એમ કોઈ બહાર રહીને આપણી ભીતર રહે,
જેમ ઊડતા પંખીનો પડછાયો ધરતી પર રહે.
આમ અંદર બ્હાર એકાકાર થઈ જાશે પછી,
શો ફરક કે કોઈ મારી બ્હાર કે ભીતર રહે.
મુકુલ ચોક્સી

આપણી યાદગાર ગઝલો : ૦૮ : ખુશ્બૂમાં ખીલેલા ફૂલ હતાં – સૈફ પાલનપુરી

ખુશ્બૂમાં ખીલેલા ફૂલ હતાં ઊર્મિમાં ડૂબેલા જામ હતા,
શું આંસુનો ભૂતકાળ હતો – શું આંસુનાં પણ નામ હતાં.           

થોડીક શિકાયત કરવી’તી થોડક ખુલાસા કરવા’તા,
ઓ મોત જરા રોકાઈ જતે – બેચાર મને પણ કામ હતાં.

હું ચાંદની રાતે નીકળ્યો’તો ને મારી સફર ચર્ચાઈ ગઈ,
કંઈ મંઝિલ પણ મશહૂર હતી – કંઈ રસ્તા પણ બદનામ હતાં.

જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,
બહુ ઓછાં પાનાં જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતાં.

પેલા ખૂણે બેઠા છે એ “સૈફ” છે મિત્રો જાણો છો ?!
કેવો ચંચલ જીવ હતો ને કેવા રમતારામ હતા ! 

 – સૈફ પાલનપુરી
(1923 – 1980)

સ્વર-સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય 

[audio:http://tahuko.com/gaagar/layastaro/Saif Palanpuri-Khushboo Na Khilela Phul.mp3]

સૈફુદ્દીન ગુલામ અલી ખારાવાલા…. એટલે કે આપણા પ્રિય ગઝલકાર ‘સૈફ’ પાલનપુરી. પોતાને ‘શયદાશિષ્ય’ તરીકે ઓળખાવવામાં ગૌરવ અનુભવતા સૈફ સાહેબનું  ગુજરાતી ભાષાની મુશાયરાપ્રવૃત્તિના વિકાસમાં ખૂબ જ નોંધનીય યોગદાન રહ્યું છે.  અને એમની કોઈ યાદગાર ગઝલની પસંદગી વાત આવે એટલે યાદ કરવાનો પ્રયત્ન કર્યા વગર આ ગઝલ તરત જ મગજમાં આવી જઈ જાતે જ છવાઈ જાય.  એક એકથી ચડિયાતા શેરવાળી એમની આ ગઝલ ખૂબ જ લોકપ્રિય થયેલ છે. 

ખુશ્બૂમાં ખીલેલા ફૂલ હતાં“… ફૂલ તો આમેય ખુશ્બૂમાં જ ખીલતું હોય છે, એ જ રીતે ખીલવાનો એનો સ્વભાવ છે. પરંતુ કવિ મત્લાનાં શેરમાં જ આપણને પ્રણયનાં ચાર તબક્કાની સફર કરાવી દે છે. પ્રેમનાં સાન્નિધ્યમાં ખીલવાનું એટલે કે ‘કંઈક થયું છે ‘નો પ્રથમ તબક્કો. અને બીજો તબક્કો એટલે પ્રેમથી છલોછલ અને લાગણીથી ભરપૂર એવા નશાનો જાજરમાન તબક્કો… પરંતુ પછી મોટા ભાગની પ્રેમકથામાં કહાનીમેં ટ્વીસ્ટ ની જેમ આવતો ત્રીજો તબક્કો…! એટલે કે અશ્રુઓનાં સમીકરણોથી લખાતો આંસુઓનો ભૂતકાળ… જે અધૂરી ઈચ્છાઓની લાશો અને અનાથ સ્વપ્નોનાં ખંડેરોથી ભર્યો ભર્યો હોય… અને વળી એ એક એક આંસુઓનાં નામો પાડી શકાય એટલો અકથ્ય વિરહ એટલે કે પ્રણયનો ચોથો અને પરિપક્વ તબક્કો… (અને કુલ કેટલા તબક્કાઓ હોય છે, એ તો દરેક પ્રણયકથા પર અંગત-આધારિત હોય છે!) આવી રીતે મને તો એમ જ લાગે છે કે આ એક જ શેરમાં કવિએ જાણે આખી પ્રણયકથા કહી નાંખી છે.      

મનુષ્યમાત્રને જેટલું જીવન હોય એટલું ઓછું જ લાગે. આપણે હમણાં કોઈને પૂછીએ તો મોટાભાગનાં લોકો લગભગ એમ જ કહેશે કે અત્યારે મોત આવે તોય મને જરાય વાંધો નથી. પરંતુ જો કોઈ જ્યોતિષ આપણને ખાનગીમાં કહે કે આવતા ફલાણા દિવસ સુધી તમારા માથે ભારે ઘાત છે તો એના નિવારણ માટે આપણે લગભગ બધું જ કરી છૂટીએ… અને જો મોતનાં સમયની સાચે જ ખબર પડે અને યમદેવતા સાથે જો વાત કરવાનો મોકો મળે તો આપણે બધા 100% એમ જ કહીએ કે બેચાર કામ પતી જાય પછી અમને તમારી સાથે આવવામાં બિલકુલ વાંધો નથી… વળી સાથે સાથે થોડી શિકાયતો અને ખુલાસાઓ બાકી રાખ્યા હોય તો એનો હિસાબ પણ પતાવવાનો તો હોય જ. અને આ બધી તો આપણા બધાની સાવ સીધી, સાદી ને સાચી વાત છે, જેમાંથી લગભગ કોઈ જ બાકાત નથી. પરંતુ કવિએ આ જ સહજ વાતને એકદમ સહજતાથી સ્વીકારીને આપણને એક અસહજ શેરની ભેટ ધરી દીધી છે.

માણસ ભલે અંદરનાં અજવાળે સફર કરતો હોય પરંતુ જ્યારે ખુદ મંઝિલ અને એ મંઝિલ ઉપર પહોંચવાના બધા રસ્તાઓ જ બદનામ હોય તો એની સફર ગમે તેટલી સ્વચ્છ હોય, પણ એ સફર વિશે જાતજાતની અફવાઓ તો નક્કી ઉડવાની જ. અને જ્યારે આ લખું છું ત્યારે મને વિચાર આવે છે કે નેક ઈરાદાવાળા ગણ્યાંગાંઠ્યા થોડા સારા માણસોની અત્યારે બિલકુલ આવી જ દશા હશે, કે જેઓ આપણાં દેશનાં રાજકારણની ગંદકી સુધારવા માંગે છે.

જખ્મોવાળો પ્રખ્યાત શેર તો બધાને સાવ પોતીકો લાગે છે… સૌને જાણે એમના માટે જ કવિએ લખ્યો હોય એમ જ લાગે છે. જો કે, વાતેય સાવ સાચી છે. જીવનની સમી સાંજે જો આપણે આપણને મળેલા જખ્મોથી યાદી તપાસવા બેસીશું, તો જખ્મો આપવાવાળાઓનાં નામો યે કદાચ નામ લઈ પણ નહીં શકાય એવાં સાવ અંગત અંગત જ નીકળશે… અને જો અંગત ન હોય તો એમનું નામ જખ્મોથી યાદીમાંયે શું કામ આવે?! એમ પણ કોઈકે સાચું જ કહ્યું છે કે આપણને સૌથી વધુ દુ:ખ આપવાની શક્તિ માત્ર એમનામાં જ હોય છે કે જેમને આપણે સૌથી વધુ પ્રેમ કરીએ છીએ.

આપણે આપણી જાતથી અલગ થઈને કેટલી વાર સ્વને ચકાસીએ છીએ?  કવિએ મક્તાનાં શેરમાં તો ખરેખર કમાલ કરી છે. જેમ આપણે અન્ય લોકોનું આસાનીથી અવલોકન કરી શકીએ છીએ, બસ એવી જ રીતે કવિની જેમ જો જાતને અવલોકીશું તો ખબર પડશે કે આપણું સાચું મ્હોરું કયું છે અને કયું લગાવીને હંમેશા ફર્યા કરીએ છીએ…!

ઉર્દુનાં ગઝલકાર સૈફ ગુજરાતીનાં ગઝલકાર કેવી રીતે બન્યા?!… એ વાત એમના જ શબ્દોમાં વાંચો !

(ઓત્તારી… ગઝલ વિશેનાં મારા વિચારો પ્રગટ કરવા જતાં આ તો હારો નિબંધ જ લખાઈ ગયો…!  🙂 )

4 Comments »

 1. અનામી said,

  December 8, 2008 @ 6:09 am

  આખી ગઝલ ચમત્ક્રુતિ છે.

  ઊર્મિબહેન નિબંધ માટે આભાર.

 2. ધવલ said,

  December 8, 2008 @ 9:07 pm

  મઝાનો આસ્વાદ !

 3. વિવેક said,

  December 10, 2008 @ 6:27 am

  વાહ ઊર્મિ !

  લાજવાબ ગઝલ અને એવો જ લા-જવાબ પ્રદીર્ઘ આસ્વાદ…

 4. Jigar said,

  May 9, 2016 @ 2:00 pm

  વાહ વાહ વાહ વાહ વાહ વાહ………….
  અનંતવાર વાહ…………..
  speechless !!!!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment