મુસીબત પડી એ તો સારું થયું,
સ્વજનને તો સરવાનો મોકો મળ્યો.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

એક ચોમાસું – કરસનદાસ લુહાર

એક ચોમાસું કે, તું તું-થી સભર;
એક ચોમાસું કે, હું મારા વગર.

એક ચોમાસું કે, ઉનાળાઉં હું;
એક ચોમાસું કે, તું છે તરબતર !
એક ચોમાસું કે, તું બસ પર્ણ-પર્ણ;
એક ચોમાસું કે, હું છું પાનખર.
એક ચોમાસું કે, તું અલકાપુરી,
એક ચોમાસે હું રામાદ્રિ ઉપર !

– કરસનદાસ લુહાર

કાલે એક ચોમાસું ગીત વાંચ્યું, આજે એક ચોમાસું ગઝલ… ટૂંકી બહરની અને ઓછા શેરની આ ગઝલમાં કવિ મનભરીને વરસ્યા છે. બે અંતિમ છેડાની સરખામણીઓમાં વિરહની વેદનાને ધાર મળે છે અને એ ધારને ઓર તીક્ષ્ણ બનાવે છે ચોમાસાંની મૂલભૂત મિલનની ઋતુમાં થતી વાત. અંતિમ શેરમાં અલકાપુરી અને રામાદ્રિની વાતમાં કવિ કાલિદાસના મેઘદૂતને પણ અછડતું સ્પર્શી લે છે…

4 Comments »

 1. pragnaju said,

  August 23, 2008 @ 8:54 am

  એક ચોમાસું કે, તું અલકાપુરી,
  એક ચોમાસે હું રામાદ્રિ ઉપર !
  વાહ્
  મેઘદૂતની વાત યાદ આવી-
  અષાઢ અને શ્રાવણ તો કવિઓ, ભકતો અને પ્રેમીઓના મધુમાસ. અષાઢી આકાશના પહેલા વાદળને જોઇને શિવભકત મહાકવિ કાલિદાસની કવિતા ‘મેઘદૂત’નું સ્મરણ થાય! હિમાલયના શિખર ઉપર આવેલી ભગવાન શિવની અલકાનગરી મનની આંખો આગળ તરવરી રહે.શાપ પ્રમાણે, બિચારા એ યક્ષને પત્નીથી વિખૂટા પડી, અલકાનગરી છોડીને દૂર-દૂર દક્ષિણભારતના રામગિરિ-આશ્રમમાં નિવાસ કરવો પડયો. અષાઢ માસના પહેલા દિવસે, આકાશમાં ઘુમરાતું પહેલું વાદળ જોઇને, એવી માદક મોસમમાં, એને અલકામાં વિરહિણી બનીને રહેતી પોતાની પ્રિયતમાનું સ્મરણ થયું. તેણે વાદળ મારફતે પોતાની પ્રાણપ્રિયા પત્નીને ‘પ્રેમસંદેશ’ મોકલાવ્યો! આનું હૃદયસ્પર્શી વર્ણન મહાકવિ કાલિદાસે ‘મેઘદૂત’ કાવ્યમાં કર્યું છે.

 2. pragnaju said,

  August 23, 2008 @ 9:00 am

  સંતોએ અને કેટલેક અંશે અમે અનુભવેલી વાત-
  ‘પ્રેમનું સર્જન અને અહમનું વિસર્જન કુદરતના ખોળે સહજ છે.’

 3. ધવલ said,

  August 24, 2008 @ 4:44 pm

  બહુ સુઁદર !

 4. Pratik Chaudhari said,

  August 30, 2008 @ 6:02 am

  ખરેખર સુંદર છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment