડિયું ક્યાંયે,
  બધા દીવા થશે અંદર સ્મરણ જો એમનું થાશે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment