સર્વસ્વ કૈં ગુમાવ્યાની લાગણી છે, મિત્રો !
પંક્તિ સરસ મળેલી પાછી ભુલાઈ ગઈ છે
નયન દેસાઈ

મધપૂડા – મનીષા જોષી

મોટાં ઘટાદાર વૃક્ષો
અને તેના પર લટકતા વજનદાર મધપૂડા.
મધ ચૂસતી મધમાખીઓનાં પુષ્ટ શરીર જોઈને
ઊંઘમાં પણ મારા ચહેરા પર સ્મિત ફરી વળે છે.
ખાતરી કરીને ચોખ્ખું મધ ખરીદતી કોઈ ગૃહિણીની જેમ
હું અદમ્ય સંતોષ અનુભવું છું.
સુખ, અસહ્ય સુખ. નથી સહન થતું હવે.
મધપૂડા પર ફેંકાતા પથ્થર
મારી પીઠ પર વાગે છે.
મધમાખીઓના ડંખ
મારા શરીરે ઊઠી આવે છે.
વૃક્ષો વચ્ચે છંછેડાઈને આમતેમ ઊડાઊડ કરતી
મધમાખીઓનો ગણગણાટ
મારા રૂમમાં પ્રસરે છે.
પગ સાથે અથડાતા
સુકાઈ ગયેલા મધપૂડાને
હું ઘરમાં સજાવટ માટે મૂકેલા
સુગરીના કલાત્મક,ખાલી માળાની બાજુમાં ગોઠવી દઉં છું.
મધમાખીઓ વિનાનો આ મધપૂડો પહેલીવાર સ્પષ્ટ દેખાય છે.
તેની અંદરનાં ભર્યાં ભર્યાં પોલાણ હું જોઈ રહું છું.
કોઈ ખાલી ઘરમાં બારી-બારણાંનો ભેદ ક્યાં હોય?
મારી નજર સોંસરવી પસાર થઇ જાય છે.
સુખ ઊડતું રહે છે, મધમાખીની જેમ.
એક થી બીજા મધપૂડા પર.

-મનીષા જોષી

તૃષ્ણા-desire ની વાતને થોડા અઘરા રૂપકથી રજૂ કરી છે . જીવન કદાચ રંગહીન છે – આપણી તૃષ્ણાના રંગને તે માત્ર પરાવર્તિત કરે છે અને આપણે એ પ્રતિબિંબને જીવનનો પોતીકો રંગ સમજી બેસીએ છીએ . વિપરીત સંજોગો એ પથ્થર રૂપી ખલેલ છે . મધમાખીઓ ઊડી જાય છે અને ખાલી મધપૂડો સ્પષ્ટ નજરે ચડે છે . ‘ ભર્યાં ભર્યાં પોલણ ‘ – કદાચ વક્રોક્તિ પણ હોઈ શકે પરંતુ કદાચ તે સુખ-દુઃખ થી પર એવી અવસ્થા પણ ઈંગિત કરતું રૂપક હોઈ શકે .

4 Comments »

 1. naresh said,

  August 26, 2013 @ 3:55 pm

  વાહ……

 2. sudhir patel said,

  August 26, 2013 @ 10:15 pm

  મારા પ્રિય ગઝલકાર શ્રી મિસ્કીનસાહેબની ખૂબ સુંદર ગઝલ અને એવી જ જાનદાર રજૂઆત માણવાની મજા પડી.
  સૌરભભાઈનો હાર્દિક આભાર્!

  સુધીર પટેલ.

 3. sudhir patel said,

  August 26, 2013 @ 10:18 pm

  ખૂબ સુંદર કાવ્ય!

  સુધીર પટેલ.

  આ પહેલાનો પ્રતિભાવ અન્ય માટે હોય એ દૂર કરવા વિનંતી.
  આભાર.

 4. Laxmikant Thakkar said,

  August 29, 2013 @ 2:08 am

  “સુખ, અસહ્ય સુખ. નથી સહન થતું હવે.”

  “સુખ ઊડતું રહે છે, મધમાખીની જેમ.
  એક થી બીજા મધપૂડા પર.”

  Good lines.
  “તૃષ્ણા-desire ની વાતને થોડા અઘરા રૂપકથી રજૂ કરી છે .”
  “આપણી તૃષ્ણાના રંગને તે માત્ર પરાવર્તિત કરે છે અને આપણે એ પ્રતિબિંબને જીવનનો પોતીકો રંગ સમજી બેસીએ છીએ ”
  ………બધો આભાસ “કઇંક” -La’kant / 29-8-13

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment