તને મેં ઝંખી છે -
યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી.
સુંદરમ

પ્હોંચ્યા – મનોજ ખંડેરિયા

સતત ડહોળાતી ઘટનામાંથી નીતર્યા જળ સુધી પ્હોંચ્યા
બિલોરી કાચ જેવી પારદર્શક પળ સુધી પ્હોંચ્યા

બીડેલાં દ્વાર વરસોથી નથી થઇ ખોલવાની ઇચ્છા
નહીંતર હાથ તો કૈં વાર આ સાંકળ સુધી પ્હોંચ્યા

અકારણ ત્યાંથી ઓચિંતા અમે પાછા વળી ચાલ્યા,
કદી પ્હેલી વખત જ્યાં ગમતીલા એ સ્થળ સુધી પ્હોંચ્યા

તને પામી જવા હર એક સત્યોની ક્ષિતિજ તોડી-
પછી પ્હોંચીને જોયું તો રૂપાળા છળ સુધી પ્હોંચ્યા

વટાવી મનની મૂંઝારી ને ગૂંગળામણની સીમાઓ,
ખબર શું કોઈને કે કઈ રીતે કાગળ સુધી પ્હોંચ્યા

-મનોજ ખંડેરિયા

એક વાત માર્ક કરજો- મનોજ ખંડેરિયાની ઘણીબધી ગઝલોના મક્તાનો શેર શબ્દ,કાગળ અથવા ગઝલિયત ઉપર હોય છે !!

4 Comments »

 1. perpoto said,

  December 16, 2013 @ 7:09 am

  મનોજ ખંડેરિયા– ઉંડાણના કવિ છે.

  હાશ પહોંચ્યાં
  કાગળ કિત્તો મન
  ડુબ્યાં ખુદમાં

  આ હાયકુ મ.ખો. સાહેબને અર્પણ

 2. ધવલ said,

  December 16, 2013 @ 1:28 pm

  સતત ડહોળાતી ઘટનામાંથી નીતર્યા જળ સુધી પ્હોંચ્યા
  બિલોરી કાચ જેવી પારદર્શક પળ સુધી પ્હોંચ્યા

  બીડેલાં દ્વાર વરસોથી નથી થઇ ખોલવાની ઇચ્છા
  નહીંતર હાથ તો કૈં વાર આ સાંકળ સુધી પ્હોંચ્યા

  – સરસ !

 3. બીપીન દેસાઈ ,નવસારી said,

  December 17, 2013 @ 4:07 am

  કવિતા હમણાં જ સમઝ પડવા લાગી છે…આ શબ્દો સુંદર છે.

 4. Mukul Jhaveri said,

  December 19, 2013 @ 2:32 am

  રુપાળુ છળ અને મ્રુગજળ …. બહુ ઊન્ડુ ચિન્તન.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment