ભીડભાડ દુનિયાની અમને તો કદી ન નડી,
આપણે તો મસ્તીથી આપણી ભીતર ચાલ્યા.
વિવેક મનહર ટેલર

રુબાઈઓ – રૂમી (અનુ. સુરેશ દલાલ)

અગ્નિથી જ ઝાળ લાગે એવું નથી હોતું.
જ્યારે તું એકાએક મારે બારણેથી
ચાલ્યો જાય છે ત્યારે
મને ઝાળ લાગે છે.
જ્યારે તું આવવાનું વચન આપે છે
અને આવતો નથી
ત્યારે હું એકલવાયી અને ઠંડીગાર થઈ જાઉં છું.
હિમ પાનખરમાં જ દેખાય એવું નથી.

*

જો મેં જાણ્યું હોત કે
પ્રેમ આટલો જંગલી છે
તો મેં પ્રેમના મકાનના દરવાજા
બંધ કરી દીધા હોત !
પીટીને, બરાડ્યો હોત ‘દૂર રહેજો !’
પણ હું મકાનમાં છું… અસહાય…

*

તારા હૃદયથી
મારા હૃદય સુધીનો એક રસ્તો છે
અને મારું હૃદય એ જાણે છે,
કારણ કે એ જળ જેવું સ્વચ્છ અને શુદ્ધ છે.
જ્યારે જળ દર્પણ જેવું સ્થિર હોય
ત્યારે જ એ ચંદ્રને જોઈ શકે, ઝીલી શકે.

*

તારા ઉઘાડા પગ જ્યાં ચાલે છે
ત્યાં મારે પહોંચવું છે,
કારણ એવું પણ બને
કે તું પગ મૂકે એ પહેલાં
જમીનને જુએ પણ ખરો.
મને જોઈએ છે એ આશીર્વાદ.

*

તારે માટે મને જે પ્રેમ છે
એમાં જ હું આ રીતે મરીશ.
જેમ વાદળોના ટુકડાઓ
સૂર્યપ્રકાશમાં ઓગળી જાય, એમ.

*

પ્રેમ,
એક એવી જ્વાળા છે
કે જ્યારે એ પ્રકટે છે
ત્યારે બધું જ બાળી નાખે છે.
કેવળ રહે છે ઈશ્વર.

– મૌલાના જલાલ-ઉદ-દ્દીન રૂમી
(અનુવાદ: સુરેશ દલાલ)

તેરમી સદીના પર્શિયન ભાષાના સૂફી કવિ મૌલાના જલાલ-ઉદ-દ્દીન રૂમી સાચા અર્થમાં કવિતા જીવી ગયા, કવિ હોવાના અહેસાસના કોઈ પણ બોજ વિના. સહજતાથી. સરળતાથી. જેમ આપણે હવા શ્વસીએ એમ. પ્રિયતમ, પ્રિયતમા, પ્રણય, શરાબ, ગુલ-બુલબુલને કેન્દ્રમાં રાખીને લખાયેલી આ કવિતાઓ ખરેખર તો ઈશ્વરીય પ્રેમની ઉત્કટતાની ચરમસીમા છે. આત્માનો પરમાત્મા માટેનો સીધો તલસાટ છે. શ્રી સુરેશ દલાલ “હું તો तमने પ્રેમ કરું છું” નામના અદભુત પુસ્તકરૂપે એમની રુબાઈઓનો અમૂલ્ય અનુવાદ આપણા માટે લઈ આવ્યા છે. આ પુસ્તક પ્રગટ થયાના પાંચ વર્ષ મોડું કેમ હાથમાં આવ્યું એનો જ વસવસો છે…

આજે ‘વેલેન્ટાઈન ડે’ના અવસર પર ‘લયસ્તરો’ના પ્રેમીઓ માટે મહાસાગરના કયા મોતીઓ -રુબાઈઓ- પસંદ કરવા અને કયા છોડવા એ જાણે પ્રાણપ્રશ્ન બની ગયો. નાની-નાની રુબાઈઓના સ્વરૂપે અહીં ચારે તરફ ઈશ્વરીય પ્રેમનો અખૂટ ખજાનો ભર્યો પડ્યો છે. આ રુબાઈઓ જેટલી સરળ ભાસે છે, એટલી જ અર્થગહન છે. એને પોતપોતીકી સમજણ મુજબ જ મમળાવીએ…

(રૂમી: જન્મ: ૩૦-૦૯-૧૨૦૭, બાલ્ખ, અફઘાનિસ્તાન ~ મૃત્યુ: ૧૭-૧૨-૧૨૭૩, કોન્યા, તુર્કી)

3 Comments »

 1. Group2Blog :: Two Valentine special posts for genuine poetry lovers… said,

  February 14, 2008 @ 9:01 am

  […] http://layastaro.com/?p=1055 […]

 2. pragnaju said,

  February 14, 2008 @ 9:41 am

  સુફી એટલે પ્રેમ પંથના પ્રવાસી તેમાં રૂુમીની રુબાઈઓ .
  તેઓ કહે છે તેમ
  Soul receives from soul that knowledge,
  therefore not by book
  nor from tongue.
  If knowledge of mysteries come after emptiness of mind,
  that is illumination of heart.
  પ્રેમ પંથી મીરાં જેવા ઘણા ભક્તોનો અનુભવ આ સુફી જેવો જ હોય છે.
  “જો મેં જાણ્યું હોત કે
  પ્રેમ આટલો જંગલી છે
  તો મેં પ્રેમના મકાનના દરવાજા
  બંધ કરી દીધા હોત !
  પીટીને, બરાડ્યો હોત ‘દૂર રહેજો !’
  પણ હું મકાનમાં છું… અસહાય…”
  અગરમે એસા જાનતી પ્રીતકીયે દુખ હોય
  નગર ઢંઢરવા પીટતી પ્રીત ન કરીઓ કોઈ
  મીરાંની પણ આવી જ વેદના
  કે
  “પ્રેમ,
  એક એવી જ્વાળા છે
  કે જ્યારે એ પ્રકટે છે
  ત્યારે બધું જ બાળી નાખે છે.
  કેવળ રહે છે ઈશ્વર.”
  પ્રેમપંથ પાવકની જ્વાળા
  દેખી પાછા ભાગે જ ોને…ું
  The religion and creed of the lovers is non- existence.
  પર્શીઅનમાંથી અંગ્રેગીમાંથી ગુજરાતીમાં આટલુ સુંદર ભાષાંતર
  કદાચ સુરેશ દલાલ જ કરી શકે…

 3. ધવલ said,

  February 14, 2008 @ 10:47 pm

  અણિશુદ્ધ કવિતા ! સરસ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment