ગામ આખું ફર્યા એમ માની ‘નયન’
એનું ઘર આવવાનું આ ફળિયા પછી
નયન દેસાઈ

પ્રયત્ન – વિપિન પરીખ

ચલો, એક દિવસ આપણે એમ વરતીએ
જાણે લગ્નનો પહેલો દિવસ છે.
તું કહેશે તો એ દિવસ હું ઑફિસ નહીં જાઉં.
હું તને કહીશ, ‘રસોઈ તો રોજની છે. એને બાજુએ મૂક.
આવ મારી પાસે બેસ.’
ભરબપોરે દરિયાકિનારે આપણે હાથમાં હાથ દઈ દોડીશું,
અથવા રેતીમાં ઊંચા ઊંચા મહેલ ઊભા કરીશું.
એ દિવસે તારી સાડીનો રંગ હું પસંદ કરીશ.
તું આનાકાની નહીં કરે.
મિત્રોની મહેફીલમાં હું પડ્યોપાથર્યો નહીં રહું.
તને છોડીને ઘરની બહાર હું ક્યાં જઈશ ?
એક પણ પુસ્તકને હાથ નહીં લગાડું – સોગંદ ખાઉં છું.
રાત્રે બત્તીના પ્રકાશ માટે આપને ઝગડશું – તું ના કહેશે.
અંધકાર ગાઢ થતો જશે અને છતાં
તું મને સૂવા નહીં દે.
સવારે તારા હોઠને ભીના કરી હું તને જગાડીશ.
પણ અત્યારે તો
આપણે ઊંઘ વિના તરફડતી પાંપણ જેવા…
જુદાં…

– વિપિન પરીખ

વિપિન પરીખ લગ્નની હકીકતને બહુ કાળજીથી વર્ણવી જાણે છે. પ્રેમ જ્યારે લગ્નની હકીકત સાથે ટકરાય છે ત્યારે કેવી ચીસ સાથે એના ચૂરેચૂરા થઈ જાય છે એની આ કવિતામાં વાત છે. આ કવિતા વાંચતા વાંચતા તરત ‘આવિષ્કાર’ ફીલ્મ યાદ આવી ગઈ. એમાં પણ આ જ રીતે ફ્લેશબેકના ઉપયોગથી એક પ્રેમલગ્નનાં તૂટવાની વાત હતી.

7 Comments »

  1. વિવેક said,

    January 8, 2008 @ 1:41 AM

    આખી કવિતા એક દીર્ઘ ચીસ સિવાય બીજું કંઈ નથી જાણે કે…

    ચૌદ પંક્તિઓની મર્યાદામાં લખાયું હોત તો આ કાવ્યને હું ‘અછાંદસ સૉનેટ’ કહેવાનું પસંદ કરત. સૉનેટની જેમ જ અંતિમ બે પંક્તિમાં જે વળાંક અને ચોટ આવે છે એ અવાચક્ કરી દે એવા છે. વિપીન પરીખની કવિતાઓ હું જેટલી વાંચું છું, એટલો વધુ ને વધુ પ્રેમમાં પડતો જાઉં છું…

  2. payal said,

    January 8, 2008 @ 4:25 AM

    એ દિવસે તારી સાડીનો રંગ હું પસંદ કરીશ.
    તું આનાકાની નહીં કરે.
    મિત્રોની મહેફીલમાં હું પડ્યોપાથર્યો નહીં રહું.
    તને છોડીને ઘરની બહાર હું ક્યાં જઈશ ?
    kharekhar khub j saras che a rachnaa aa 4line maa akhu drshyaa ubhu thay che 🙂

  3. pragnaju said,

    January 8, 2008 @ 9:54 AM

    સુંદર અછાંદસ રચના
    ‘પણ અત્યારે તો
    આપણે ઊંઘ વિના તરફડતી પાંપણ જેવા…
    જુદાં’
    વાંચતા એક કસક…
    તેની આવી જ ભીની ભીની કસકવાળી પંક્તિ યાદ આવે…
    ‘ ને ચિંતાથી સજળ એની આંખો મને ઠપકો દેતી.
    હું અપરાધી… વ્યથિત થતો’
    અને-
    ‘સાંજને ટાણે મારગ ઉપર એની નજર
    પથરાઈ રહેતી નથી,’
    .’હુ
    ઓફિસેથી વહેલો આવતો નથી’

  4. ભાવના શુક્લ said,

    January 8, 2008 @ 11:35 AM

    પ્રણય અને પરીણયના સુક્ષ્મ અને સ્થુળ વિશ્વો ટકરાય ત્યારનુ જીવંત શબ્દદ્રશ્ય……
    અને છતા કોઈ અલૌકીકની કલ્પનામા મળતુ-રખડતુ સહજ એવુજ શબ્દદ્રશ્ય….

  5. shriya said,

    January 10, 2008 @ 5:56 PM

    સવારે તારા હોઠને ભીના કરી હું તને જગાડીશ.
    પણ અત્યારે તો
    આપણે ઊંઘ વિના તરફડતી પાંપણ જેવા…
    જુદાં…

    કવિ વિપિન પરીખે ખુબજ સરસ રીતે પ્રેમ અને લગ્નજીવનની વાસ્તવિક્તા ને Anti-Climax ની રીતે દર્શાવ્યો છે!

  6. Nirlep Bhatt said,

    February 7, 2009 @ 1:12 PM

    somehow, i felt this poet has been an unsung hero of our language – has written much less, but so qualitative & out-of- the box…….I adore his poems, “coffee house” poet collection is wonderful

  7. Sandeep Thakore said,

    August 12, 2010 @ 3:12 PM

    Where can I purchase books of poetry by Vipin Parikh? I appreciate any help or guidance.

    Thank you.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment