જે સફર આદરી શક્યો જ નથી
એને છે ભૂખ, પ્યાસ, થાક બધું
-હર્ષ બ્રહ્મભટ્ટ

યાદગાર ગીતો :૨૪: વ્હાલબાવરીનું ગીત – રમેશ પારેખ

સાંવરિયો રે મારો સાંવરિયો
હું તો ખોબો માગું ને દઈ દે દરિયો !

મને પૂછો કે ઘર મારું કેવડું
મારા વાલમજી બાથ ભરે એવડું

કોઈ હીરા જુવે તો કોઈ મોતી
મારી આંખો તો છેલજીને જોતી
જોતી રે રંગ કેસરિયો રે રંગ કેસરિયો

જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં

મારા વાલમનું નામ મારું નાણું
મારા મનનું ગુલાલ જેવું ગાણું
જાણું કે એણે ખાલી ઘડામાં ટહુકો ભરીયો !

– રમેશ પારેખ

(જન્મ: ૨૭-૧૧-૧૯૪૦, મૃત્યુ: ૧૭-૫-૨૦૦૬)

સંગીત: સોલી કાપડિયા
સ્વર: નિશા કાપડિયા

[audio:http://urmisaagar.com/saagar/audio/66.Saavariyo re mharo.mp3]

રમેશ મોહનલાલ પારેખ.  ગુજરાતી કવિતાનું મોંઘેરું ઘરેણું.  જેટલું લખીએ એટલું ઓછું. થોડું આપ અહીં જાણી-માણી શક્શો.

ર.પા. તો ગીતના કવિ. એમનું યાદગાર કોઈ એક જ ગીત શોધવું એ તો કેવી વિમાસણનું કામ ! છેલ્લે કળશ ઢોળ્યો આ રચના પર. પ્રેમના સાગરમાં ગળાડૂબથી ય વધુ ડૂબવાનું (સાથે જીવવાનું પણ!) કંઈ શક્ય હોય તો એ રીતે ડૂબેલી પ્રેમઘેલીનું આ મદોન્મત્ત ગીત. લયનું તોફાન અને હેતની હેલીથી ગીત સાંવરિયાની દ્વિરુક્તિના ઉઠાવથી જ સરાબોળ ભીંજવે છે.  પ્રેમની ચરમસીમા પર ખોબાની સામે દરિયો જ અપાય. વહાલમની બાથ સિવાય બીજે ક્યાંય રહેવાનો વિચાર સુદ્ધાં ન આવે એ જ ખરી મુગ્ધતા. પ્રિયતમનું નામ જ પ્રેમનું ખરું ચલણ છે. અત્તર રુમાલ પર ઢોળાય ત્યારે કયો તાંતણો બાકી રહે? (આ પંક્તિ વાંચું ત્યારે અચૂક મકરંદ દવેનું ‘અમે રે સૂકું રૂનું પૂમડું‘ યાદ આવે)

5 Comments »

  1. BB said,

    December 17, 2009 @ 7:31 AM

    How nice and full of emotions this Geet , and Nishaji has added a lot of feelings in her gayaki. Thanks vivekbhai.

  2. sapana said,

    December 17, 2009 @ 8:24 AM

    જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
    એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં

    મારુ ગમતું ગીત

    સપના

  3. sudhir patel said,

    December 17, 2009 @ 10:50 PM

    રમેશ પારેખનું કોઈ એક ગીત પસંદ કરવું એટલે લોઢાના ચણા ચાવવા જેવું અશક્ય કામ છે.
    સુંદર ગીત – ખાલી ઘડામાં ટહુકો તો રમેશ જ ભરી શકે!
    સુધીર પટેલ.

  4. pragnaju said,

    December 18, 2009 @ 10:09 PM

    આ ગીત રાજકોટમા ગવાયું ત્યારે રપા પણ માણવા બેઠા હતા અને આ ગીતના ઊંડાણ વિષે તુષારે
    રસદર્શન કરાવ્યું ત્યારે રપા પોતે પણ વિભોર થયા હતા
    જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
    એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં
    આ સેન્ટની વાત નથી અને ટીપુને બદલે આખી બાટલી ઢોળવાની વાત!!
    અને
    મને પૂછો કે ઘર મારું કેવડું
    મારા વાલમજી બાથ ભરે એવડું
    ગાવા કરતા અનુભવવાની વાત્

  5. Bharat Pandya said,

    December 23, 2009 @ 2:23 AM

    છ અક્શર્નુ નામ કે તેની કોઇપણ બીજી ચોપડી નુ કોઇપણ પાનુ ખોલો અને જે રચના વાંચો તે ર.પા. ની સૌથી ઉત્તમ ક્રુતી !!.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment