એમ રહીએ જગતને વળગીને-
આંગળીથી રહે પરાયો નખ
– મનોજ ખંડેરિયા

વર્ષાકાવ્ય : ૩ : આજ અષાઢ આયો – નિરંજન ભગત

                રે આજ અષાઢ આયો,
મેં નેણના નીરમાં મનનો તે માઢ ગાયો !

દૂર દખ્ખણ મીટ માંડીને
                     મોરલે નાખી ટહેલ,
વાદળી સાગરસેજ છાંડીને 
                     વરસી હેતની હેલ;
એમાં મન ભરીને મતવાલો મોર ન્હાયો !

                      મેઘવીણાને કોમલ તારે 
                                           મેલ્યાં વીજલ નૂર,
                      મેહુલાએ ત્યાં જલની ધારે 
                                           રેલ્યા મલ્હારસૂર; 
                      એથી ધરતીને અંગ રંગઉમંગ ન માયો !

જનમાં વનમાં અષાઢ મ્હાલ્યો,
                      સંસાર મ્હાલ્યો સંગ,
અલકાથી હું દૂર, તે સાલ્યો 
                      મને ન લાગ્યો રંગ;
એ તો સૌને ભાયો ને શીતલ છાંય શો છાયો !

                      આપણે રે પ્રિય, સામસામે તીર,
                                           ક્યારે ય નહીં મિલાપ;
                      ગાશે જીવનજમુનાનાં નીર 
                                           વિરહનો જ વિલાપ ? 
                      રે આયો અષાઢ ને વાયરે તોયે વૈશાખ વાયો !

                બિરહમાં બાઢ લાયો !
                રે આજ અષાઢ આયો !

-નિરંજન ભગત

કુદરત વ્યસ્ત અને માનવ હૈયું ત્રસ્ત. વર્ષાનો (કે વર્ષાગીતોનો!) આ જ નિયમ છે !

5 Comments »

  1. pragnaju said,

    July 16, 2008 @ 5:20 PM

    સૌને ગમતું બહુ જ સરસ માઢમા…
    . આ ગીત આશિતે સ્વરાંકન પણ કર્યું છે.

  2. વિવેક said,

    July 17, 2008 @ 3:15 AM

    સુંદર ગીત. અલકાની વાત કરી કવિ મેઘદૂતને પણ સ્મરી લે છે…

  3. Jayesh Bhatt said,

    July 17, 2008 @ 3:26 AM

    વાહ સરસ વ૨સાદ તો નથિ આવતો પણ શબ્દો કેરા વ૨સાદે પલાળી દિધા.
    જયેશ્

  4. Pravin Shah said,

    July 17, 2008 @ 6:00 AM

    રે આજ અષાઢ આયો,
    મેં નેણના નીરમાં મનનો તે માઢ ગાયો !

    ગીત વાંચીને થયું કે લાવ જરા બારી બહાર જોવું કે વરસાદ તો નથી આવતો ને?

    સુંદર અષાઢી ગીત!

  5. Jina said,

    July 17, 2008 @ 8:29 AM

    જમાવટ કરી છે હોં ધવલભાઈ…!! આ વરસાદી મહેફિલ આમ જ ચાલુ રાખજો…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment