તું હશે સારથિ જગતનો પણ
મારા ઘરને તો હું ચલાવું છું…!

છો ને ઊંચક્યો કદી તેં ગોવર્ધન,
જાતને રોજ હું ઉઠાવું છું.
સુનીલ શાહ

વર્ષા – હર્ષદ ચંદારાણા

ગમ્યું તે ગાઈ લેવાનું વરસતું ટાણું છે વર્ષા,
કે વાદળ નામના કવિએ લખેલું ગાણું છે વર્ષા.

રહો ના બંધ ઘરમાં, નીકળો ખુલ્લી જગા જોઈ,
ઉકલશે નહીં જ, ભીંજાયા વગર, ઉખાણું છે વર્ષા.

બરાબર એક સોનામ્હોર જેવો એક છાંટો છે,
ખજાનો એનો છલક્યો છે, વરસતું નાણું છે વર્ષા.

સજી શણગાર નવવધૂના, પરણતી પુત્રી ધરતીને,
પિતા ઘનશ્યામદાસે દીધું મોઘું આણું છે વર્ષા.

સવાશ્રી, સાતસો છયાંસી, વરસતું આભ શુકનિયાળ,
દિવસ ચોવીસ, મહિને સાત, સાલે બાણું છે વર્ષા.

– હર્ષદ ચંદારાણા

વર્ષા-ગીત તો આપણે બહુ જોયા છે, આજે એક વર્ષા-ગઝલ માણો ! મેઘપુત્રી ધરતીને લગ્નપ્રસંગે આણાંમાં વર્ષા આપવાની કલ્પના જ કેટલી સરસ છે, ને વળી એ શેરમાં મેઘને માટે ‘ઘનશ્યામદાસ’ શબ્દ વાપરીને કવિએ મઝા કરાવી દીધી છે. ગઝલ લખ્યાની તારીખને કવિએ છેલ્લા શેરમાં આબાદ વણી લીધી છે.

9 Comments »

 1. shriya said,

  November 26, 2008 @ 4:46 pm

  બરાબર એક સોનામ્હોર જેવો એક છાંટો છે,
  ખજાનો એનો છલક્યો છે, વરસતું નાણું છે વર્ષા.

  સજી શણગાર નવવધૂના, પરણતી પુત્રી ધરતીને,
  પિતા ઘનશ્યામદાસે દીધું મોઘું આણું છે વર્ષા.

  વાહ! વરસાદની કેવી સુંદર કલ્પના કરી છે કવિએ! 🙂

 2. ડૉ. મહેશ રાવલ said,

  November 26, 2008 @ 7:15 pm

  અમરેલી ગામની હવામાં જ કંઈક “ભેદ” છે……. એવું લાગે છે !
  હર્ષદભાઈ,પ્રણવ અને, છેલ્લે “અમારા” રાજકોટના થઈ રહેલાં રમેશ પારેખ બધાએ વરસાદને ભરપૂર સમાવ્યો છે એમની રચનામાં,એમની આગવી રીતે……..
  પ્રસ્તુત ગઝલની અંતિમ પંક્તિમાં તો કવિએ સાવ અલગ રીતે જ રજુ કર્યું છે વર્ષાના આણાને…..!

 3. NARENDRA SHINGALA said,

  November 27, 2008 @ 1:42 am

  રહો ના બંધ ઘરમાં, નીકળો ખુલ્લી જગા જોઈ,
  ઉકલશે નહીં જ, ભીંજાયા વગર, ઉખાણું છે વર્ષા.

  બરાબર એક સોનામ્હોર જેવો એક છાંટો છે,
  ખજાનો એનો છલક્યો છે, વરસતું નાણું છે વર્ષા.
  કવીશ્રી એ સરસ મજા ની રીતે એક છાંટો સોનામહોર સાથે સરખાવી લયબધ્ધ કલ્પના દર્શાવી હ્રદય ના તાર ને જણકાવી દિધા

 4. વિવેક said,

  November 27, 2008 @ 8:36 am

  અરે યાર! આ તો અદબુત ગઝલ છે… અવનવા કાફિયાને પ્રયોજ્યા પણ અનોખી રીતે છે…

 5. pragnaju said,

  November 27, 2008 @ 10:17 am

  વાહ
  ખૂબ સુંદર ગઝલ

 6. uravshi parekh said,

  November 27, 2008 @ 6:29 pm

  કવી કેવી કેવી રિતે અને કેટલી રિતે વિચારી શકે છે તેનુ ઉત્તમ ઉદાહરણ છે.
  જ્યા ન પહોચે રવિ ત્યાઁ કવી..
  સરસ અને અલગ જ ગઝલ..

 7. sudhir patel said,

  November 28, 2008 @ 6:13 am

  અમરેલીના શ્રી હર્ષદભાઈની સુંદર ગઝલ વરસાવવા બદલ ધવલભાઈનો આભાર!
  સુધીર પટેલ.

 8. varsha tanna said,

  December 2, 2008 @ 10:18 am

  ખોૂબ વર્સ્યા તમે તો હર્ષદભાઈ. મઝા પડી ગઈ

 9. varsha thacker said,

  December 9, 2008 @ 9:15 pm

  dharti ne navvadhu ni sathe sarkhave ne tame kamal kari.wa wa. varsad na pahela chatana pade tayare dharti pan khili jaga cha navvadhu ni ja m.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment