રમેશ, ભાગ જલદી ભાગ, કોરા કાગળમાં
સમયનું ઝેર ચડ્યું છે, ઉતારવું પડશે.
રમેશ પારેખ

આપણી યાદગાર ગઝલો : ૧૧ : ઉદાસી આ સૂરજની આંખે ચડી છે – ભગવતીકુમાર શર્મા

ઉદાસી આ સૂરજની આંખે ચડી છે,
તમારા વિના સાંજ ડૂસકે ચડી છે.

મને ઉંબરે એકલો છોડી દઈને,
હવે ખુદ પ્રતીક્ષા ઝરૂખે ચડી છે.

તમે નામ મારું લખ્યું’તું કદી જ્યાં,
મધુમાલતી એ જ ભીંતે ચઢી છે.

જરા ગણગણી લઉં તમારી સભામાં,
ભૂલાયેલ પંકતિઓ હોઠે ચડી છે.

– ભગવતીકુમાર શર્મા (જન્મ: 31 મે 1934)

આખી ગઝલમાં કવિએ ઉદાસીને ઘૂંટી છે અથવા ઉદાસીને ઉજવી છે એમ પણ કહી શકાય. અહીં કવિ કશું જ મોઘમ નથી રાખતા. શરૂઆત જ ઉદાસી શબ્દથી કરે છે જે આખી ગઝલમાં આવનારી ઉદાસીનાં એંધાણ આપી દે છે. પ્રિયતમની કંઈક એવી આતુરતાથી પ્રતિક્ષા થઈ રહી છે કે સ્વયં પ્રતિક્ષા જ હવે આતુર થઈ ઉઠી છે… અને ઝરૂખે ઊભા રહીને પ્રિયતમની રાહ જોતું પ્રિયજન જાણે કે ખુદ પ્રતિક્ષાનો જ એક પર્યાય બની ગયું છે, પરંતુ પ્રિયતમનાં આવવાનાં કોઈ એંધાણ નથી. અને આ પ્રતિક્ષા એટલે કંઈ થોડા કલાકોની કે થોડા દિવસોની પ્રતિક્ષા તો નથી જ. આ તો છે ચીર-પ્રતિક્ષા…! અને એનાં સમયનો ખ્યાલ આપણને ત્યારે આવે છે જ્યારે કવિ કહે છે જે ભીંત ઉપર એકવાર પ્રિયતમે મારું નામ લખ્યું હતું એના પર તો હવે મધુમાલતી છવાઈ ગઈ છે. અહીં ભીંત ખંડેર થઈ ગઈ છે એમ કવિ નથી કહેતા, પરંતુ નામ આખરે તો પ્રિયતમ દ્વારા લખવામાં આવ્યું છે એટલે જ કદાચ મધુમાલતી જેવો નાજુક અને સુગંધી શબ્દ વાપરે છે અને પ્રતિક્ષાની લંબાઈ સમજાવવા માટે તેઓ મધુમાલતીની વેલનાં ભીંતે ચડવા જેવો કોમળ વાક્યપ્રયોગ કરે છે. ઉદાસ ક્ષણોમાં જ્યારે ખાતરી થઈ જાય છે કે આ પ્રતિક્ષા પણ અનંત જ છે ત્યારે કવિ પ્રેમની પળોની યાદોની સભામાં ભૂલાયેલી પંક્તિને ગણગણવાની વાત કરે છે… જે પંક્તિ ખરેખર ભૂલાયેલી તો છે જ નહીં. અને આ પંકિત એટલે કે પ્રિયતમે કરેલી પ્રેમની વાતો. આમ પણ જ્યારે પ્રિયતમની પ્રતિક્ષા કરતાં હોઈએ ત્યારે તો ખાસ આપણું મન-હૃદય પ્રિયતમે કહેલી ઘણી વાતો અને ઘણા શબ્દો ઘૂંટવા અને ગણગણવા લાગી જાય છે; એ વાતો અને શબ્દો પ્રિયતમની હાજરીમાં તો કદાચ યાદ પણ નથી રહેતા. એક જ ભાવજગતમાં રહીને કવિ ચારેય શેરોમાં ડુસકાં, પ્રતિક્ષા, એકલતા અને યાદો દ્વારા જાણે કે આપણને ઉદાસીની પરિક્રમા કરાવે છે. એટલે જ ગઝલમાં માત્ર ચાર શેરો હોવા છતાં એ જરાય અધૂરી નથી લાગતી.

આ ગઝલનાં ભાગ-2 જેવી લાગતી એમની બીજી એક ગઝલ પણ આ જ રદીફ અને કાફિયા સાથે અહીં માણો.

11 Comments »

 1. વિવેક said,

  December 10, 2008 @ 6:37 am

  સુંદર અર્થગહન રચના… ચાર શેર નહીં, પ્રણયના ચાર વેદ છે જાણે !

 2. ધવલ said,

  December 10, 2008 @ 1:46 pm

  બહુ ઉત્તમ ગઝલ. ‘મધુમાલતી’ શબ્દને રાષ્ટ્રિય સંપત્તિ જાહેર કરવો જોઈએ એટલો સરસ એ શબ્દ છે !

 3. અનામી said,

  December 10, 2008 @ 1:59 pm

  સુંદર ગઝલ અને સરસ અર્થઘટન…આભાર.

 4. uravshi parekh said,

  December 10, 2008 @ 8:05 pm

  બધુ જ સરસ છે.
  અભાર્…

 5. Jina said,

  December 11, 2008 @ 12:49 am

  ઘણાં સમયથી આખી ગઝલ વાંચવાની ઈચ્છા હતી… આભાર

 6. Just 4 You said,

  September 3, 2009 @ 12:35 am

  ઉદાસી આ સૂરજની આંખે ચડી છે,
  તમારા વિના સાંજ ડૂસકે ચડી છે.

  મને ઉંબરે એકલો છોડી દઈને,
  હવે ખુદ પ્રતીક્ષા ઝરૂખે ચડી છે.

  TOO GOOD

 7. Ratnesh Joshi said,

  March 11, 2010 @ 10:31 am

  શ્યામ સાધુ નિ યાદ આવેી ગઈ
  ક્યાક ઝરણાનેી ઉદાસેી પથ્થરો વચ્ચે પડેી ચ્હછ્હે્ે
  ્ક્યાક તારેી યાદ્નેી મૌસમ રડેી ચ્છ્હે
  આવ મારા રેશમેી દિવસોના કારણ
  ઝિન્દગેી જેને કહેી ચ્હે એ અહેી ઠેબે ચડેી ચ્છ્હે

 8. c r mehta said,

  September 11, 2010 @ 1:37 pm

  મને ઉંબરે એકલો છોડી દઈને,
  હવે ખુદ પ્રતીક્ષા ઝરૂખે ચડી છે.
  Excellent

 9. kanchankumari. p.parmar said,

  September 12, 2010 @ 6:09 am

  ઉદાસી તો મે મારિ આંખો મા આંજિ છે……આંસુઓ મા તુ જો….કેવિ મજા નિ તારિ છબિ છે…..!

 10. Naman said,

  May 13, 2012 @ 5:19 am

  ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે,
  તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે.
  મને ઉંબરે એકલો છોડી દઈને,
  હવે ખુદ પ્રતિક્ષા ઝરૂખે ચઢી છે.
  અનુભવ છે દરિયાના તોફાનનો પણ,
  આ રેતીમાં નૌકા ખરાબે ચઢી છે.
  લખ્યું’તું તમે નામ મારું કદી જ્યાં,
  મધુમાલતી એ જ ભીંતે ચઢી છે.
  ઝરી જાય જળ, કે મળે જળસમાધિ,
  જુઓ, પાંપણો કુવાકાંઠે ચઢી છે.
  ઘણા રૂપ લૈ લૈ ને જન્મે છે સીતા,
  હવે લાગણી પણ ચિતા એ ચઢી છે.
  જરા ગણગણી લૌં તમારી સભામાં,
  ભુલાયેલ પંક્તિઓ હોઠે ચઢી છે.
  – ભગવતીકુમાર શર્મા

 11. Naman said,

  May 13, 2012 @ 5:20 am

  અહીં ૨ પંક્તિ પણ વધારે છે અને “ચડી છે” ને બદલે “ચઢી છે” અમ છે.!

  http://gujaratikavitaanegazal.wordpress.com/2011/12/18/%E0%AA%89%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B8%E0%AB%80-%E0%AA%86-%E0%AA%B8%E0%AB%82%E0%AA%B0%E0%AA%9C%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%82%E0%AA%96%E0%AB%87-%E0%AA%9A%E0%AA%A2%E0%AB%80-%E0%AA%9B%E0%AB%87/

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment