શું કરું, ખબર નથી; ક્યાં જવું, ફિકર નથી,
શબ્દનું શરણ લીધું, રહીશું જેમ રાખશે.
- વિવેક મનહર ટેલર

આપણી યાદગાર ગઝલો : ૦૪ : દિવસો જુદાઈના જાય છે – ગની દહીંવાલા

દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી. 

ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી,
અહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી.

હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.

છે અજબ પ્રકારની જીદંગી, કહો એને પ્યારની જીદંગી;
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.

તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હૃદયથી જાઓ નયન સુધી.

તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.

જો હૃદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.

– ગની દહીંવાલા
(1908 – 1987)

સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વર : મુહમ્મદ રફી

[audio:http://tahuko.com/gaagar/layastaro/Gani Dahiwala-DIVASO JUDAI.mp3]

ગનીચાચાની આ ગઝલ કદાચ ગુજરાતી ગઝલની સૌથી પ્રસિદ્ધ ગઝલ છે. એમનું ભણતર નજીવું અને ઘંઘો દરજીનો. માત્ર હૈયાઉલકતના સહારે એમણે ગુજરાતી સાહિત્યની કેટલીક સર્વોત્તમ કૃતિઓનું સર્જન કર્યુ. માણસ તરીકે એકદમ પારદર્શક. એમને મળો તો ઓળખાણ તો પછી થાય પણ પહેલા એમના ચહેરા પર સ્મિત છલકાઈ જાય. એમની કૃતિઓમાં પણ એમના સ્વભાવનો પડછાયો જોઈ શકાય છે. ગઝલકારો તો ઘણા આવ્યા અને આવશે પણ બીજા ગનીચાચા મળવા અશકય છે.

6 Comments »

  1. વિવેક said,

    December 6, 2008 @ 4:41 AM

    ગનીચાચાની આ ગઝલના ઊંડાણ મિર્ઝા ગાલિબની ગઝલને આંબે એવા છે. કામિલ છંદમાં આપણી ભાષામાં ખેડાણ આમેય ઓછું જ થયું છે.

  2. ઊર્મિ said,

    December 6, 2008 @ 8:38 AM

    મારી ફેવરીટમાં ફેવરીટ ગઝલોમાંથી એક… !! આવી અમર ગઝલોએ તો ગઝલરસિકોને હજીયે જકડી રાખ્યા છે…!

    ગનીચાચાને સો સો સલામ…

  3. અનામી said,

    December 6, 2008 @ 9:50 AM

    સદાબહાર ગઝલ……..

  4. ઊર્મિ said,

    December 6, 2008 @ 2:01 PM

    સોલીભાઈનાં અવાજમાં એમનાં એક લાઈવ શોમાં એમણે ગાયેલી આ ગઝલની રેકોર્ડીંગ મૂકી છે… અહીં સાંભળી શકાશે… http://urmisaagar.com/saagar/?p=458

  5. Dabhi dilipsinh said,

    December 24, 2019 @ 10:54 PM

    Aa padhy ni samiksha kevi rite karvi?

  6. Parbatkumar said,

    December 25, 2020 @ 11:41 AM

    ગુજરાતી ગઝલનું સોનેરી શિખર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment