હજી માંડ થોડી રજૂઆત થઈ છે,
તમે કહો છો, સારી શરૂઆત થઈ છે.
સ્મરણની ગલીઓ ઉજળિયાત થઈ છે,
ભલે સ્વપ્નમાં, પણ મુલાકાત થઈ છે.
વિવેક મનહર ટેલર

મૌન – જોસેફ હાંઝલિક

કુહાડી કે શબ્દથી
કરાયેલા ઘા જેવું મૌન.

ગળા પરની
છરી જેવું મૌન.

ખડક પરથી તળિયા સુધીની
ચીસ જેવું મૌન.

બંદૂકમાંથી નીકળતું
કે પડઘમમાંથી પડઘાતું મૌન.

મૃત્યુ પછી ઉચ્ચારાયેલા
પ્રથમ અક્ષર જેવું મૌન.

હવે મૌન
અને ત્યાં સુધી મૌન.

– જોસેફ હાંઝલિક ( અનુ. હરીન્દ્ર દવે )

મૌન કંઈ કેટલીય અલગ અલગ રીતે આપણા પર ખાબકે છે. કોઈ વાર ખૂણામાં ઘેરે છે. તો કોઈ વાર જાહેરમાં વ્હેરે છે. કોઈ વાર તો ગળા પર છરીની જેમ ગોઠવાઈ જાય છે. કવિ આવા કારમા મૌનથી વાત શરૂ કરે છે. પણ આગળ એ કવિતાને અલગ તરફ લઈ જાય છે. મૃત્યુ પછીના પ્રથમ અક્ષર જેવું એટલે કેવું ? મૃત્યુ પછીનો અક્ષર એટલે એવો સ્વર જે કોઈએ કદી સાંભળ્યો નથી ? કે પછી મૃત્યુ પછીનો ઉચ્ચાર એટલે નવજીવનની નિશાની ? જીવનભર દર્દ બનીને ઝળુબંતુ મૌન, મૃત્યુ પછી એક તૃપ્તિ બની જશે ?! … ને એ પછી રહેશે શું ? …. બસ, મૌન ! કવિતા એક ખાલીપાથી શરૂ થાય છે અને જાણે સંતોષનો ઓડકાર ખાઈને અટકે છે. અને મનને શાંતિનો, મૌનના ઔદાર્યનો, સંદેશ આપતી જાય છે.

કવિ ચેકોસ્લોવેકિયાથી છે. એમના વિષે વધુ માહિતી અહીં છે.

4 Comments »

 1. Pinki said,

  May 3, 2008 @ 2:53 am

  મૌનને વાચા આપવાનો એક સુંદર પ્રયાસ……..

  હવે મૌન
  અને ત્યાં સુધી મૌન.

 2. Jayesh Bhatt said,

  May 3, 2008 @ 4:01 am

  ખુબ સરસ
  મૌન નિ મજા જ જુદિ છએ ખુબ શાતિ મલે છએ.

  જયેશ ભટ

 3. pragnaju said,

  May 3, 2008 @ 12:50 pm

  વાહ્
  આ વાચાળ મૌન!
  છતાં સંતો કહે છે તેમ
  મૌન જ સત્ય છે-શિવ છે-સુંદર છે
  શબ્દ નીકળ્યો તે અસત્ય!

 4. Suresh Shah said,

  December 16, 2014 @ 12:58 pm

  મૌનનુ વક્ત્રુત્વ.

  કાંઈ કેટલુય કહી જાય છે આ મૌન.

  – સુરેશ શાહ, સિંગાપોર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment