ફૂલ ને ખુશબૂની પાસે આટલું શીખું તો બસ-
એ જ મારું છે હું જેને પાસે રાખી ના શકું.
વિવેક મનહર ટેલર

આપણી યાદગાર ગઝલો : ૦૯ : ઓ હૃદય, તેં પણ ભલા ! કેવો ફસાવ્યો છે મને? – બેફામ

ઓ હૃદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને?
જે નથી મારા બન્યાં, એનો બનાવ્યો છે મને!  

સાથ આપો કે ના આપો એ ખુશી છે આપની,
આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને.

સાવ સહેલું છે, તમે પણ એ રીતે ભૂલી શકો,
કે તમારા પ્રેમમાં મેં તો ભુલાવ્યો છે મને.

મારા દુઃખના કાળમાં એને કરું છું યાદ હું,
મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે મને.

હોત દરિયો તો હું તરવાની ય તક પામી શકત,
શું કરું કે ઝાંઝવાંઓએ ડુબાવ્યો છે મને.

કાંઈ નહોતું એ છતાં સૌએ મને લુંટી ગયા,
કાંઈ નહોતુ એટલે મેં પણ લુંટાવ્યો છે મને.

એ બધાંનાં નામ દઈ મારે નથી થાવું ખરાબ,
સારાં સારાં માનવીઓએ સતાવ્યો છે મને.

તાપ મારો જીરવી શકતાં નથી એ પણ હવે,
લઈ હરીફોની મદદ જેણે જલાવ્યો છે મને.

છે હવે એ સૌને મારો ઘાટ ઘડવાની ફિકર,
શુદ્ધ સોના જેમ જેઓએ તપાવ્યો છે મને.

આમ તો હાલત અમારા બેય ની સરખી જ છે,
મેં ગુમાવ્યાં એમ એણે પણ ગુમાવ્યો છે મને.

આ રીતે સમતોલ તો કેવળ ખુદા રાખી શકે,
ભાર માથા પર મૂક્યો છે ને નમાવ્યો છે મને.

સાકી, જોજે હું નશામાં ગમને ભૂલી જાઉં નહિ,
એ જ તો આ તારા મયખાનામાં લાવ્યો છે મને.

આપ સાચા અર્થમાં છો મારે માટે તો વસંત,
જ્યારે જ્યારે આપ આવ્યાં છો, ખિલાવ્યો છે મને.

એ બધાં બેફામ જે આજે રડે છે મોત પર,
એ બધાંએ જિંદગી આખી રડાવ્યો છે મને.

– બરકત વીરાણી ‘બેફામ’
(1925 – 1994)

સ્વર-સંગીત : મનહર ઉધાસ

[audio:http://tahuko.com/gaagar/layastaro/Befam-O_HRIDAY.MP3]

ચૌદ વર્ષની ઉંમરે પ્રથમ ગઝલ લખનાર બેફામસાહેબ ‘શયદા’સાહેબનાં જમાઈ હતા.  એમની એક ગઝલને પસંદ કરવાનું અઘરું કામ કર્યું તો ખરું, પણ આ ગઝલની પસંદગી કરીને બીજી ઘણી ગઝલોને અન્યાય કર્યો હોય એવું પણ લાગ્યું.  ફરી જો એક યાદગાર ગઝલ પસંદ કરવા બેસું તો 100%  ગઝલ બદલાઈ જ જાય… એવી એવી સુંદર અને સ-રસ ગઝલોની એમણે ગુજરાતી સાહિત્યને ભેટ આપી છે.  એમની મોટાભાગની ગઝલોનાં મક્તાનાં શેરમાં એમણે મોતને જ ઉજવ્યું છે.  આ ગઝલનો મત્લા, મક્તા અને બીજા થોડા અશઆર ખૂબ જ લોકપ્રિય થયેલા છે.  ત્રીજા શેરમાં અન્યનાં પ્રેમમાં જાતને ભૂલી જવાની એમની ‘સાવ સહેલી વાત ‘ હૃદયને ખૂબ જ સ્પર્શી જાય છે. અને પછી પ્રેમીને ગુમાવવાની વેદના વ્યક્ત કરીને તરત જ ‘એણે પણ ગુમાવ્યો છે મને’ ની હૂંફ મૂકી દઈને કવિએ કમાલ કરી છે…!  જીવનમાં મળેલાં દર્દોની કવિએ ખુદા આગળ ફરિયાદ નથી કરી, ઊલટાનું દર્દ અને ખુશીઓને જીવનમાં સમતોલ રાખવાનાં ખુદાનાં ન્યાયને સાવ સહજ તરીકે સ્વીકારીને જાણે ખુદાનાં વકીલનું કામ કરતા હોય એમ લાગે છે.  અને આમ જોઈએ તો આખી ગઝલમાં જીવનમાં મળેલા દર્દોની કવિ દ્વારા કોઈ ફરિયાદ જ નથી… માત્ર વેદનાનો સહજ અને બખૂબી સ્વીકાર છે.

12 Comments »

  1. અનામી said,

    December 9, 2008 @ 4:09 AM

    સુંદર ગઝલ…ગુજરાતી ગઝલસાગર માંથી જો ફકત પ્રથમ વીસ ગઝલોને જ ચુંટવાની હોય તો ગમે તેના હાથે અન્યાય થઈ જ જાય.

  2. Dr.Vinod said,

    December 9, 2008 @ 10:48 AM

    અતિશય સુંદર ગઝલ…
    ૨૦ ગઝલો પસંદ કરવાનું કામ ખરેખ્ર કપરું છે…..

  3. ડો.મહેશ રાવલ said,

    December 9, 2008 @ 7:37 PM

    પરંપરામાંથી આ જ શીખવા જેવું છે,સરળ શબ્દોમાં સામાન્યરીતે અસામન્ય વાત કહી શકાય….!
    અદભૂત અભિવ્યક્તિ……..

  4. uravshi parekh said,

    December 9, 2008 @ 8:13 PM

    ઘણા ઘણા અર્થ સાથે નિ ઘણી સરસ ગઝલ.
    કેટ્લા બધા અનુભવો ભર્યા છે.
    ઘણિ વખત આપણ ને જ સ્પર્શતુ હોય છે.

  5. વિવેક said,

    December 10, 2008 @ 6:32 AM

    વીસ ગઝલો અને અન્યાયવાળી વાત સાથે સહસા સહમત થયા વિના છુટકો નથી. ધવલ, ઊર્મિ અને મેં-ત્રણે જણે મળીને અમારી સમજણ અનુસાર આ ગઝલો પસંદ કરી છે… કોઈને આ પસંદગી યોગ્ય લાગે, કોઈને ન પણ લાગે. કોઈને આ કવિઓ યોગ્ય લાગે, કોઈને અન્ય કવિઓ પણ યાદ આવે…

    અમે લયસ્તરોની વર્ષગાંઠ દર વખતે નવી જાતનું બોનસ આપીને ઉજવવાની કોશિશ કરીએ છીએ. કોઈને ન ગમે તો નમ્રભાવે ક્ષમાયાચના…

  6. સુરેશ જાની said,

    December 10, 2008 @ 8:06 AM

    ગઈકાલે જ જીમમાં ટ્રેડમીલ પર ચાલતાં આ ગઝલ સાંભળી.
    એક વધુ વર્ષ પુરું કરવા માટે અભીનંદન.
    લયસ્તરોએ ગુજરાતી કવીતાને લોકપ્રીય કરવા કરેલ પ્રયત્નો કાબીલે દાદ છે.

  7. chandresh shah said,

    December 11, 2008 @ 3:07 AM

    કવિતા લોકો સુધેી ખરેખ્રર સરસ રેીતે પહોચે ચે

  8. Lata Hirani said,

    December 15, 2008 @ 5:35 AM

    ચયન સ..રસ છે. અભિનંદન તમને ત્રણેયને…

  9. bakulesh pandya said,

    May 28, 2010 @ 7:35 AM

    લયસ્તરો મ મનિકાન્ પન્દયા નિ કવ્યમાલા ના સમાવવા ના પ્રયાસ થાય તો મજા આવએ.

  10. Manish Gaudana said,

    March 7, 2013 @ 1:26 AM

    સાકી, જોજે હું નશામાં ગમને ભૂલી જાઉં નહિ,
    એ જ તો આ તારા મયખાનામાં લાવ્યો છે મને.

    તેમજ

    કાંઈ નહોતું એ છતાં સૌએ મને લુંટી ગયા,
    કાંઈ નહોતુ એટલે મેં પણ લુંટાવ્યો છે મને.

    એ બધાંનાં નામ દઈ મારે નથી થાવું ખરાબ,
    સારાં સારાં માનવીઓએ સતાવ્યો છે મને.

    બહુજ હ્યદય સ્પર્શી…
    મનિષ ગૌદાણા…

  11. narendrasinh chauhan said,

    March 7, 2013 @ 3:28 AM

    તાપ મારો જીરવી શકતાં નથી એ પણ હવે,
    લઈ હરીફોની મદદ જેણે જલાવ્યો છે મને.

    છે હવે એ સૌને મારો ઘાટ ઘડવાની ફિકર,
    શુદ્ધ સોના જેમ જેઓએ તપાવ્યો છે મને.
    અતિ સુન્દર

  12. jaldhi said,

    September 26, 2016 @ 2:23 AM

    સાકી, જોજે હું નશામાં ગમને ભૂલી જાઉં નહિ,,,,
    એ જ તો આ તારા મયખાનામાં લાવ્યો છે મને….

    this is really good…
    Vaah Befam saheb Vaah!!! kya baat hai…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment