તુજ દર્દ જોઈએ છે મગર આટલું નહિ,
થોડી કચાશ કર, મને પૂરી દવા ન દે.
મરીઝ

વળાવી બા આવી – ઉશનસ્

(શિખરિણી)

રજાઓ દિવાળી તણી થઈ પૂરી, ને ઘર મહીં
દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની.
વસેલાં ધંધાર્થે દૂરસુદૂર સંતાન નિજનાં
જવાનાં કાલે તો, જનકજનની ને ઘરતણાં
સદાનાં ગંગામાસ્વરૂપ ઘરડાં ફોઈ, સહુએ
લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ
નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા,
ઉવેખી એને સૌ જરઠ વળી વાતે સૂઈ ગયાં.
સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઊપડ્યા,
ગઈ અર્ધી વસ્તી, ઘર થઈ ગયું શાંત સઘળું,
બપોરે બે ભાઈ અવર ઊપડ્યા લેઈ નિજની
નવોઢા ભાર્યાઓ પ્રિયવચન મંદસ્મિતવતી;
વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશ:
ગૃહવ્યાપી જોયો વિરહ, પડી બેસી પગથિયે.

– ઉશનસ્

આપણામાંથી મોટા ભાગના લોકો કવિતાના હૃદયસ્વરૂપની સમજણ અને સમાજમાં વડીલોના મોળા પડી ગયેલા સ્થાનની સમજ સાવ કાચી હોય એવે તબક્કે આ સોનેટ શાળામાં ભણી જ ચૂક્યા હશે પણ એક ઉત્તમ કવિતા તરીકે આજે આપણે એને ફરીથી માણીએ…

બાળવિધવા ફોઈ અને મા-બાપથી બનેલા ગામડાના સૂના ઘરમાં દિવાળીના દીવા ત્યારે જ પ્રકાશે છે જ્યારે બાળકો કુટુંબ-કબીલા સાથે વેકેશન ગાળવા આવે છે પણ સંતાનોને વિદાય આપ્યા બાદ ઓસરીથી ઉંબરાનું અંતર કાપવું કેવું દોહ્યલું થઈ પડે છે !

10 Comments »

  1. Dr jagdip said,

    July 13, 2013 @ 4:57 AM

    વળાવી બા આવી મા બા સંતાનોને વળાવે છે….જ્યારે એક બિજુ કાવ્ય
    વળાવી બા આવ્યા…..પણ છે….જેમા સંતાનો બાને સ્મશાને વળાવી ઘેર આવે છે….
    મળે તો મુકજો…..વિવેકભાઈ……

  2. Virendra Bhatt said,

    July 13, 2013 @ 10:41 AM

    વિવેકભાઈ,
    વળાવી બા આવી..શાળામા આણન્દજીવાલા સાહેબે સરળ અને સહજતાથી શીખવેલ સોનેટ યાદ આવ્યુ.આભાર. આજની સ્થીતિમા પણ લાગુ થાય છે. સન્તાનો વિદેશમા વસે છે. વરસ બે વરસે મળવા સહકુુટુમ્બ આવે, ઘરમા જીવ પુરાય. ફરી બા એમને વળાવે…

  3. Maheshchandra Naik (Canada) said,

    July 13, 2013 @ 11:19 AM

    આજની વાસ્ત્વિક્તાને સરસ રીતે રજુઆત કરતી રચના….કવિશ્રી ઉશનસને શ્રધ્દ્ધા સુમન………………………

  4. pragnaju said,

    July 13, 2013 @ 7:28 PM

    આ ત અમારા અનુભવની વાત!
    રચના ખૂબ ગમી

  5. Suresh Shah said,

    July 15, 2013 @ 8:37 PM

    દરેક કુટુંબ, દરેક ઘર, અરે દરેક જીવની આ વાત છે.
    બાળવિધવા ફોઈ અને મા-બાપથી બનેલા ગામડાના સૂના ઘરમાં દિવાળીના દીવા ત્યારે જ પ્રકાશે છે જ્યારે બાળકો કુટુંબ-કબીલા સાથે વેકેશન ગાળવા આવે છે પણ સંતાનોને વિદાય આપ્યા બાદ ઓસરીથી ઉંબરાનું અંતર કાપવું કેવું દોહ્યલું થઈ પડે છે !
    અને સાચે જ, આજે એજ સ્થાન આપણે લીધુ છે – સંતાનો વિદેશમા સ્થાયી થયા હોય અને રજામાં ઘેર આવે (શહેર હોય કે ગામ), ત્યારે એમનુ ભાવતુ ભોજન આપવાની યોજના કરીએ છીએ. એમના બાળકોને ક્યાં ક્યાં ફરવા લઈ જવા, એમને શું ગમશે, ક્ય સ્ટોરમા ખરીદી કરવા લઈ જશુ – બસ આ બઘામાં જ સમય પસાર થઈ જાય છે. ઘરમા બધી સાગવડ હોવી જોઈએ, ગરમી ના લાગે, આ ટેબલ અહીંથી ખસેડી લો – નાનકાને લાગી જશે !
    અને, પછી વિદાય – નાસ્તો પેક ક્રર્યૉ? ત્યાર બાદ વિષમ શાંતિ, અસહ્ય મુંઝવણ ….

  6. ravindra Sankalia said,

    July 17, 2013 @ 6:55 AM

    વિધવા ફોઇની વ્યથા બહુ સરસ રીતે ઉજાગર કરી.

  7. હેમંત પુણેકર said,

    July 19, 2013 @ 10:37 PM

    સરસ કાવ્ય!

  8. harsha r dave said,

    November 13, 2013 @ 10:10 AM

    બા યાદ આવી ગ્યાં.

  9. bela kothari said,

    November 2, 2021 @ 9:32 AM

    દરેક યુગમાં બાળકોને સમજણ આપતું કાવ્ય!
    સમાજની જરૃરિયાત!
    ઘરડા માબાપની વધતી જતી એકલતા!

  10. bela kothari said,

    November 2, 2021 @ 9:47 AM

    દરેક યુગમાં બાળકોને સમજણ આપતું કાવ્ય!
    સમાજની જરૃરિયાત!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment