વર્ષોથી ‘ગની’ નિજ અંતરમાં એક દર્દ લઈને બેઠો છે,
છો એનું તમે ઔષધ ન બનો, પણ દર્દ વધારો શા માટે?
ગની દહીંવાલા

કોણ માનશે ? – વજ્ર માતરી

દુઃખ એય સુખ સમાન હતું કોણ માનશે ?
મૃગજળમાં જળનું સ્થાન હતું કોણ માનશે ?

ગમની છે રામબાણ દવા ઘુંટ મદિરા,
એ સંતનું વિધાન હતું કોણ માનશે ?

જીવન ગણીને જેની અમે માવજત કરી,
મૃત્યુનું એ નિદાન હતું કોણ માનશે ?

જે બારણે હું ઊભો હતો અજનબી સમો,
મારું જ એ મકાન હતું કોણ માનશે ?

ડૂબી ગયો તો સઘળા કિનારા મળી ગયા,
મારામાં એનું ધ્યાન હતું કોણ માનશે ?

બદનામીઓ મળી જે મને પ્રેમ કારણે,
વાસ્તવમાં એ જ માન હતું કોણ માનશે ?

કોનું ગજું કે નાવનું સાગરમાં નામ લે !
તોફાન ખુદ સુકાન હતું કોણ માનશે?

લૂંટાઈ બેઠા ‘વજ્ર’ અમે ભરબજારમાં,
મન ખૂબ સાવધાન હતું કોણ માનશે ?

– વજ્ર માતરી

તરહી મુશાયરાના જમાનામાં આપેલી પંક્તિ ઉપર બધા ગઝલકારો ગઝલ લખીને લાવતા. એવા જ કોઈ તરહી મુશાયરામાં કદાચ આ ગઝલ સર્જાઈ હોય… ત્રણેક ગઝલ મને જડી છે… બીજી આપને જડે તો અમને જણાવજો…

મોહતાજ ના કશાનો હતો . કોણ માનશે? – રૂસ્વા  http://layastaro.com/?p=432
દુઃખમાં જીવનની ભાળ હતી, કોણ માનશે? -શૂન્ય પાલનપુરી http://layastaro.com/?p=466
તુજ બેવફાઈમાં છે વ્યથા કોણ માનશે – મરીઝ http://maagurjari.com/2012/07/25

 

10 Comments »

 1. Maheshchandra Naik (Canada) said,

  October 19, 2013 @ 12:25 pm

  આ બધી ગઝલની વાતો જીવનમા સાચી છે કોણ માનશે? સરસ વાત ગઝલ દ્વારા કહેવાય છે.

 2. Manubhai Raval said,

  October 19, 2013 @ 1:12 pm

  જીવન ગણીને જેની અમે માવજત કરી,
  મૃત્યુનું એ નિદાન હતું કોણ માનશે ?

  જે બારણે હું ઊભો હતો અજનબી સમો,
  મારું જ એ મકાન હતું કોણ માનશે ?
  વાહ ક્યા બાત હૈ સરસ……

 3. chandresh said,

  October 21, 2013 @ 5:19 am

  લૂંટાઈ બેઠા ‘વજ્ર’ અમે ભરબજારમાં,
  મન ખૂબ સાવધાન હતું કોણ માનશે !!!!!!

 4. Pravin Shah said,

  October 21, 2013 @ 6:14 am

  હાથ લાધ્યું રમ્ય છે, કોણ માનશે ?
  એ સમયનું તથ્ય છે, કોણ માનશે ?

  ભાવિના સિક્કા ઉછાળ્યા કરો ભલે,
  આ જ ક્ષણ તે લભ્ય છે, કોણ માનશે ?

  જિંદગી છે પ્રશ્ન ખુદ, ઉત્તરો ઘણા,
  તો ય ગૂંચો શક્ય છે, કોણ માનશે ?

  એક ઝાકળમાં સૂરજ ઓગળી ગયો,
  એક પળનું દશ્ય છે, કોણ માનશે ?

  શબ્દ છૂટ્યો કે તરત ગુંજતો ફરે,
  એ સનાતન સત્ય છે, કોણ માનશે ?

  શું વમળ રચવાં નવાં શબ્દસૃષ્ટિમાં,
  કાવ્યને ભવિતવ્ય છે, કોણ માનશે ?

  બાળપણથી અંત લગ જાતરા હશે,
  જિંદગી તો ભવ્ય છે, કોણ માનશે ?

  સાંકડી શેરી અને ભીડ શોધતી,
  ‘કીર્તિ’ બુદ્ધિગમ્ય છે, કોણ માનશે ?

  -કીર્તિકાન્ત પુરોહિત

 5. Pravin Shah said,

  October 21, 2013 @ 6:15 am

  સોમલ સ્વયંભૂ સોમ હશે કોણ માનશે ?
  ખુદ હાશકારો હોમ હશે કોણ માનશે ?

  મંદિરના છાંયડાથી બહુ દૂર જે જીવ્યા,
  અવતાર એનો ઓમ હશે કોણ માનશે ?

  આ વેર-વિખેર જિન્દગી પાસે સ્મરણ સમાં,
  ઐશ્વર્ય દોમ-દોમ હશે કોણ માનશે ?

  લઈ આવ્યું આપના સુધી જે હાથ ઝાલીને,
  દીવાનગીનું જોમ હશે કોણ માનશે ?

  ‘સાહિલ’ કદી મળાયું નથી એ જ શખ્સનો,
  સધિયારો રોમ રોમ હશે કોણ માનશે ?

  -સાહિલ

 6. Pravin Shah said,

  October 21, 2013 @ 6:26 am

  એ સમય વ્યથાનો હતો કોણ માનશે
  રુદનનો જમાનો હતો કોણ માનશે

  ભટકી જતે હું યે લપસણા પથ ઉપર
  એહસાન ખુદાનો હતો કોણ માનશે

  ભેગા થયા તબીબો નિદાનના કાજે
  ને વકત એ દુવાનો હતો કોણ માનશે

  સમજતો હતો હું વફા મારો ઈજારો
  એ ખુદા બધાનો હતો કોણ માનશે

  આખરે એ ઉભય બેઉ એક થઈ ગયાં
  ઝઘડો એક અના નો હતો કોણ માનશે

  ને અમે સહજથી એને મેળવી લીધો
  રસ્તો એ ફનાનો હતો કોણ માનશે

  આમ સરળતાથી એ પ્રાપ્ત ક્યાં થતે
  અણસાર વફાનો હતો કોણ માનશે?

  અના=અહઁકાર

  મોહમ્મદઅલી ભૈડુ”વફા’

 7. વિવેક said,

  October 21, 2013 @ 8:38 am

  આભાર, પ્રવીણભાઈ….

 8. Harshad said,

  October 22, 2013 @ 9:24 pm

  મારી પાસે કહેવા માટે શબ્દો નથી. ઍટ્લુ જ્ કહિશ કે ભાઇ ખુબ સરસ્!!

 9. ravindra Sankalia said,

  October 23, 2013 @ 9:41 am

  દેખિતી રીતે વિરોધાભાસી લાગતી વાતો કેટલી સાચી હોય છે એ કોઈ માનવા તેયાર નથી હોતુ. આ વાત ગઝલમા સચોટ રીતે વ્યક્ત કરી છે.

 10. Jay Naik said,

  October 27, 2013 @ 9:19 am

  There is a one more gazal of Late Ratilal Anil similarly this.

  aavi hati bahar kadi mara aangane,
  Ne huj ghar bahar hato kaun manshe!

  Hashvu padyu je koi ne saru lagadva,
  Ae shok no prakar hato kaun manshe!

  ____ Ratilal Anil, Surat

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment